જિંદગીનો જંગ જીતવા હૈયે રાખો હામ અને ઇરાદા રાખો નેક

(ઉપર) સેલમમાં ૭ માર્ચે યોજાયેલી અશ્વેતોની રંગભેદ વિરોધી રેલીમાં અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાઃ અને (જમણે) પચાસ વર્ષ પહેલાં યોજાયેલી અશ્વેતોની રેલી અને શાંતિદૂતો પર પોલીસનો જુલમ
વડીલો સહિત સહુ વાચક મિત્રો, કોઇ કવિએ યોગ્ય જ લખ્યું છે કે જીવનમાં બધા જ દિવસો ક્યારેય એકસમાન પસાર થતા નથી. સુખ-દુઃખ, હરખ-શોક આ બધું એક સિક્કાની બે બાજુ જેવું છે. આમ છતાં પણ વર્ષના ૩૬૫ દિવસમાંથી અમુક દિવસોએ કેટલીક એવી ઘટનાઓ પણ બની જતી હોય છે જેના પરિણામો વધુ દીર્ઘજીવી અને અમુક દૃષ્ટિએ સહુને સ્પર્શી જતા હોય છે.
વડીલો સહિત સહુ વાચક મિત્રો, કોઇ કવિએ યોગ્ય જ લખ્યું છે કે જીવનમાં બધા જ દિવસો ક્યારેય એકસમાન પસાર થતા નથી. સુખ-દુઃખ, હરખ-શોક આ બધું એક સિક્કાની બે બાજુ જેવું છે. આમ છતાં પણ વર્ષના ૩૬૫ દિવસમાંથી અમુક દિવસોએ કેટલીક એવી ઘટનાઓ પણ બની જતી હોય છે જેના પરિણામો વધુ દીર્ઘજીવી અને અમુક દૃષ્ટિએ સહુને સ્પર્શી જતા હોય છે.
આજે સોમવારે આ લખાય રહ્યું છે ત્યારે છેલ્લા પાંચ દિવસના ઘટનાક્રમ પર જ નજર નાખીએ. ગુરુવારે સનાતન સંસ્કૃતિનું અપૂર્વ પર્વ - હોળી દેશ-દેશાવરમાં આનંદોત્સાહ સાથે ઉજવાયું. હોલિકાહદન એટલે સાંજ પડ્યે ચોક કે ગામની ભાગોળે કે પછી આપણા બ્રિટનની વાત કરીએ તો મંદિર કે ખુલ્લા ચોગાનમાં હુતાસણી પ્રગટાવવી એટલા પૂરતી વાત સીમિત નથી. આપણા ધર્મગ્રંથોમાં નોંધાયેલી બાળ પ્રહલાદની ભક્તિ, શ્રદ્ધા અને ઇશ્વર પ્રત્યેના તેના અચળ વિશ્વાસને સાકાર કરતો હોલિકાદહનનો પ્રસંગ આપણને અત્યંત શક્તિ પ્રદાન કરતી ઘટના છે. હિરણ્યકશિપુ નામના રાક્ષસના મનમાં એક બાળકના ઇશ્વર-સ્મરણ સામે જન્મેલો દ્વેષ છેવટે તેને જ વિનાશના પંથે દોરી જાય છે. આમ જૂઓ તો આ પ્રસંગ અધર્મ પર ધર્મના વિજયને પ્રતિબિંબિત કરે છે. આ પ્રસંગ સૂચવે છે કે ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાં પણ ઇશ્વર પ્રત્યેની આસ્થા ડગવી જોઇએ નહીં. પરંતુ આપણા મનમાં આ પર્વ-પ્રસંગ માટે કંઇક નકારાત્મક લાગણી જોવા મળે છે.
