અરવિંદ કેજરીવાલઃ હવે મીડિયાથી અસુખ અનુભવે છે

આમ આદમી પાર્ટી (‘આપ’)ના નેતા અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં સત્તાના સૂત્રો સંભાળ્યા - પહેલી વખત ત્રિશંકુ જનાદેશ સાથે અને પછી બીજી વખત ઐતિહાસિક બહુમત સાથે - બન્ને વખત મીડિયાનું સૌથી મોટું યોગદાન રહ્યું છેે. 

આમ આદમી પાર્ટી (‘આપ’)ના નેતા અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં સત્તાના સૂત્રો સંભાળ્યા - પહેલી વખત ત્રિશંકુ જનાદેશ સાથે અને પછી બીજી વખત ઐતિહાસિક બહુમત સાથે - બન્ને વખત મીડિયાનું સૌથી મોટું યોગદાન રહ્યું છેે. અખબાર, ટીવી, વેબપોર્ટલ... બધે ‘આપ’ અને કેજરીવાલની બોલબાલા હતી. મીડિયાએ કેજરીવાલ ને ‘આપ’ની વિચારસરણી ઘરે ઘરે પહોંચાડી દીધી હતી. જોકે હવે આ જ કેજરીવાલ સિંહાસને બેઠા પછી મીડિયાથી અસુખ અનુભવે છે. થોડાક દિવસ પહેલાં તેમણે મીડિયા વેચાઇ ગયું હોવાનો અને સરકારને બદનામ કરવાના કામે લાગ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. હવે તેમણે મીડિયાની કામગીરી પર ચાંપતી નજર રાખવાથી માંડીને તેને અંકુશમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે. કોઇ પણ રાજનેતા મીડિયાની કામગીરી પર નજર રાખે તેમાં ખોટું નથી. ઉલ્ટાનું જાહેરજીવનમાં સક્રિય રાજકારણીએ તો અચૂકપણે મીડિયા પર નજર રાખવી જોઇએ કેમ કે તેનાથી લોકમૂડનો અંદાજ મળતો હોય છે, પણ કેજરીવાલે તેમના અધિકારીઓ માટે જે પરિપત્ર જારી કર્યો છે તેમાં મીડિયા માટેની કડવાશ વધુ જણાય છે. તેમણે અધિકારીઓને જણાવ્યું છે કે મીડિયા દ્વારા સરકાર કે તેના અધિકારીઓની છબિ ખરાબ કરાતી હોય તો રાજ્ય સરકારના સચિવને પુરાવાઓ સાથે રજૂઆત કરવી, જેથી જરૂરી પગલાં લઇ શકાય. એટલું જ નહીં, આવા પ્રકારના અહેવાલના કિસ્સામાં કેવા અને ક્યા પ્રકારના પગલાં લઇ શકાય અથવા તો લેવા જોઇએ તેનો દિશાનિર્દેશ પણ પરિપત્રમાં છે.
અત્યાર સુધી ‘વહીવટમાં પારદર્શીતા’, ‘જનતા જ જનાર્દન છે’, ‘વીઆઇપી કલ્ચરની નાબૂદી થવી જોઇએ’ જેવી સૂફિયાણી વાતોની ગુલબાંગ પોકારનારા કેજરીવાલને અચાનક આ શું થઇ ગયું છે?! કદાચ તેમને મીડિયામાં થતી સરકારી કામની ટીકા પસંદ નથી. પરંતુ કેજરીવાલે એ ન ભૂલવું જોઇએ કે મીડિયાનું કામ જ આયનો દેખાડવાનું છે - પછી સામે શાસક હોય કે સમાજ. ‘આપ’એ મોટા મોટા વચનોની લ્હાણી કરીને ઐતિહાસિક સરસાઇ સાથે સત્તા હાંસલ કરી છે ત્યારે મીડિયા સરકાર અને પક્ષની હિલચાલ પર નજર ન રાખે તો જ નવાઇ!
તાજેતરમાં કેજરીવાલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘આપ’ સરકાર ૫૦ ટકા ચૂંટણી વચનો પૂરી શકે તો પણ સારું. ચૂંટણીપ્રચારમાં ગળું ગળું ફાડી ફાડીને તમે વચનો આપ્યા હોય, અને હવે તેના અમલનો સમય આવ્યો છે ત્યારે લાચારી દેખાડો તો મીડિયા તમારા પર પસ્તાળ પાડે જ. તમે - રાજકીય લાભ ખાટવા - આર્થિક કટોકટીમાં ઘેરાયેલા, જીવન ટૂંકાવી રહેલા કિસાનોના નામે જાહેર સભા યોજો અને તેમાં તમારી નજર સામે એક કિસાન ગળાફાંસો ખાઇ લે છતાં તમે ભાષણ ભરડ્યા કરો તો મીડિયા તમારું વસ્ત્રહરણ કરે છે. અત્યાર સુધી જે મીડિયાને તમે હોંશે હોંશે ઇન્ટરવ્યુ આપતા હતા તે જ મીડિયા હવે તમને ‘વેંચાઇ ગયેલું’ લાગતું હોય તો તેમાં મીડિયાનો વાંક નથી, તમારા પક્ષની નીતિરીતિનો વાંક છે, સરકારની કાર્યપદ્ધતિમાં ખોટકો છે. સરકાર કામ કરી દેખાડે, અને પક્ષના નેતાઓને પણ સમજાવો કે બિનજરૂરી બખેડા ઉભા ન કરે... આ જ મીડિયા તમારા પર પ્રશંસાના ફૂલડાં વરસાવશે. મીડિયાને નાથવાને ઇરાદે જારી કરેલો સરકારી પરિપત્ર આખરે તો તમારી  આપખુદ, એકહથ્થુ નિર્ણય લેનારા નેતાની છાપ વધુ દૃઢીભૂત કરશે.

અરવિંદ કેજરીવાલઃ હવે મીડિયાથી અસુખ અનુભવે છે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.