આનંદીબહેન વડા પ્રધાન સાથે ચીનના જશેઃ

૧૪થી ૧૬ મે દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચીનના પ્રવાસમાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ પણ જોડાશે.

૧૪થી ૧૬ મે દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચીનના પ્રવાસમાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ પણ જોડાશે. મુખ્ય પ્રધાન બન્યા પછી આનંદીબહેન પટેલનો આ પ્રથમ વિદેશ પ્રવાસ હશે. વડા પ્રધાનની સાથે ચીનના પ્રવાસમાં જોડાવા માટે કેન્દ્રીય વિદેશ મંત્રાલય દ્વારા ગુજરાતના મુખ્ય પ્રધાનને સત્તાવાર આમંત્રણ પાઠવાયું છે. જેનો સ્વીકાર કરીને આનંદીબહેન પણ ચીનના પ્રવાસમાં જોડાશે. તેમની સાથે અમદાવાદના મેયર મિનાક્ષી પટેલ પણ જોડાશે. વડા પ્રધાન સાથે આ પ્રવાસમાં મહારાષ્ટ્ર અને કર્ણાટકના મુખ્ય પ્રધાનો પણ જોડાશે. ખાસ કરીને ચીનના રાષ્ટ્રપતિની ગુજરાત મુલાકાત અને ગુજરાતના વિકાસ મોડેલથી ચીનને વાકેફ કરવા ગુજરાતના મુખ્ય પ્રધાનનો ચીન પ્રવાસ વિશેષ મહત્ત્વનો રહેશે. ગુજરાતમાં ચીનની અનેક કંપનીઓ કાર્યરત છે અને અનેક નવા પ્રોજેક્ટ માટે વધુ કંપનીઓએ રસ દાખવ્યો છે તેવા સંજોગોમાં આ મુલાકાતમાં અનેક નવા ઔદ્યોગિક અને વ્યવસાયિક કરારો થવાની પણ શક્યતા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે નવી મૂંઝવણ ઊભી થઇઃ સરદાર સરોવર ડેમ સાઈટથી નજીક નર્મદા નદીમાં સાધુ બેટ ઉપર ૧૮૨ મીટર ઊંચાઈની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા- ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ મુકાશે. હવે આ પ્રતિમાનું મોઢું ડેમ તરફ રાખવું કે, નહીં તે મુદ્દે ગુજરાત સરકારમાં નવો વિવાદ સર્જાયો છે. જેના નિરાકરણ માટે વારંવાર હાઈ લેવલની મીટિંગ યોજાયા પછી પણ તેનો ઉકેલ મળ્યો નથી. વર્ષ ૨૦૦૯માં જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની કલ્પના કરવામાં આવી ત્યારે પ્રતિમાનું મુખ નર્મદા ડેમની તરફ રાખીને આ પ્રતિમામાંથી વિવિધ ઊંચાઈએથી પર્યટકો ડેમને જોઈ શકે તેવી ૭ વિહંગાવલોકન ગેલેરીઓ તૈયાર કરવા નક્કી થયું હતું. વિચાર પ્રમાણેની આ ડિઝાઈન અંગે દૂબઈમાં બૂર્જ ખલીફા નામની વિશ્વમાં ઊંચામાં ઊંચી ઈમારત બાંધનારી કોરિયન કંપની સેમસંગ કન્સ્ટ્રક્શને રસ દાખવ્યો હતો. એક વર્ષ પહેલા સેમસંગ સહિત અડધો ડઝન કંપનીઓ દ્વારા પ્રેઝન્ટેશન થયું ત્યારે પ્રતિમાની પાછળ ડેમ દેખાય તેવી રીતની પ્રસ્તુતિ થઇ હતી.

ગુજરાતમાં ચાર નવા એફએમ રેડિયો સ્ટેશન સ્થપાશેઃ એફએમ રેડિયોની લોકપ્રિયતા વધી રહી છે. ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત જેવા મહાનગરોમાં એકથી વધુ ફ્રિક્વન્સી મોડ્યુલેશન (એફએમ) રેડિયો સ્ટેશન છે. હવે ગુજરાતના વધુ ચાર નગરોમાં એફએમ રેડિયોને સરકારે મંજૂરી આપી દીધી છે. આ શહેરોમાં સૌરાષ્ટ્રમાંથી અમરેલી અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે, જ્યારે કચ્છ અને દાહોદને પણ એફએમ રેડિયો સ્ટેશન માટે લીલી ઝંડી પ્રસાર ભારતીએ આપી છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના જણાવ્યા મુજબ દેશના વિવિધ રાજ્યોમાં એફએમ રેડિયો સ્ટેશન સ્થાપવા માટે છેલ્લા ત્રણ વર્ષમાં કુલ ૮૭ દરખાસ્તો મળી હતી. તેમાંથી ગુજરાતમાં ચાર શહેરોનો સમાવેશ થાય છે. કેન્દ્રિય માહિતી અને પ્રસારણ રાજ્ય પ્રધાન રાજ્યવર્ધન રાઠોડે આ માહિતી રાજ્યસભામાં આપી હતી.