જેમ દૂધના મોટા પાત્રમાં લીંબુના રસના કેટલાંક ટીપાં કે દહીં પડી જાય અને જેમ દૂધ અખરાય જાય તેમ સારા પ્રસંગમાં માઠી વાત ભળી જતી જોવા મળે છે. આથી જ તો સારા પ્રસંગે કંઇક અજૂગતું બની જાય છે ત્યારે આપણે બોલી ઉઠીએ છીએ ને કે દિવાળીની હોળી થઇ ગઇ. કે પછી આ તો રામાયણનું મહાભારત થઇ ગયું. આ શબ્દો આપણી મનોદશાની પરિસ્થિતિ વિશે ઘણું બધું કહી જાય છે.
વાચક મિત્રો, વિચાર હોય, વાણી હોય કે વર્તન, આ બધું આખરે તો આપણી મનોસ્થિતિ રજૂ કરે છે. હું અગાઉ આ જ લેખમાળામાં લખી ચૂક્યો છું તેમ હૈયે હામ તો સદા દિવાળી, હૈયું હરામ તો સદા હોળી. જો હૈયામાં બુરાઇ ધરબાયેલી હોય, નર્યો સ્વાર્થ સમાયો હોય, યેનકેન પ્રકારેણ પોતાનું હીત જ સર્વોપરી હોય તેવું બને ત્યારે સદાય હૈયું હરામ જ હોય.
ગુરુવારે નિત્યક્રમ પ્રમાણે પ્રાતઃકાળે ઉઠ્યો. સાધારણ યોગક્રિયા કરી શવાસન કર્યું. બાય ધ વે, એક આડવાત કરું તો આ મારું પ્રિય યોગાસન - તન-મન બન્ને ઢીલાઢફ મૂકી દઇને એ...યને ચત્તાપાટ પડ્યા રહેવાનું. આમ તો આ સમયે મન એકદમ શાંત હોવું જોઇએ - વિચારવિહિન અવસ્થા ઉત્તમ ગણાય, પણ આપણે કંઇ થોડા યોગી છીએ?! એટલે ઇશ્વરસ્મરણ કરતાં કરતાં મન એકાગ્ર કરવા પ્રયત્નશીલ હતો. આ દરમિયાન માનસપટ પર - વારાફરતી - બે ગીતની પંક્તિઓ ગુંજી ઉઠી. સૌથી પહેલું ગીત કવિરાજ કલાપીનું હતું -
જ્યાં જ્યાં નજર મારી ઠરે,
યાદી ભરી ત્યાં આપની...
આપણે જ્યાં જ્યાં નજર ફેરવીએ છીએ ત્યાં ત્યાં ઇશ્વરની ઉપસ્થિતિ તો વિદ્યમાન થાય જ છે ને? અત્ર-તત્ર-સર્વત્ર - નિરાકાર સ્વરૂપે ઇશ્વરનું અસ્તિત્વ છે.
મંદિર તારું વિશ્વરુપાળું, સુંદર સર્જન હારા રે,
પલ પલ તારા દર્શન થાયે, દેખે દેખણહારા રે.
અહાહા... ઇશ્વર પ્રત્યેની આસ્થા વ્યક્ત કરતી આ પંક્તિઓમાં કેવી અદભૂત દૃષ્ટિ રજૂ થઇ છે. મન પ્રફુલ્લિત થઇ ગયું. પ્રાણાયમ કરીએ ને દિલોદિમાગ સ્ફૂર્તિલા થઇ જાય તેવી તાજગી અનુભવી.
થોડાંક બીજા યોગાસન કર્યા. ઉભો થયો. અને અરીસા સામે ઉભો રહ્યો. આપણા દરેકના બેડરૂમમાં ફુલસાઇઝ અરીસા તો હોય જ છેને? માથે ભલેને વાળખર બેઠી હોય (કેમ મરક્યા?! ઝાડ માટે પાનખર હોય તો વાળ માટે વાળખર ન હોય?), બાપલ્યા, મને તો આયનામાં મોં જોવું બહુ ગમે હોં... વ્યક્તિની વય વધવાની સાથે તેના કાન અને નાકનું કદ વધતું હોય છે તેવી ‘માન્યતા’ થોડાઘણા અંશે સાચી પડતી હોવાનું અનુભવ્યું. (જોકે આની પાછળનું વૈજ્ઞાનિક તથ્ય એ છે કે વય વધવાની સાથે વ્યક્તિના ચહેરા પરથી ચરબીનું થર ઘટતું જતું હોવાથી કાન-નાકનું કદ વધી રહ્યું હોય તેવું લાગે છે.)
