ગુજરાતમાં એક પણ કામ મફતમાં થતું નથીઃ વાઘેલા

વિધાનસભામાં વર્ષ ૨૦૧૫-૧૬ના બજેટ ઉપરની સામાન્ય ચર્ચા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કરી હતી. 

વિધાનસભામાં વર્ષ ૨૦૧૫-૧૬ના બજેટ ઉપરની સામાન્ય ચર્ચા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ૨૦ વર્ષની ભાજપ સરકારમાં હવે પારદર્શકતા નથી. ભ્રષ્ટાચારના ઓછાયામાં એક પણ કામ મફતમાં નથી થતું, તેવો વેધક સવાલ કરીને લોકલાગણીના પડઘા સાથે સરકાર પાસેથી તેમની નીતિઓ અને વહીવટનો હિસાબ વાઘેલાએ માગ્યો હતો. ચર્ચા દરમિયાન તેમણે કહ્યું કે, ‘સૌનો સાથ - સૌનો વિકાસ જેવા ચૂંટણીલક્ષી સૂત્રો અને ત્યારપછી માત્ર આત્મશ્લાઘામાં રાચતી સરકારે ગુજરાતી પ્રજાને ૨૦ વર્ષના અંતે રૂપિયા બે લાખ કરોડના દેવા સિવાય કંઈ જ આપ્યું નથી.’ આ ઉપરાંત તેમણે સરકારની વિવિધ નીતિઓની પણ ટીકા કરીને ભ્રષ્ટાચારમાં વધારો થયો હોવાનું કહ્યું હતું. 

• પાંચ વર્ષમાં ૮૯ ખેડૂતોએ આત્મહત્યા કરીઃ રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન વિવિધ કારણોસર ૮૯ જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી હોવાની સત્તાવાર માહિતી રાજ્ય સરકારે વિધાનસભામાં રજૂ કરી હતી. એક પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, આઠ ખેડૂતોએ દેવું વધી જવાથી, ત્રણ ખેડૂતોએ ખેતીમાં દેવું વધી જવાથી જ્યારે ૭૮ ખેડૂતોએ અન્ય કારણોસર પોતાની જિંદગી ટૂંકાવી હતી. જોકે, પાક નિષ્ફળ જવાનું કારણ એક પણ કિસ્સામાં નહીં હોવાનું સરકારે જણાવ્યું હતું.
• કોર્પોરેટરની જુગાર કલબ પકડાઈઃ અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારના કોંગ્રેસના કોર્પોરેટર અમરીશ મણિલાલ પટેલની ચાંદખેડા આઈઓસી નજીકના ઓરેન્જ મોલમાં આવેલી કલબ ઉપર ચાંદખેડા પોલીસે દરોડો પાડીને પાના-પૈસાનો જુગાર રમતા અમરીશ પટેલ સહિત ૨૦ જુગારીઓને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા
રૂ. ૧૧.૫૮ લાખ, રૂ. ૩.૪૦ લાખની કિંમતના ૨૧ મોબાઈલ ફોન અને ૭૦ હજારના બે બાઈક મળી કુલ રૂ. ૧૫.૬૮ લાખની મત્તા કબજે કરી હતી.
• મ્યુનિસિપલ કોર્પોરેશન ઢોલ વગાડીને ટેકસ વસૂલ્યોઃ જેમણે પ્રોપર્ટી ટેક્સ ભરવાનો બાકી હોય તેવા કરદાતાઓના ધંધા-રોજગારના સ્થળે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગત સપ્તાહે અનોખી રીતે ઢોલ વગાડીને ઉઘરાણી કરી રૂ. ૬ લાખ રૂપિયાનો ટેક્સ વસૂલ કર્યો હતો. શહેરના ઘાટલોડિયા અને નારણપુરા વિસ્તારના મુખ્ય માર્ગ પર જેમને પ્રોપર્ટી ટેક્સ ભરવાનો બાકી હતો તેવા ૧૬ કરદાતાના ધંધાના સ્થળે પહોંચી જઈને ઢોલ વગાડીને ઉઘરાણી કરી હતી. એટલું જ નહીં, કર્મચારીઓએ કર નહીં ભરનાર ધંધા-રોજગારવાળી મિલ્કતો સીલ કરીને લોક કરાતાં બાકી કરદાતાઓમાં ટેક્સ ભરવા માટે દોડધામ મચી હતી. ઢોલ વગાડીને બાકી ટેક્સ ઉઘરાવવાનો નવો આ નુસખો ઉપયોગી સાબિત થયો હતો.
• ABVP-ગુજરાતના સ્થાપકનું અવસાનઃ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશની ૧૯૬૪માં સ્થાપના કરનાર પ્રાધ્યાપક
પ્રા. નારણરાવ ગણેશ ભંડારીનું અવસાન અમદાવાદમાં સોમવારે થયું હતું. સદ્ગતની સ્મશાનયાત્રામાં રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી, પ્રધાન મંડળના અનેક સભ્યો અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ગુજરાતના પ્રાંતના લોકો પણ જોડાયા હતા.
• પાંચ વર્ષમાં રૂ. ૩૨૩.૪૩ કરોડનો દારૂ પકડાયોઃ વિરમગામના કોંગ્રેસના ધારાસભ્ય તેજશ્રીબેન પટેલે વિધાનસભા ગૃહમાં દારૂની ખુલ્લેઆમ હેરાફેરી થતી હોવાનું જણાવતાં કહ્યું હતું કે દારૂબંધી હોવા છતાં પોલીસ અને બુટલેગરોની મિલીભગતથી કરોડો રૂપિયાનો દારૂ રાજ્યમાં ઠલવાય છે, છેલ્લા પાંચ વર્ષમાં ૪૪,૬૭ લાખ લિટર દેશી દારૂ, ૧,૯૯ કરોડ બોટલ પકડાઈ છે અને તેની કિંમત રૂ. ૩૨૩ કરોડ ઉપરાંતની થાય છે ત્યારે રાજ્ય સરકારે દારૂબંધીનો કડક અમલ
કરવો જોઈએ.

ગુજરાતમાં એક પણ કામ મફતમાં થતું નથીઃ વાઘેલા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.