ગતિશીલ ગુજરાતઃ સાતમી વાઈબ્રન્ટ સમિટમાં રેકોર્ડ સર્જાયો

ગાંધીનગરઃ ૧૨ જાન્યુઆરીએ સંપન્ન થયેલા બે દિવસીય સાતમી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં સમજૂતી કરારનો રેકોર્ડ તૂટ્યો છે અને વિશ્વની નજરમાં ગુજરાત એક પ્રબળ બિઝનેસ હબ તરીકે ઊભરી આવ્યું છે. આ સમિટમાં ૨૧ હજારથી વધુ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ)થી રૂ. ૨૫ લાખ કરોડનું મૂડીરોકાણ આવશે. 

સોમવારે વાઈબ્રન્ટ સમિટના ઐતિહાસિક સમાપન સમારોહમાં સ્ટેજ ઉપરથી આનંદીબહેન પટેલ જણાવ્યું હતું કે, ‘અમારી ઉપર જે વિશ્વાસ મૂકવામાં આવ્યો છે તેનાથી ટીમ ગુજરાતની જવાબદારી વધી ગઈ છે. એમઓયુને વધુ સફળ કરવા અમે પ્રક્રિયાને વધુ સરળ, પ્રો-એક્ટિવ બનાવીશું. જેથી ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ અને વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મેક ઈન ઈન્ડિયા, ડિઝિટલ ઈન્ડિયા અને સ્કિલ ઈન્ડિયાને પરિપૂર્ણ કરવા-નીતિ નિમાર્ણમાં સહાયક થઈને ભારતને વૈશ્વિક સ્તરે અગ્રિમ પંક્તિએ પહોંચાડી શકાય.’
વિશ્વના ૧૧૦ દેશોના ૨,૫૦૦થી વધારે ડેલિગેટ્સ, વિદેશી રાષ્ટ્રોના રાજનીતિજ્ઞો, પ્રમુખ પ્રતિનિધીઓથી લઈને કોર્પોરેટ લીડર્સ પ્રત્યે તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. સમિટમાં પ્રથમ વખત ગુજરાત સરકાર સાથે વિશ્વના અનેક દેશો, સંસ્થાઓએ ૧૨૨૫ લેટર ઓફ ઈન્ટેન્શન-એલઓઆઈ ઉપર સમંતિ કરારો કર્યા છે. ગુજરાતમાં પહેલી વખત ડિફેન્સ, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અને બોયોટેકનોલોજી ક્ષેત્રે એમઓયુ સાઈન કરવામાં આવ્યા છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહ, ભારત સરકારના કેબિનેટ સેક્રેટરી અજિત શેઠ, ટાટા ગ્રૂપના સાયરસ મિસ્ત્રી, યસ બેંકના ચેરમેન રાણા કપૂર, ગૌતમ અદાણી, કેનેડાના પાર્લામેન્ટરિયન પ્રેટ્રિક બ્રાઉન, અમેરિકાના ભારતસ્થિત કોન્સલ જનરલ સહિત ગુજરાત સરકારના પ્રધાનો અધિકારીઓ હાજર હતા.
MoUના અમલ માટે કમિટી
આ એમઓયુના ઝડપી અમલ માટે આનંદીબહેન પટેલે એક કમિટી રચના કરી છે, જેના અધ્યક્ષ મુખ્ય સચિવ રહેશે. મુખ્ય સચિવ, ઉદ્યોગ સચિવની આ મોનિટરીંગ કમિટી દર ત્રણ મહિને રિપોર્ટ અને સતત ફ્લોઅપ કરશે. કેન્દ્ર સાથેના પડતર પ્રશ્નો માટે પણ સેક્રેટરીઓની કમિટી બનશે. મુખ્ય પ્રધાન પોલીસી, પ્રમોશન અને પ્રોગ્રેસનું મોનિટરીંગ કરશે. પ્રશ્નોનું નિરાકરણ પણ તત્કાળ થશે. જમીનોના પ્રશ્નો ઉકેલવા જિલ્લાઓમાં રોકાણકર્તાઓને તેમણે ખરીદવા ધારેલી જમીનનું ટાઈટલ ક્લિયર છે કે કેમ તે જણાવાશે.
સૌથી મોટું બિઝનેસ ટ્રેડ સેન્ટર ગાંધીનગરમાં