આજકાલ કરતાં આ માનવદેહને ૭૮ વર્ષ પૂરાં થશે. ભલે હું મારી જાતને જુવાનજોધ ગણતો હોઉં, પણ બુઢાપો અનિવાર્ય છે. તેને આવકારવામાં જ ડહાપણ છે. ભવિષ્ય માટે એક બીજો લેખ તૈયાર કરી રહ્યો છું. જેમાં વ્યક્તિએ આયુષ્યના ૫૦મા, ૬૦મા, ૭૦મા કે ૮૦મા વર્ષના આરંભે કેવા પ્રકારની માનસિક તૈયારી કરવી જોઇએ તેની વિગતવાર વાતો કરવા માગું છું.
ટૂંકમાં, હોળીના દિવસે એક વિચાર વધુ સ્પષ્ટ હતો કે ઉંમર વધે એમ કુદરતી ક્રમ અનુસાર શારીરિક કે માનસિક આરોગ્ય સંબંધિત તકલીફો વધે તે સ્વીકારવું જ રહ્યું. જે ઘટનાને આપણે અટકાવી શકતા નથી તેને અપનાવવા જેવું વાસ્તવવાદી વલણ બીજું કોઇ હોય શકે નહીં. જેમ જેમ ઉંમર વધે તેમ તેમ આપણી શારીરિક ક્ષમતા ભલે ઘટતી જતી હોય, પણ ઇચ્છાશક્તિ હંમેશા પ્રબળ બનતી હોય છે. તો સાથે સાથે કાર્યશક્તિ, કામ કરવાની કુનેહ કે કૌશલ્ય પણ વધતા જતા હોય છે એવું વિજ્ઞાનનું તારણ છે. આપણા જીવનમાં આવું જ સ્થાન છે - ક્રિયા શક્તિનું, કર્મનું, પ્રવૃત્તિનું, સક્રિયતાનું. વાચક મિત્રો, આપના આ સેવકે કેટલાય પુસ્તકો, વેદપુરાણો, ઉપનિષદોમાં એવા અનેક દૃષ્ટાંતો વાંચ્યા છે કે સ્વાર્થ ગૌણ અને પરમાર્થ મુખ્ય બને છે ત્યારે જીવનમાં સુખ અને સંતોષનો સરવાળો અને સરવાળો જ થતો રહે છે. ખેર, ચાલો... આજે આપણે સહુ એક સંકલ્પ કરીએ - જીવનમાં નકારાત્મક્તા ફેલાવતા પરિબળોને પલિતો ચાંપવાનો, અને જીવનના દરેક દિવસને દિવાળી જેમ ઉજવવાનો.
શનિવારે, ૭ માર્ચના રોજ અમેરિકાના અલાબામા સ્ટેટના સેલમમાં વિરાટ શાંતિકૂચ યોજાઇ. રંગદ્વેષ સામેની લડતના ૫૦ વર્ષ પૂરા થયા તે પ્રસંગની અમેરિકામાં વ્યાપક રીતે ઉજવણી કરવામાં આવી. પ્રેસિડેન્ટ બરાક ઓબામાથી માંડીને આમ અમેરિકન નાગરિક તેમાં જોડાયો. નાના-મોટા સહુ કોઇ રેલીમાં સામેલ થયા હતા. અમેરિકામાં ૫૦ વર્ષ પૂર્વે હબ્સી એટલે કે નીગ્રો પ્રજાને રંગભેદનો ભારે સામનો કરવો પડતો હતો. તમને જાણીને નવાઇ લાગશે કે દેશના સંવિધાનમાં જ શ્વેત-અશ્વેતનો ભેદ સ્વીકારાયો હતો. નોકરી હોય કે પોતીકો વ્યવસાય, જમીન-મકાન દરેકેદરેક સ્થળે (અરે બસમાં બેસવા બાબત પણ) કાળા-ધોળાનો ભેદભાવ. દેશ ગોરાઓનો હતો એટલે સ્વાભાવિક જ અશ્વેતો ભારે ધિક્કાર, ભેદભાવનો ભોગ બનતા હતા.
