ઉજ્જવળ ભારત ભાગ્યવિધાતા

દરિદ્રનારાયણને કેન્દ્રમાં રાખી વિકાસ

વાઇબ્રન્ટ સમિટનું ઉદઘાટન કરતાં નરેન્દ્ર મોદીએ ભારત અને વિશ્વની સમસ્યાઓને કેન્દ્રમાં રાખી સૌના સહકાર થકી સૌનો આર્થિક વિકાસ કેવી રીતે થઈ શકે તેનું ચિંતન રજૂ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, વિશ્વના અર્થતંત્રની અસ્થિરતા મોટો પ્રશ્ન છે. આપણે આજે અહીં ભેગા થઈને તેનો ઈલાજ કરીશું. અહીં નાના જોડે મોટાનું, ગરીબ જોડે ધનવાનું જોડાણ થાય તે માટે હું ખાતરી આપું છું કે ભારત તે માટે મંચ પૂરો પાડશે. દરિદ્રનારાયણનો વિચાર આપમને અહીં આવ્યો છે, આપણે તેને કેન્દ્રમાં રાખી વિકાસ કરવાનો છે. ઉદબોધનની શરૂઆતમાં તેમણે વિશ્વમાં ફેલાતા આતંકવાદ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વિશ્વને પરિવાર ગણાવવાનો સાથે મોદીએ જણાવ્યું કે, મને પૂરો વિશ્વાસ છે કે, આજે યુએનના સેક્રેટરી જનરલ, વર્લ્ડ બેંકના પ્રમુખ, દેશ-વિદેશના નેતા અને વડાઓ, ઉદ્યોગગૃહો તથા ફોર્ચ્યુનની ટોપ ૫૦૦માં સ્થાન ધરાવન કંપનીઓ તથા એન્ટરપ્રિન્ચોર અહીં આવ્યા છે. આ લોકો અહીં એક જ મંચ પર એકઠાં થયાં છે તેનું એક જ કામ છે કે તેઓ વિશ્વને સુખી અને સમૃદ્ધ બનાવવા માગે છે, તેઓ લોકોનાં જીવનધોરણ સુધારવા માગે છે.  આ કાર્યક્રમ દર્શાવે છે કે આજે માત્ર આપણા હાથ જ નહીં હૈયા પણ મળ્યા છે. અહીં માત્ર  વિચારો જ નહીં અપેક્ષાઓ પણ જોડાઈ છે, આવા પરિવારને હું આવકારું છું. દુનિયા જાણે છે કે ગુજરાતીઓ તેમની મહેમાનગતિને કારણે જાણીતા છે, તમે ગુજરાતને આંગણે આવ્યા છો તેની મહેમાનગતિ માણજો અને આરામથી રહેજો. અત્યારે ગુજરાતમાં પતંગમહોત્સવ ઊજવાઈ રહ્યો છે તેનો આનંદ મામજો. તમે પરત ફરશો ત્યારે બેજોડ યાદે સમાયેલી રહેશે.

વૈશ્વિક વિકાસનો ગુજરાત ક્રોસરોડ
યુએનના સેક્રેટરી જનરલ બાન કી મૂને ગુજરાતનાં વખાણ કરતાં જણાવ્યું કે, ગુજરાત અત્યાર સુધી વિશ્વમાં સંસ્કૃતિનાં આદાનપ્રદાનનું માદ્યમ બનેલું હતું અને આગામી સમયમાં તે એક નવા યુગની શરૂઆત કરાવશે, વૈશ્વિક વિકાસના ક્રોસરોડ સમાન બની રહેશે. તેમણે મહાત્મા ગાંધીની જન્મભૂમિ અને કર્મભૂમિને મહત્ત્વની ગણાવી હતી. આજે અહીંયા વિશ્વના અનેક દેશોના નેતાઓ અને ઉદ્યોગપતિઓ તથા ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓ હાજર છે. હું આશા રાખું છે કે ગાંધીનાં ગુજરાતમાં રહીને તેઓ તેમના વિચારો અને શિક્ષણને અપનાવશે. ગુજરાત એવું રાજ્ય છે જ્યાં ઉદ્યોગો ટેકનોલોજી અને કુદરત સાથે તાલમેલ સાધે છે.
