‘આપ’ઃ પહેલાં સાથે સાથે, હવે સામે સામે
આમ આદમી પાર્ટી (‘આપ’) દ્વારા હંમેશા દાવો થતો રહ્યો છે કે તે બીજા રાજકીય પક્ષોથી જરા હટકે પાર્ટી છે. ભારતીય રાજકારણમાં નવો ચીલો ચાતરવા આવેલા આ પક્ષમાં ખરા અર્થમાં લોકશાહી મૂલ્યોનું જતન થાય છે.
આમ આદમી પાર્ટી (‘આપ’) દ્વારા હંમેશા દાવો થતો રહ્યો છે કે તે બીજા રાજકીય પક્ષોથી જરા હટકે પાર્ટી છે. ભારતીય રાજકારણમાં નવો ચીલો ચાતરવા આવેલા આ પક્ષમાં ખરા અર્થમાં લોકશાહી મૂલ્યોનું જતન થાય છે. પક્ષમાં નેતાથી માંડીને આમ કાર્યકર - સહુ કોઇ સમાન મહત્ત્વ ધરાવે છે. અહીં નિર્ણયો બહુમતીથી લેવામાં આવે છે, ઉપરથી (હાઇકમાન્ડ) દ્વારા થોપી દેવાતા નથી વગેરે વગેરે વગેરે... જોકે આ બધા દાવા હવે સૂરસૂરિયા સાબિત થઇ રહ્યા હોય તેવું લાગે છે. આનો પહેલો સંકેત પ્રશાંત ભૂષણ અને યોગેન્દ્ર યાદવની હકાલપટ્ટી પરથી મળે છે. બન્ને વરિષ્ઠ નેતાને પક્ષની સર્વોચ્ચ નિર્ણાયક સંસ્થા પાર્લામેન્ટરી બોર્ડમાંથી બહુ અપમાનજનક રીતે પડતા મૂકાયા છે, અને હવે બન્નેને પક્ષમાંથી પણ હાંકી કાઢવાની માગણી ઉઠી છે. તેમનો વાંક શું છે? પક્ષના પાયાના પથ્થર જેવા આ બન્ને નેતાઓએ કેટલાક મુદ્દે અરવિંદ કેજરીવાલની એકહથ્થુ કાર્યપદ્ધતિ સામે સવાલ ઉઠાવ્યા હતા. આ પૂર્વે પક્ષથી છેડો ફાડી ચૂકેલા શાઝિયા ઇલ્મી, વિનોદ બિન્ની સહિતના નેતાઓની પણ આવી જ ફરિયાદ હતી - પક્ષમાં લોકશાહીનું સ્થાન સરમુખત્યારશાહી લઇ રહી છે.
દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓમાં કલ્પનાતીત સફળતા બાદ આમ આદમી પાર્ટીએ દેશભરમાં આશાવાદ જગાવ્યો હતો. ન કોઇ જ્ઞાતિવાદ, ન પ્રદેશવાદ, ન વ્યક્તિવાદ - માત્ર સ્વચ્છ રાજકારણના ઉદ્દેશ સાથે ભારતીય રાજનીતિમાં ઝૂકાવનાર આમ આદમી પાર્ટી ભાજપ સામે મજબૂત વિકલ્પ તરીકે ઉભરશે તેવી અપેક્ષા હતી, પરંતુ કેજરીવાલની કથિત કાર્યપદ્ધતિ અને અત્યાર સુધીના ઘટનાક્રમને જોતાં આ અપેક્ષાઓ ધૂંધળી બનતી જણાય છે. પક્ષે દિલ્હી વિધાનસભામાં ૭૦માંથી ૬૭ બેઠકો હાંસલ કરીને અભૂતપૂર્વ વિજય મેળવ્યો છે, પણ સંઘર્ષકાળમાં સાથે રહેલા સાથીઓની સંખ્યા કેમ ઘટી રહી છે તે મુદ્દે કેજરીવાલે વિચારવું રહ્યું. રાજકારણમાં ક્યારેય વ્યક્તિકેન્દ્રીત પક્ષોનું અસ્તિત્વ બહુ લાંબો સમય ટકતું નથી. શિવ સેના (બાળાસાહેબ ઠાકરે), તેલુગુ દેસમ્ પાર્ટી (ચંદ્રાબાબુ નાયડુ) કે અસામ ગણ પરિષદ (પ્રફુલ્લ કુમાર મહંતો)ના હાલહવાલ નજર સામે છે. આ સ્થિતિ ‘આપ’માં નિવારવી હશે તો કેજરીવાલે પક્ષમાં ફાટફૂટ નિવારવા, મતભેદોને મનભેદમાં પરિણમતા અટકાવવા યોગ્ય પગલાં લેવા જ પડશે. જો આમ નહીં થાય તો ‘આપ’ અને ભારતીય રાજકારણમાં સક્રિય અન્ય પક્ષો વચ્ચે ફરક નહીં રહે, અને દેશની લોકશાહી માટે આ સૌથી કમનસીબ ઘટના હશે.