અશ્વેતો સાથેના અન્યાય, ભેદભાવથી ત્રસ્ત માર્ટીન લ્યુથર કિંગ જુનિયર નામના એક તરવરિયા નેતાએ ગાંધીજીના વિચારો સાંભળ્યા. તેને ખરા અર્થમાં આત્મસાત કર્યા અને રંગભેદ સામેની લડાઇમાં તેને લાગુ કરવાનો દૃઢ નિર્ધાર કર્યો. યુએસએના દક્ષિણે આવેલા અલાબામા સ્ટેટના સેલ્મામાં અશ્વેત ચળવળકારો ભેગા થયા. ૭ માર્ચ, ૧૯૬૫નો દિવસ હતો. આશરે ૬૦૦ જેટલા શાંતિદૂતોએ કૂચ કરી હતી. આ શાંતિદૂતોએ કદાચ મહાત્મા ગાંધી દ્વારા ૩૫ વર્ષ પૂર્વે, માર્ચ-એપ્રિલ ૧૯૩૦માં યોજાયેલી દાંડીકૂચમાંથી પ્રેરણા મેળવી હતી, પણ પોલીસ તંત્ર તેમના પર તૂટી પડ્યું. અને અમેરિકન ઇતિહાસમાં આ દિવસ ‘બ્લડી સન્ડે’ તરીકે કાળા અક્ષરે લખાઇ ગયો. અશ્વેતો પરના અત્યાચારનો ભારે વિરોધ થયો. થોડાક સપ્તાહો બાદ અશ્વેત મતદારોના હિતોનું રક્ષણ કરતો વોટિંગ રાઇટ્સ એક્ટ પસાર થયો. અને સમય વીત્યે અશ્વેતોને સમાન અધિકારો મળતાં થયાં. શ્વેત સમુદાયનું આધિપત્ય ધરાવતા દેશમાં જોતજોતામાં એ હદે વર્ણીય સમાનતા ઉદભવી કે આજે અમેરિકાના સર્વોચ્ચ સત્તાસ્થાન - વ્હાઇટ હાઉસમાં એક અશ્વેત (નોન વ્હાઈટ) માણસ બિરાજે છે.
આ પ્રસંગ ટાંકવાનું, આ વાત વિગતવાર કરવાનું કારણ એટલું જ છે કે જીવનમાં જ્યારે જ્યારે પણ શાસક દ્વારા આમ સમાજ પર જુલ્મ થતો હોય છે ત્યારે ત્યારે અહિંસા, શાંતિ, સવિનય કાનૂન ભંગ જેવા શસ્ત્રો વડે રોજબરોજના જીવનમાંથી આપણે મારગ મેળવી શકીએ છીએ. ‘અવેરે જ શમે વેર, ન સમે વેર વેરથી’ બસ, હૈયે હામ હોવી જોઇએ અને ઇરાદો નેક હોવો જોઇએ. આપણે બ્રિટનની જ વાત કરીએ.