રાજકોટ અને અમરેલીમાં માવઠુંઃ રાજકોટમાં સતત બીજા વર્ષે મે મહિનામાં માવઠું થયું છે. સોમવારે શહેરમાં આકરી ગરમી વચ્ચે સમી સાંજે ૫ વાગ્યા બાદ વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો અને વીજળીના કડાકાભડાકા સાથે કાલાવડ રોડ અને યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારોમાં પાણી વહી ગયા હતા. જ્યારે શાપર તેમ જ લોધિકામાં કરા સાથે વરસાદ પડ્યો હતો. અડધીથી પોણી કલાક વરસાદી વાતાવરણ રહ્યા બાદ ફરીથી તડકો નીકળ્યો હતો. જ્યારે અમરેલી પંથકમાં પણ બપોર બાદ કમોસમી વરસાદ થયો હતો.

વડા પ્રધાન વિરુદ્ધ ફરિયાદ ફગાવીઃ ગત વર્ષે લોકસભાની ચૂંટણી દરમિયાન રાણીપના મતદાન કેન્દ્રની બહાર ભાજપનું પ્રતીક કમળ દર્શાવવાના કેસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે આમ આદમી પાર્ટીના કાર્યકરે કરેલી ફરિયાદમાં તથ્ય ન હોવાનું જણાવી ગ્રામ્ય કોર્ટના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એસ. આર. સિંહે તેને ફગાવી છે.

ડો. એન. કે. અમીનના જામીન મંજૂરઃ ઈશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈ કોર્ટના જજ કે. આર. ઉપાધ્યાયે ડીવાયએસપી ડો. એન. કે. અમીનની જામીન અરજી મંજૂર કરી છે અને રૂ. બે લાખના જામીન પર છોડવાનો હુકમ કર્યો છે. ડીવાયએસપી ડો. એન. કે. અમીન ઘણા સમયથી જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે અને તેઓ પ્રોસ્ટેટ કેન્સરથી પીડાય છે. ઈશરત જહાં એન્કાઉન્ટરના કેસના અન્ય આરોપીઓ એવા ડી. જી. વણઝારા તથા પી. પી. પાંડેને સીબીઆઈ કોર્ટે ગયા ફેબ્રુઆરી માસમાં નિયમિત જામીન મંજૂર રાખ્યા હોવાથી સમાનતાના સિદ્ધાંતોને ધ્યાનમાં લઈને ડો. અમીનને પણ જામીન મુક્ત કરવા જોઈએ તેવી રજૂઆતો કોર્ટે ધ્યાનમાં લીધી છે.

ગુજરાત પોલીસના અધિકારીઓને બઢતી આપતાં કોણ રોકે છે?: ઇશરત જહાં સહિતના નકલી એન્કાઉન્ટર કેસોમાં સંડોવાયેલા ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને જવાનોને બઢતીથી વંચિત રાખવાના મુદ્દે નિવૃત્ત ડીઆઇજી ડી. જી. વણઝારાએ ફરીથી બાંયો ચડાવી છે. વણઝારાએ સંબંધિત સત્તાવાળાઓને એક સ્ફોટક પત્ર પાઠવીને બઢતી અને કાયદેસરના હક્કોથી વંચિત રખાયેલા પોલીસ જવાનોને તાત્કાલિક ધોરણે પ્રમોશન આપી તેમની સાથે ન્યાય કરવા માંગણી કરી છે. બાર પાનાના પત્રમાં વણઝારાએ કોઇપણ સંજોગોમાં અન્યાયને નહીં સાંખી લેવાની અને જોરદાર લડત આપવાની ખુલ્લી ચીમકી પણ આપી છે. ઉલ્લેખનીય છે કે સોહરાબુદ્દિન એન્કાઉન્ટર કેસમાં કથિત સંડોવાયેલા રાજસ્થાનના આઇપીએસ અધિકારી દિનેશ એમ.એનને ત્યાંની સરકારે બઢતી આપી છે.

ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ નવા ચૂંટણી કમિશનરઃ ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ એ.કે. જ્યોતિની દિલ્હીમાં નવા ઇલેક્શન કમિશનર તરીકે નિમણૂક થઇ છે. કેન્દ્રીય કાયદા મંત્રાલય દ્વારા જારી નોટિકફિક્શનમાં જણાવવામાં આવ્યું હતું કે ૬૨ વર્ષીય જ્યોતિનો કાર્યકાળ તેઓ ચાર્જ સંભાળે ત્યારથી શરૂ થશે. ઉલ્લેખનીય છે કે એ.કે. જ્યોતિ જાન્યુઆરી, ૨૦૧૩ના રોજ સેવાનિવૃત્ત થયા હતા. તેમને વડા પ્રધાન મોદીના નજીકના માનવામાં આવે છે. તેથી તેમની આ નિમણૂક થઈ હોવાની સંભાવના જોવાયછે. કંડલા પોર્ટ ટ્રસ્ટના ચેરમેન તેમ જ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ડાયરેક્ટરપદે પણ તેમને સેવા આપી હતી. ૧૯૫૩માં જન્મેલા જ્યોતિ ઇલેક્શન કમિશનરપદે હવે ત્રણ જ વર્ષ સેવા આપી શકશે, કેમ કે નિયમ પ્રમાણે ૬૫ વર્ષથી વધુ વયના આ પદે સેવા આપી શકે નહીં.

આનંદીબહેન વડા પ્રધાન સાથે ચીનના જશેઃ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.