વર્લ્ડ કપની સાથે સાથે...

અખ્તરની સલાહ મને કામ લાગી : શમી
પર્થ: ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમીએ પોતાની સફળતાનો યશ ભૂતપૂર્વ પાકિસ્તાની બોલર શોએબ અખ્તરની સલાહને આપ્યું હતું. શમીએ કહ્યું હતું કે શોએબ અખ્તરે મને રનઅપ ટૂંકો કરવાની સલાહ આપી હતી જેનાથી મને બોલિંગ સ્પીડ વધારવામાં મદદ મળી છે. મેં અગાઉ શોએબ અખ્તર સાથે બોલિંગ અંગે વાત કરી હતી જેથી તેમણે મને લાંબા ડગલા ન ભરવાની સલાહ આપી હતી. મેં તેમની વાત માનતા મારી બોલિંગ સ્પીડમાં વધારો થયો હતો. નવા રન-અપથી ઘણો ફાયદો થયો છે. શમીએ વિન્ડીઝ સામેની મેચમાં ત્રણ વિકેટ ઝડપી હતી અને મેન ઓફ ધ મેચ થયો હતો.

૧૬ વર્ષના દુકાળ બાદ બાંગ્લાદેશની સદી
એડિલેડઃ બાંગ્લાદેશના મહમદુલ્લાહે ઇંગ્લેન્ડ સામે નવમી માર્ચે રમાયેલા વર્લ્ડ કપના ગ્રૂપ-એ મુકાબલામાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. તે બાંગ્લાદેશ તરફથી વર્લ્ડ કપમાં સદી નોંધાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. વર્લ્ડ કપની સાથે આ તેની કારકિર્દીની પણ પ્રથમ વન-ડે સદી છે. અગાઉ તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ ૮૨ રનનો હતો જે તેણે ઝિમ્બાબ્વે સામે ૨૦૧૪ની ૨૮મી નવેમ્બરે નોંધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ૧૯૯૯થી સતત વર્લ્ડ કપ રમતા બાંગ્લાદેશ તરફથી ૧૬ વર્ષના લાંબા ગાળા બાદ વર્લ્ડ કપમાં પ્રથમ સદી નોંધાઈ છે.
કરુણારત્ને વર્લ્ડ કપમાંથી બહાર
સિડનીઃ આંગળી તૂટવાને કારણે શ્રીલંકન્ બેટ્સમેન દમુથ કરુણારત્ને વર્લ્ડ કપમાંથી બહાર નીકળી ગયો છે. શ્રીલંકાના મુખ્ય પસંદગીકાર સનથ જયસૂર્યાએ આ સમાચારને સમર્થન આપતા જણાવ્યું હતું કે કરુણારત્ને પ્રેક્ટિસ દરમિયાન ઇજાગ્રસ્ત થઈ ગયો હતો. બોલ પકડવાની પ્રેક્ટિસ કરતા જમણા હાથની સૌથી નાની આંગળીમાં ઇજા થઈ હતી. એક્સ-રેમાં માલુમ પડ્યું હતું કે આંગળી તૂટી ગઈ છે. જયસૂર્યાએ જણાવ્યું કે ડોક્ટરના જણાવ્યા અનુસાર કરુણારત્ન ઓછામાં ઓછા ચાર અઠવાડિયા ક્રિકેટ નહીં રમી શકે. આથી તેને પરત બોલાવાઇ રહ્યો છે. જયસૂર્યાએ જણાવ્યું કે જેમ જેમ ટૂર્નામેન્ટ આગળ વધી રહી છે તેમ ટીમ માટે પડકાર વધી રહ્યા છે.
વિરાટ કોહલી પત્રકાર પર ભડક્યો
પર્થઃ વિરાટ કોહલી વેસ્ટ ઇન્ડિઝ સામે મેચ રમાઇ તે પૂર્વે પર્થમાં પ્રેક્ટિસ કરીને ડ્રેસિંગ રૂમ તરફ પરત ફરતો હતો ત્યારે તેણે એક પત્રકારને ગાળાગાળી કરી હતી. પત્રકારને જોતાં જ કોહલીએ કંઇ પણ વિચાર્યા વિના જેમ ફાવે તેમ બોલવા લાગ્યો હતો. તે પત્રકારને પણ ખબર નહોતી કે, વિરાટ તેની સાથે આ પ્રકારનું વર્તન કેમ કરે છે. દરમિયાન કોહલીનો ગુસ્સો શાંત થયો ત્યારે તેણે સાથી ખેલાડીને જણાવ્યું કે, તેના અને અનુષ્કા શર્મા વિશેના એક સમાચાર આ પત્રકારે લખ્યા હોવાનું મને લાગ્યું હતું. જોકે કોહલીને જ્યારે જણાવાયું કે તેના વિશે આવા કોઇ સમાચાર આ પત્રકારે નથી લખ્યા ત્યારે તેની માફી માંગી લીધી હતી.

વર્લ્ડ કપની સાથે સાથે...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.