અભિવ્યક્તિની સ્વતંત્રતાઃ એક સિક્કાની બે બાજુ

વિશ્વભરમાં શાંતિ-સૌહાર્દ-સહિષ્ણુતાના સમર્થકો ભલે બહુમતીમાં હોય, પણ કટ્ટરવાદી માનસિકતા ધરાવતો એક લઘુમતી વર્ગ એવો પણ છે જે ધર્મના ઓઠાં તળે દુનિયાભરમાં નિર્દોષોના લોહીની નદી વહાવી રહ્યો છે. પેરિસમાં કાર્ટૂન મેગેઝિન ‘ચાર્લી હેબ્દો’ના કાર્યાલય પર થયેલો આતંકવાદી હુમલો આ વાતનું પ્રમાણ છે. હુમલામાં મેગેઝિનના એડિટર ઇન ચીફ સહિત ૧૩ વ્યક્તિ માર્યા ગયા. 

બીજા દિવસે સાઉથ પેરિસમાં મસ્જિદ અને હોટેલને નિશાન બનાવીને વિસ્ફોટો કર્યા. જોકે તેઓ એ ભૂલી જાય છે કે હિંસા એ સમસ્યાનો ઉકેલ નથી. અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય પર લગામ માટે આમ તો સૈકાઓથી પ્રયાસ થતા રહ્યા છે, પણ છેલ્લા થોડા અરસાથી તેમાં હિંસાનું તત્વ ભળ્યું છે તે ચિંતાજનક છે. ‘ચાર્લી હેબ્દો’માં છપાયેલાં કેટલાંક કાર્ટૂનના વિરોધમાં આ હુમલો થયો હતો. આ કૃત્યને માફ ન જ કરી શકાય. પરંતુ સિક્કાની બીજી બાજુ વિશે પણ વિચારવું રહ્યું. લોકશાહી વ્યવસ્થામાં દરેકને વાણી-વિચારની અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. પણ આઝાદીનો અર્થ એવો તો નથી જ કે તમે કોઇની પણ લાગણી કે ભાવના સાથે ખિલવાડ કરો. સ્વતંત્રતાના નામે અન્યની ધાર્મિક આસ્થાની નિંદા કરવાની છૂટ કોઇને ન હોય શકે. તમે આતંકવાદ, કટ્ટરવાદી વિચારસરણીની હાંસી ઉડાવી શકો, પયગંબરસાહેબની નહીં. આ મેગેઝિને કાર્ટૂનના માધ્યમથી જનોઇવઢ ઘા કરવામાં ધર્મ, રાજકારણ, વહીવટી તંત્ર... કોઇને બક્ષ્યા નથી, પણ ધર્મ એવો સંવેદનશીલ મુદ્દો છે જે લોકોના હૃદય સાથે સીધો જ નાતો ધરાવે છે. ભારતમાં પણ એક સમયે આવા જ મુદ્દે વિવાદ ઉઠ્યો હતોને?! એક ખ્યાતિપ્રાપ્ત ચિત્રકારે હિન્દુ દેવી-દેવતાઓનું અશ્લીલ ચિત્રાંકન કરતાં તેમની સામે એવો વિરોધ ઉઠ્યો કે તેમને પરદેશમાં આશરો લેવા ફરજ પડી હતી. કેટલાક ‘બૌદ્ધિકો’ આને કળાની અભિવ્યક્તિની સ્વતંત્રતા ગણાવે છે, પણ તેઓ એ ભૂલી જાય છે કે સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. ચિત્ર હોય કે કાર્ટૂન, તે વિચારોને બળકટ રીતે રજૂ કરતું માધ્યમ છે તેની ના નહીં, તેમાં મર્યાદાલોપ ન જ થવો જોઇએ. જો આપણે સ્વતંત્રતા ઝંખતા હોઇએ તો આપણે અન્યની સ્વતંત્રતાને પણ સન્માન આપવું જ રહ્યું.

અભિવ્યક્તિની સ્વતંત્રતાઃ એક સિક્કાની બે બાજુ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.