વિશ્વની ગરીબી હટાવવા ભારત આગેવાન બને
વિશ્વ બેંકના પ્રમુખ જિમ યોંગ કિમે ભારતનાં વખાણ કરવાની સાથે સાથે કેટલીક કડવી વાસ્તવિકતા પણ જણાવી. તેમણે જણાવ્યું હતું કે ભારત ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે પણ સાથે સાથે જાતિવાદ તેને નડી રહેલી સૌથી મોટી સમસ્યા છે. અહીંયાં આ ક્ષેત્રમાં ઘણાં કાર્યો કરવાનાં બાકી છે. મજબૂત અને ટકાઉ વિકાસમાં અને રસ છે તેથી અમે ગુજરાતમાં રોકાણ કરવા તૈયાર છીએ. ભારત જ એવો દેશ છે જે દુનિયાને ગરીબી નાબૂદી તરફ લઈ જશે.
‘સબકા સાથ, સબકા વિકાસ’થી વિશ્વને ફાયદો
અમેરિકાના વિદેશપ્રધાન જ્હોન કેરીએ જણાવ્યું કે, મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા મેક ઇન ઇન્ડિયા અભિયાનને અન્ય દેશોએ પણ અપનાવવાં જોઈએ. મોદીના સબકા સાથ, સબકા વિકાસ સૂત્ર અને પહેલ દ્વારા સમગ્ર વિશઅવને ફાયદો થાય છે. ભારત અને અમેરિકા વચ્ચે પહેલેથી સંબંધ સારા છે અને આ કાર્યક્રમ બાદ બંનેના સંબંધો વધારે મજબૂત બનશે. મોદીએ આપેલાં સૂત્રથી હું ઘણો પ્રભાવિત છું. આપણે આ સૂત્રને અપનાવી શકીએ અને કાર્યાન્વિત કરી શકીએ તો ઘણો ફાયદો થાય તેમ છે. તેમણે મોદી અને ઓબામાની સરખામણી કરતાં કહ્યું કે, મોદીની જેમ ઓબામા પણ એક સમયે રેલવે સ્ટેશને ચા વેચતા હતા, તેમણે પણ ખૂબ જ પારિવારિક અને રાજકીય સંઘર્ષનો સામનો કર્યો છે.
કૃષ્ણ, ગાંધી, સરદાર અને હવે મોદી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીએ ભાષણની શરૂઆત ગુજરાતીમાં કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત ખૂબ જ સુંદર, વિકસિત અને આધુનિક રાજ્ય છે, હું તેને ઘર કહું છું, તે મારું હોમસ્ટેટ છે. કૃષ્ણ, મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને હવે આપણા વડા પ્રધાન તથા વૈશ્વિક નેતા એવા નરેન્દ્ર મોદીની ભૂમિમાં હું તમારું સ્વાગત કરું છું. અમને ગર્વ છે કે અમે ગુજરાતી છીએ, તેમણે વાઇબ્રન્ટ ગુજારતની સાતમી સમિટનાં મોટાપાયે થયેલા આયોજન બદલ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની પણ આભાર માન્યો હતો. હું પોતાનાં સદનસીબ સમજું છું કે, ગુજરાતમાં યોજાયેલી તમામ વાઇબ્રન્ટ સમિટમાં હાજર રેવાની મને તક મળી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલાં મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયાને કારણે ભારતની ક્ષમતામાં વધારો થયો છે.
ગુજરાતનો વિકાસ મોદી થકી
આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન કુમારમંગલમ્ બિરલાએ વાઇબ્રન્ટ સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં વખાણ કર્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે આ સમિટનો તથા ગુજરાતનો જે વિકાસ થયો તે મોદી થકી જ છે. તેમણે મુખ્યમંત્રી તરીકે અહીંયા કાર્યકાળ દરમિયાન અનેક યોજનાઓ દ્વારા વિકાસ કર્યો છે. મોદીનાં વખાણ કરવાની સાથેતેમણે ભારતમાં ૨૦,૦૦૦ કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેઓ ગુજરાતમાં સોલાર પાવર અને રિટેલ બિઝનેસ સેકટરમાં આગામી સમયમાં રોકાણ કરશે. આ સિવાય અમે અમારા વર્તમાન સિમેન્ટ અને કેમિકલના પ્લાન્ટમાં પણ રોકાણ કરવા તત્પર છીએ. આ તમામ ફેરફારો અને નવાં આયોજનો દ્વારા અમે કુલ ૨૦,૦૦૦ કરોડનું રોકાણ કરીશું.
