બિહારમાં સત્તાની સાઠમારી

વિધાનસભા ચૂંટણીઓ ભલે દિલ્હીમાં યોજાઇ, પણ સત્તાની સાઠમારી બિહારમાં ચાલે છે. રાજ્યનું સુકાન સંભાળવા જનતા દળ (યુ)માં ચાલતી ખેંચતાણ ભારતમાં નવાઇની વાત નથી, પણ આ ધમાસાણે પક્ષને ભાગલાના આરે પહોંચાડ્યો છે. 

વિધાનસભા ચૂંટણીઓ ભલે દિલ્હીમાં યોજાઇ, પણ સત્તાની સાઠમારી બિહારમાં ચાલે છે. રાજ્યનું સુકાન સંભાળવા જનતા દળ (યુ)માં ચાલતી ખેંચતાણ ભારતમાં નવાઇની વાત નથી, પણ આ ધમાસાણે પક્ષને ભાગલાના આરે પહોંચાડ્યો છે. લોકસભા ચૂંટણીઓમાં પક્ષના પરાજય બાદ નૈતિકતાના મુદ્દે મુખ્ય પ્રધાન પદ છોડનારા નીતિશ કુમાર ફરી સત્તાનો દોર સંભાળવા મરણિયા બન્યા છે તો બીજી બાજુ, નીતિશે ખુદ જેમને મુખ્ય પ્રધાન પદ સોંપ્યું હતું તે જીતન રામ માંઝી ગાદી છોડવા માંગતા નથી. અલબત્ત, સોમવારે માંઝીની પક્ષમાંથી હકાલપટ્ટી અને નીતિશ કુમારે ગવર્નરને મળીને સરકાર રચવા કરેલો દાવો દર્શાવે છે કે જનતા દળ (યુ)ના કેન્દ્ર સ્થાને આજે પણ નીતિશ જ છે અને માંઝીના પડકારને પહોંચી વળવા પક્ષ સક્ષમ જણાય છે, પરંતુ અહીં સવાલ એ છે કે વિધાનસભા ચૂંટણી માંડ આઠ મહિના દૂર છે ત્યારે નીતિશને કેમ મુખ્ય પ્રધાન પદ સંભાળવા આગળ આવવું પડ્યું? નીતિશ ફરી મુખ્ય પ્રધાન બનશે તો તેમની નૈતિક્તાનું શું? આમ જૂઓ તો પ્રશ્ન અસ્થાને છે કેમ કે ભારતીય રાજકારણ અને નૈતિક્તાને વચ્ચે હંમેશા કંઈક અંતર રહ્યું છે. દેશના ભાગ્યે જ કોઇ પક્ષે ‘સમયની માગ’ને નજરમાં રાખીને આ કે આવા મુદ્દે સમાધાન નહીં કર્યું હોય. નીતિશે વર્ષોપુરાણા સાથીદાર ભાજપ સાથે છેડો ફાડીને લાલુ પ્રસાદના રાષ્ટ્રીય જનતા દળનો ટેકો લઇ સરકાર ટકાવી તે અનૈતિક હતું. જે લાલુના ‘જંગલરાજ’નો વિરોધ કરીને નીતિશ મુખ્ય પ્રધાન પદે પહોંચ્યા તે જ લાલુનો જ ટેકો લેવો એ તો મતદારો સાથે નર્યો વિશ્વાસઘાત જ ગણાય. સામી બાજુ, નીતિશ સાથે જોડાણ તૂટતાં ભાજપે રામવિલાસ પાસવાન સાથે હાથ મિલાવ્યા. આ જ પાસવાને ગુજરાતના કોમી તોફાનોના વિરોધમાં એનડીએ સાથે નાતો તોડ્યો હતો. આમ, નીતિશનું લાલુ સાથેનું જોડાણ કે ભાજપ-પાસવાન મિલન કોઇ સૈદ્ધાંતિક જોડાણ નહીં, પણ તકવાદ જ છે. માંઝીએ મુખ્ય પ્રધાન પદ છોડવા નકાર્યું છે ત્યારે જનતા દળ (યુ)ના વિધાનસભા પક્ષના નેતા પદે નીતિશની વરણી અને રાજ્યપાલને મળી સરકાર રચવા કરેલો દાવો નવા રાજકીય સંકટના અણસાર આપે છે. હવે સમગ્ર મામલો રાજ્યપાલની રાજકીય સૂઝબૂઝ અને બંધારણની જોગવાઈ પર નિર્ભર છે.

બિહારમાં સત્તાની સાઠમારી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.