આજથી ૨૧ વર્ષ પૂર્વે, લંડનની ઉત્તરે આવેલા ભક્તિવેદાંત મેનોર - હરેકૃષ્ણ મંદિરને દર્શનાર્થીઓ માટે બંધ કરીને કાયમ માટે તાળાં મારી દેવાનું સરકારી ફરમાન થયું હતું. નીચલી કોર્ટથી માંડીને અપીલ કોર્ટ - એમ તમામ સ્તરે હિન્દુ સમુદાયની અપીલ ફગાવી દેવામાં આવી હતી. યુરોપીયન યુનિયનની હ્યુમન રાઇટ્સ કોર્ટમાં પણ આપણે કેસ હારી ગયા હતા. આ સમયે ભક્તિવેદાંત મેનોરના અગ્રણીઓએ, ધર્મપ્રેમી સમુદાયે વિશાળ શાંતિમાર્ચનું આયોજન કર્યું હતું. તે વેળા - ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ (ન્યુ લાઈફ) એમ માત્ર બે જ પ્રકાશનો ચળવળમાં સાથે રહ્યા હતા. ન્યાય હાંસલ કરવા માટેના આ સંઘર્ષમાં મને પણ અગત્યની જવાબદારી સોંપવામાં આવી હતી. સમગ્ર ઇંગ્લેન્ડમાં આ અંગે ખૂબ પ્રચાર થયો. ૧૪ માર્ચ, ૧૯૯૪ના રોજ બુધવારે બપોરે દોઢ વાગ્યાના અરસામાં સેન્ટ્રલ લંડનના હોલ્બોર્ન સ્ટેશન નજીકના લીન્કન્સ ઇન ફિલ્ડ્સ વિસ્તારમાંથી બેથી અઢી માઇલના અંતરે આવેલા પાર્લામેન્ટ હાઉસ તરફ કુચ યોજાઇ હતી. કૂચમાં ૩૫ હજારથી વધુ ધર્મપ્રેમીઓ સામેલ થયા હતા. વીક-ડે હોવા છતાં જોબ-કામધંધામાં રજા પાડીને કૂચમાં જોડાયેલા લોકોમાં બેન્કર્સ, ડેન્ટીસ્ટ્સ, ફાર્મસીસ્ટ, શોપકિપર્સ એમ તમામ વર્ગના લોકો હતા. આબાલવૃદ્ધો હતા. વ્હિલચેરમાં પણ કેટલાક હતા. આટલી વિશાળ મેદની છતાં ક્યાંય સ્હેજ પણ ઉશ્કેરાટ નહોતો, તનાવ નહોતો. એકેય પથ્થર તો ફેંકાયો જ નહોતો, સરકારવિરોધી સૂત્રોચ્ચારમાં પણ વિવેકમર્યાદા જળવાયા હતા.
ભારત બહાર કોઇ દેશમાં ધર્મ કે સંસ્કારના જતન માટે આટલા હિન્દુઓ એકત્ર થયા હોવાનું કદી બન્યું નહીં હોય, એમ વિખ્યાત પોપ ગ્રૂપ બિટલ્સના જ્યોર્જ હેરિસને કહ્યું હતું. આજે આ મંદિરના દ્વાર આપણા સહુ માટે ખુલ્લા છે. દર વર્ષે લાખો દર્શનાર્થીઓ અહીં ધર્મલાભ લે છે. અન્યાય સામે અવાજ ઉઠાવવા કે ન્યાય મેળવવા માટે શસ્ત્ર જ ઉઠાવવા પડે તેવું કંઇ જરૂરી નથી. એક સંપ થઇએ તો ગાંધીચીંધ્યા માર્ગે ન્યાય મેળવી જ શકાય છે તેવું ભક્તિવેદાંત મેનોર મંદિરની ચળવળે વધુ એક વખત પુરવાર કર્યું.
રવિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવાયો. આપણા ધર્મગ્રંથો, પુરાણો ભલે નારી તું નારાયણી અને યત્ર નારી પૂજયન્તે, તત્ર રમન્તે દેવતાઃ જેવી સારી સારી વાતો કરતાં હોય, પણ હકીકત કંઇક અલગ જ છે. એક પુરુષ હોવા છતાં મારે આ શરમજનક વાસ્તવિક્તા સ્વીકારવી જ રહી. આ વાત માત્ર ભારત કે ભારતીય પરિવારો પૂરતી જ સીમિત નથી. વિશ્વભરમાં આજે પણ પુરુષપ્રધાન વિચારસરણીનું આધિપત્ય જોવા મળે છે. અને કમનસીબે, અબળા (શારીરિક દૃષ્ટિકોણથી) નારીએ તેનાથી વધુ તાકાતવર પુરુષના જોરજુલમ સહન કરવા પડે છે.