સૌનો સાથ સૌનો વિકાસ સાકાર થશે
મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે જણાવ્યું કે, નરેન્દ્રભાઈએ જ સૌનો સાથ- સૌનો વિકાસનો મંત્ર આપ્યો અને સાર્થક કર્યો. વસુધૈવ કુટુંબની મૂળ ભાવનાને ચરિતાર્થ કરતા આ મંત્ર વાઈબ્રન્ટ સમિટમાં મૂર્તિમંત થઈ રહ્યો છે. તેમણે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે કરેલી કામગીરીને બિરદાવતાં કહ્યું કે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને દેશનું ગ્રોથ એન્જીન બનાવ્યું છે. આજે દેશને વૈશ્વિકસ્તરે બહુમાન મળી રહ્યું છે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભારતની ભલામણને માન્ય રાખી વિશ્વ યોગ દિવસ જાહેર કર્યો તે આનું એક ઉદાહરણ છે.
ગુજરાતના વિકાસમાં ટાટા ભાગીદાર બનશેઃ સાયરસ મિસ્ત્રી
રતનટાટાની નિવૃત્તિ બાદ ટાટા ગ્રૂપનો કાર્યભાર સંભાળનારા ગ્રૂપના ચેરમેન સાયરસ મિસ્ત્રીએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં પોતાની બીજી વખતની ઉપસ્થિતિ દરમિયાન રાજ્યમાં તેમનું ગ્રૂપ હવે પવન ઊર્જાના ક્ષેત્રે પોતાના બિઝનેસનું વિસ્તરણ કરશે, તેવી જાહેરાત કરી હતી. વાયબ્રન્ટ સમિટના સમાપન સમારોહમાં બીજી વખત હાજર રહેલા સાયરસ મિસ્ત્રીએ પોતાના ટૂંકા સંબોધન દરમિયાન 1939માં મીઠાપુરમાં પ્રથમ પ્લાન્ટથી ગુજરાત સાથે શરૂ થયેલા પોતાના સંબંધોનો ઉલ્લેખ કરી કહ્યું કે, હવે ટાટા ગ્રૂપ દ્વારા રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રે ફોકસ વધારવામાં આવ્યું છે અને તેના ભાગરૂપે ગુજરાતમાં સોલાર પ્લાન્ટ પણ સ્થાપવામાં આવ્યો છે. હવે ટાટા જૂથ પવન ઊર્જાના ક્ષેત્રે પોતાના ફૂટફોલ્સ વધારવા કટિબદ્ધ છે.
રાજ્યનું વિકાસ મોડેલ દેશને દિશા આપશેઃ ગૌતમ અદાણી
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટને સંબોધન કરતાં અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું હતું કે, ગીરનો સિંહ જ્યારે ત્રાડ પાડે છે ત્યારે આખા જંગલમાં તે સંભળાય છે. રીતે ગુજરાતની ત્રાડ અત્યારે ગુજરાતનું ડેવલપમેન્ટ મોડેલ છે, જેના રચયિતા હવે દેશનું સુકાન સંભાળી રહ્યા છે ત્યારે મોડેલ સમગ્ર દેશ માટે દિશાદર્શક બનશે તેમાં શંકા નથી. ઠેઠ 2003થી વાયબ્રન્ટ સમિટ સાથે પોતાનો અતૂટ નાતો રહ્યો હોવા અંગે ગર્વ વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, દરેક સમિટમાંથી તેમણે નવી શક્તિ અને માર્ગદર્શન મેળવ્યું છે અને મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના માર્ગદર્શક નેતૃત્વ હેઠળ સાતમી સમિટના અંતે પણ તેઓ આવી લાગણી અનુભવે છે.

ઉજ્જવળ ભારત ભાગ્યવિધાતા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.