પેરિસમાં મીડિયા પર સૌથી મોટો આતંકી હુમલો, ૧૧ પત્રકારોની હત્યા

પેરિસમાં મીડિયા પર સૌથી મોટો આતંકી હુમલો, ૧૧ પત્રકારોની હત્યા

પેરિસઃ ફ્રાન્સની રાજધાની પેરિસસ્થિત વ્યંગ સામાયિક મેગેઝિન ‘ચાર્લી હેબ્દો’ની ઓફિસમાં ૭ જાન્યુઆરીએ બે આતંકીઓએ એકે-૪૭ અને રોકેટ લોન્ચર સાથે હુમલો કર્યો. અંધાધૂંધ ગોળીબારમાં મેગેઝિનના મુખ્ય તંત્રી સ્ટિફન શાર્બોનિયર, ચાર કાર્ટૂનિસ્ટ સહિત ૧૧ પત્રકારો અને એક સિક્યુરિટી ગાર્ડનાં મોત થયા છે. અન્ય છની સ્થિતિ અત્યંત ગંભીર છે. જ્યારે હુમલો થયો ત્યારે તંત્રી વિભાગની મીટિંગ ચાલી રહી હતી.

આ આતંકવાદીઓ અલ કાયદા સાથે સંકળાયેલા હોવાના અહેવાલ છે. મેગેઝિને ઇસ્લામના સ્થાપક મહંમ્મદ પયગંબર અને અન્ય મુસ્લિમ નેતાઓ પર કટાક્ષ કરતાં વ્યંગ પ્રસિદ્ધ કર્યાં હતા. એવું મનાય છે કે, એના વિરોધમાં આ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલા પછી બંને આતંકીઓ એક કારને હાઇજેક કરી ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્કોઇસ હોલાન્ડે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સમગ્ર ફ્રાન્સમાં હાઇએલર્ટ જાહેર કરાયું છે. વિશ્વભરમાં આ આતંકી હુમલાની ટીકા થઇ છે.
સ્ટિફન શાર્બોનિયર અગાઉ કહેતાં કે, સ્કેચે આજ સુધી કોઈનો જીવ નથી લીધો. પરંતુ પોતાની મુક્ત અભિવ્યક્તિના કારણે આતંકી ધમકીઓ, હુમલાનો સામનો કરી ચૂકેલાં મેગેઝિનના ૧૧ પત્રકારો વાણીસ્વાતંત્ર્ય માટેની લડાઈમાં શહીદ થયા હતા.
હુમલો કરનાર આતંકીઓ બૂમો પાડતા હતા કે અમે પયગંબરનો બદલો લીધો છે. અગાઉ પણ ઈસ્લામ પરના વ્યંગને કારણે મેગેઝિન પર હુમલો કરાયો હતો અને ધમકીઓ અપાતી હતી.
૨૪ કલાકમાં બીજો હુમલો
આ ઘટનાના ૨૪ કલાકની અંદર ફ્રાન્સમાં વધુ એક આતંકવાદી હુમલો થયો છે. તેમાં એક મહિલા પોલીસ અધિકારીનું મૃત્યું થયું છે અને એક પોલીસ કર્મચારી ઘાયલ થયો છે. એક સ્ટ્રીટ ક્લિનરમાં વિસ્ફોટ થયો છે તો કેટલાંક શહેરોની મસ્જિદોમાં પણ બોમ્બ ફેંકાયા હતા.
અંતે ત્રણ આતંકી ઠાર