આજે ભારતમાં બળાત્કાર, છેડતીના બનાવોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે તે સમાજના તમામ વર્ગો માટે ચિંતાનો વિષય છે. દિલ્હીમાં ગયા વર્ષે નિર્ભયા નામથી ઓળખાવાયેલી એક યુવતી સાથે બનેલી ગેંગરેપની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. એક સપ્તાહથી આ ઘટના ફરી સમાચારમાં છે. વિવાદના કેન્દ્રમાં છે BBC દ્વારા લેવાયેલો એક આરોપીનો ઇન્ટરવ્યુ. પહેલાં ભાન ભૂલેલા વહીવટી તંત્રે ઇન્ટરવ્યુ માટે મંજૂરી આપી અને હવે તેઓ જ તેનું પ્રસારણ રોકવા આકાશપાતાળ એક કરી રહ્યા છે. ભારતમાં તો કોર્ટે આ ઇન્ટરવ્યુના પ્રસારણ પર પ્રતિબંધ ફરમાવ્યો છે, પણ બ્રિટન અને અમેરિકામાં ટીવી ચેનલ પર દર્શાવાયેલી આ ડોક્યુમેન્ટરીમાં આરોપીને એવું બોલતો દર્શાવાયો છે કે ‘તેણે (બળાત્કારનો ભોગ બનેલી યુવતીએ) વિરોધ કર્યો જ શા માટે? જો તેણે (બળાત્કારનો) વિરોધ ન કર્યો હોત તો કમસે કમ તેનો જીવ તો બચી ગયો હોત...’ આરોપીની નીચ અને અધમ વિચારસરણી આ ઇન્ટરવ્યુ પરથી ખુલ્લી પડે છે.
બ્રિટનમાં પણ બાળ યૌનશોષણ તેમજ પીડોફાઈલનો ઢાંકપિછોડો કરવાની ઘટનાઓ બને છે એ આ સમાજનું કલંક છે.
ભારત સરકારના સુચના અને પ્રસારણ મંત્રાલય અને કોર્ટના આદેશ થકી ડોક્યુમેન્ટરીના પ્રસારણ પર પ્રતિબંધ મૂકાયો છે, પણ આ પ્રતિબંધ કેટલો વાજબી છે તે પ્રશ્ન આજે પણ મને મૂંઝવી રહ્યો છે. ઇન્ટરનેટ આધારિત આજના કોમ્યુનિકેશનના યુગમાં આવા પ્રતિબંધનું ભાગ્યે જ કોઇ ઔચિત્ય જણાય છે. તમારો જેના પર અંકુશ જ નથી તેના પર પ્રતિબંધ મૂકીને શું ફાયદો થવાનો છે? શું આવા પ્રતિબંધથી આબરૂના લીરા ઉડતા અટકવાના છે?
મારું તો માનવું છે કે ભારત સરકારે આ ઇન્ટરવ્યુ પરથી પ્રતિબંધ ઉઠાવી લઇને દેશભરમાં ઠેર ઠેર તેનું પ્રસારણ કરવું જોઇએ, જેથી લોકો આવા બળાત્કારીઓની ભયાનક માનસિક્તાથી વાકેફ થાય. આવી માનસિક્તાને ભોંયમાં ભંડારવી શક્ય નથી. આવી અમાનુષી અને ક્રૂર વિચારસરણીને લોકો જાણશે, સમજશે ત્યારે જ આવા બનાવો સામે લોકોમાં જાગૃતિ વધશે, આવી ધૃણાસ્પદ ઘટનાઓ બનતી અટકશે.
