દલિતોને જાતિભેદ કાયદાનો લાભ નહિ
લંડનઃ બ્રિટનમાં જાતિઆધારિત ભેદભાવને ગેરકાયદે બનાવવાના પગલા સામે વડા પ્રધાન ડેવિડ કેમરને વીટોનો ઉપયોગ કર્યાનો આક્ષેપ કરાયો છે. વ્હાઈટહોલના વરિષ્ઠ સૂત્રોના જણાવ્યા મુજબ નીચલી જાતિના દલિત લોકોને પણ ભેદભાવના કાયદાનો લાભ આપવાની મિનિસ્ટર્સ દ્વારા મંજૂર દરખાસ્તને કેમરને અટકાવી દીધી હતી.
કેમરન આ પગલાનો વિરોધ કરતા સ્થાપિત હિતો અને ધનાઢ્ય હિન્દુ બિઝનેસમેનોના દબાણ સામે ઝૂકી ગયા હોવાનો આક્ષેપ થયો છે. આ કાયદાના પરિણામે દલિત લોકો સામે અપમાન અથવા ભેદભાવ રાખવો અપરાધ બની ગયો હતો. ભારતમાં અસ્પૃશ્ય ગણાતા લોકોને બ્રિટનમાં પણ નોકરીઓ, પરિવારો દ્વારા લગ્નોનો વિરોધ તેમ જ ઉચ્ચ વર્ણના લોકો સાથે બેસી ભોજનનો વિરોધ સહિતના ભેદભાવનો સામનો કરવો પડે છે. ગયા વર્ષે દલિત પાર્શ્વભૂ ધરાવતા વિજય બેગરાજ અને તેની પત્ની અમરદીપે એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલ સમક્ષ તેમની સામે ભેદભાવ રખાતો હોવાનો દાવો કર્યો હતો.
