પાઉન્ડની મજબૂતીથી બ્રિટિશ પ્રવાસીઓને લાભ
લંડનઃ યુકેની આર્થિક સ્થિતિ વધુ મજબૂત થવાના કારણે ૨૦૧૪માં બ્રિટિશ પ્રવાસીઓ માટે વિદેશની સહેલ વધુ સસ્તી થઈ હતી. વર્ષ ૨૦૧૩ના ડિસેમ્બરથી વર્ષે ૭૪ કરન્સીમાંથી ૪૨ કરન્સી સામે પાઉન્ડની કિંમત ઊંચી રહી હતી.
બ્રિટિશ પ્રવાસીઓને બાવન ટકા વધુ રશિયન રુબલ, ૩૩ ટકા વધુ આર્જેનિટિયન પેસો અને ૧૨ ટકા વધુ જાપાની યેન મળ્યાં હતાં. સૌથી વધુ ૭૭ ટકાનો લાભ યુક્રેનના ચલણ સામે મળ્યો હતો. નોર્વેના ચલણ ક્રોન અને સ્વીડિશ ચલણ ક્રોનર સામે પાઉન્ડ મજબૂત રહેવાશી બ્રિટિશ પ્રવાસીઓ માટે સ્કેન્ડેનીવિયાનો પ્રવાસ ૧૦ ટકા સસ્તો રહ્યો હતો. જોકે રશિયા અને આર્જેન્ટિનામાં ઊંચા ફૂગાવાના કારણે સ્થાનિક ભાવો ઊંચા હોવાથી પ્રવાસીઓ માટે કેટલાંક લાભ ધોવાઈ ગયાં હતાં. બીજી તરફ, પાકિસ્તાની અને ભારતીય રુપી તથા અમેરિકન ડોલરે ૨૦૧૪માં પાઉન્ડ સામે અનુક્રમે ૧૦.૪ ટકા, પાંચ ટકા અને ૪.૩ ટકાની મજબૂતી હાંસલ કરી હતી.