ઇન્ડોચીન ડેવલપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને સરકાર વચ્ચે રૂ. ૯૦૦૦ કરોડના એમઓયુ કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદની કિરી ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડની ભાગીદારી છે. કંપનીના ફાઉન્ડર પ્રમોટર શંકરભાઈ પટેલ અને ડાયરેકટર મનિષ કીરીએ જણાવ્યું કે, ગાંધીનગરની આસપાસ દેશનું મોટું બિઝનેસ ટ્રેડ સેન્ટર બનશે. જે દેશમાં પહેલું હોલસેલ માર્કેટ હશે જ્યાંથી દરેક પ્રોડક્ટનું વેચાણ અને માર્કેટીંગ કરી શકાશે. ટ્રેડ સેન્ટરમાં ૬૦ હજાર જેટલા સ્ટોલ હશે. દેશમાં ઉત્પાદિત થતી પ્રોડક્ટનું વેચાણ એક જ જગ્યાએ થઈ શકશે. જેનાથી વેપારીઓને મોટું પ્લેટફોર્મ મળશે એમ શંકરભાઈ પટેલે જણાવ્યું છે.
SME માટે વિશેષ સેલ રચાશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મેઇક ઇન ઇન્ડિયા અભિયાનને મદદરૂપ થવા તથા ગુજરાતના મધ્યમ અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન મળે, તેમનો વિકાસ થાય તે હેતુથી રાજ્યના મુખ્ય પ્રધાનની ઓફિસમાં સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ (એસએમઇ) માટે એક ખાસ સેલ ઊભો કરવામાં આવશે. ‘એસએમઇ: વૈશ્વિક સ્પર્ધાત્મકતા માટેની તૈયારી’ વિષય પર યોજાયેલા પરિસંવાદમાં ખાસ ઉપસ્થિત રહેલા મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે ઉપરોક્ત જાહેરાત કરતા ઉમેર્યું હતું કે હેતુની સિદ્ધિ માટે સરકાર પ્રત્યેક જિલ્લામાં પણ આવા સેલની રચના કરશે. રાજ્યમાં નાના અને લઘુ ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા સિંગલ વિન્ડો સિસ્ટમ સ્થપાશે અને આવા સાહસિકો માટે સેલ્ફ સર્ટીફિકેશન સ્વરૂપે જરૂરી દસ્તાવેજો પણ માન્ય ગણી સ્વીકારવામાં આવશે.
બ્રાન્ડ ગુજરાત, બ્રાન્ડ ઇન્ડિયાનું સૂત્ર સાર્થક થયું
ગુજરાતના આર્થિક વિકાસ મોડેલના કારણે ભારત દેશને પણ એક નવી ઓળખ મળી રહી હોવાનું ભારતીય મૂળના બ્રિટનના જાણીતા અર્થશાસ્ત્રી લોર્ડ મેઘનાદ દેસાઇએ જણાવ્યું હતું. લોર્ડ દેસાઇએ વધુમાં જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત હવે વાઇબ્રન્ટ ઇન્ડિયા પ્રોગામ બની ગયો હોવાથી હવે આ સમગ્ર ભારતના વિકાસનો કાર્યક્રમ છે. વાઇબ્રન્ટને મળેલા પ્રતિસાદને જોતા હવે ઇન્ડિયામાં મૂડી રોકાણ કરવું હોય તો વાઇબ્રન્ટમાં આવો એવો સંદેશો પણ મળે છે. આ રીતે બ્રાંડ ગુજરાત, બ્રાંડ ઇન્ડિયા સૂત્ર સાર્થક થઇ રહ્યું છે. એક સમય એવો પણ હતો કે ભારતીય રાજનેતાઓ અને અધિકારીઓ યુકે, યુએસ અને યુરોપના વિવિધ દેશોની ટૂર કરીને બિઝનેસ તથા મૂડી રોકાણ માટેના એમઓયુ સાઇન કરતા હતા. પરંતુ વિશ્વ હવે ભારત પાસે આવીને બિઝનેસના કરાર કરવા આવે છે. આ જેવી તેવી ઉપલબ્ધિ નથી. આ સમગ્ર સફળતા પાછળ વડા પ્રધાન નરેન્દ્વ મોદીનું દીર્ઘ દૃષ્ટિ હોવાનું તેમણે જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે ગત યુપીએ સરકારની આર્થિક નીતિઓની ટીકા પણ કરી હતી.

ગતિશીલ ગુજરાતઃ સાતમી વાઈબ્રન્ટ સમિટમાં રેકોર્ડ સર્જાયો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.