વાચક મિત્રો, આ નિર્ભયાકાંડ અને BBCની ડોક્યુમેન્ટરી અંગેના વિચારો મારા મનમાં દોડતા હતા. ત્યારે જ એક આદર્શ ધર્મપત્નીની વ્યાખ્યાનો શ્લોક વાંચવામાં આવ્યો તે અક્ષરસઃ અહીં રજૂ કરું છું.
કાર્યેષુ મંત્રી, કરણેષુ દાસી
ભોજયેષુ માતા, શયનેષુ રંભા,
ધર્માનુકૂલા ક્ષમયા ધરિત્રી
ષટ્ ગુણ યુક્તા ત્વિહ ધર્મપત્ની.
તો કોને સન્નારી અથવા સાચા અર્થમાં ધર્મપત્ની કહેવી? એનાં છ લક્ષણો કવિએ અહીં શ્લોકમાં બતાવ્યાં છે. કાર્યમાં સાચી સલાહ આપનારી હોય અને કામ કરવામાં દાસી જેવી હોય, ભોજન વખતે માતા સમાન અને શયનખંડમાં રંભા જેવી હોય, ધર્મની બાબતમાં પતિને અનુકૂળ હોય અને પૃથ્વીની જેમ ક્ષમા આપનારી હોય. આવા છ ઉત્તમ ગુણો ધરાવનારી નારી જ સાચી રીતે ધર્મપત્ની કહેવાય.
લ્યો બોલો... આ કવિરાજે આદર્શ ધર્મપત્ની માટેનું ક્વોલિફિકેશન આપ્યું છે એ તો અહીં રજૂ કર્યું છે, પણ ધર્મપતિઓ માટે આવી કોઇ વ્યાખ્યા કરી હોવાનું મારી જાણમાં નથી. સન્નારી કે ધર્મપત્નીના લક્ષણો જોતાં તો એવું લાગે છે કે સંસાર-રથને દોડતો રાખવા માટેની તમામ જવાબદારીએ સ્ત્રીએ જ નિભાવવાની છે.
નર અને નારી માત્ર શારીરિક સ્વરૂપે જ ભિન્ન નથી. તેનું કાર્યક્ષેત્ર, જવાબદારી પણ અલગ અલગ છે. જોકે કેટલીક બાબતોમાં એકબીજાના પૂરક બની રહે છે. આ તો જગતનિયંતાએ રચેલી અદભૂત વ્યવસ્થા છે. જીવનમાં ધર્મ, અર્થ, કામ, અને મોક્ષનું સમાન મહત્ત્વ છે. જીવનમાં જેટલું મહત્ત્વ ધર્મનું છે એટલું જ અર્થનું એટલે કે નાણાંનું છે અને એટલું જ મહત્ત્વ કામનું છે. જો સંસારમાં વાસના, કામનું અસ્તિત્વ જ ન હોય તો જીવસૃષ્ટિનું ચક્ર જ ફરતું અટકી જાય. વર્તમાન જીવસૃષ્ટિનો નાશ થતો જાય અને નવા જીવનો જન્મ જ અટકી જાય તો? આમ પુરુષના જીવનમાં સ્ત્રીનું રંભા તરીકેનું સ્થાન સમજી શકાય તેવું છે, પણ આ માટે પુરુષમાં કેવા ગુણો હોવા જોઇએ તે કોઇ શાસ્ત્રોમાં વાંચવા મળતું નથી. હા, મારા દૃષ્ટિકોણથી કહું તો એક સુયોગ્ય પતિમાં આ પાંચ ગુણો તો અવશ્ય હોવા જ જોઇએ - ‘ધર્મપતિ’ સજ્જન હોવો જોઇએ, શારીરિક-માનસિક રીતે સ-બળ હોવો જોઇએ, પરિવારનો નિભાવ કરી શકે તેવો સક્ષમ હોવો જોઇએ, ધર્માનુરાગી હોવો જોઇએ અને પરિવારના રક્ષણ કાજે પોતાનો જીવ પણ આપી દેતાં ન ખચકાવો જોઇએ. (ક્રમશઃ)