પેરિસની પોલીસે ૧૨ લોકોને મારનારા બે આતંકવાદી ભાઇઓ સહિત ત્રણને ઠાર માર્યા છે. ફ્રાન્સમાં ૯ જાન્યુઆરીએ આતંકવાદી હુમલાની બે ઘટના બની હતી. જેમાં શાર્લી હેબ્દો ઘટનાને અંજામ આપનારા બે ભાઇઓ અને એક અન્ય સ્થળે એક આતંકવાદીએ લોકોને બંધક બનાવ્યા હતા. પેરીસમાં ત્રાસવાદીઓએ બે સ્થળે નાગરિકોને બંદી બનાવ્યા હતા. અન્ય એક ઘટનામાં એક બંદૂકધારીએ યહૂદીઓના કોશેર સુપરમાર્કેટમાં પાંચ નાગરિકોને બંધક બનાવ્યા હતા. એક જ દિવસમાં બે સ્થળોએ આતંકવાદીઓના હુમલાથી નાગરિકોમાં ભય ફેલાયો હતો અને હજારોની સંખ્યામાં પોલીસને ઠેર-ઠેર તૈનાત કરવા પડ્યા હતા. આતંકવાદીઓ વધુ હુમલા કરશે તેવા ડરથી મહત્ત્વની ઓફિસો અને ઇમારતો બંધ કરાઇ હતી. પોલીસે બન્ને સ્થળોનો કબ્જો લઇને આતંકવાદીઓને પકડવા ઓપરેશન કર્યું હતું. જેમાં શરીફ કાઉચી અને સઇદ કાઉચી નામના બન્ને ભાઇઓ ઠાર મરાયા હતા. પોલીસે આ બન્ને શકમંદોને પડકાર્યા ત્યારે તેઓ ભાગીને નજીકની એક ઇમારતમાં ઘૂસી ગયા હતા અને અનેક લોકોને બંધક બનાવ્યા હતા. પોલીસે આખી ઇમારત ઘેરીને આતંકવાદીઓને પકડવા કવાયત કરી હતી.
અલ-કાયદાની ધમકી
પેરિસમાં બંને આતંકીભાઈઓ અને યહુદી સુપરમાર્કેટમાં છુપાયેલો આતંકી ઠાર થયો હોવા છતાં ફ્રાન્સ પરથી આતંકી હુમલાનો ખતરો ટળ્યો નથી. અલ-કાયદાની યમન શાખાએ પેરિસ હુમલાની જવાબદારી સ્વીકારી હજુ મોટા હુમલાની ધમકી આપી છે.
હારિસ અલ નઝારી નામના આતંકીએ યૂ ટયૂબ પર અપલોડ કરેલા વીડિયોમાં ફ્રાંસ સરકારને સંબોધતા કહ્યું કે, ‘તમે યુદ્ધ છેડવા માગતા હો તો, શુભ સંદેશની રાહ જુઓ,’ તેણે એમ પણ જણાવ્યું કે, હુમલો કરનાર અલ્લાહનો વફાદાર સૈનિક હતો.
ત્રાસવાદ વિરુદ્ધ એકતા રેલી
ત્રણ દિવસ દરમિયાન ‘ચાર્લી હેબ્દો’ મેગેઝિન પર, સુપર માર્કેટમાં તેમ જ પોલીસ પર ત્રાસવાદી હુમલાની વિવિધ ઘટનાઓમાં કુલ ૧૭ વ્યક્તિઓના મોતથી શોકગ્રસ્ત પેરિસમાં ૧૧ જાન્યુઆરીએ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે વિશાળ રેલી નીકળી હતી.
બીજી તરફ પોલીસને અલ-કાયદાના માર્યા ગયેલા ત્રણ હુમલાખોરો સાથેની મહિલાની તલાશ છે, પરંતુ તુર્કીના એક અધિકારીના કહેવા મુજબ તે મહિલા સિરિયા પહોંચી ચૂકી હોય તેમ જણાય છે. પેરિસમાં યોજાયેલી એકતા રેલીમાં હજારો લોકો જોડાયા હતા.
મસ્જિદો અને સિનાગોગ જેવા ધાર્મિક સ્થળો, શાળાઓ અને દેશના મહત્ત્વના સ્થળોએ સલામતીનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો. રેલીમાં ફ્રાન્સ ઉપરાંત રશિયા, યુક્રેઇન, બ્રિટન, જર્મની તેમ જ આફ્રિકન દેશોના નેતાઓએ પણ હાજરી આપી હતી.

પેરિસમાં મીડિયા પર સૌથી મોટો આતંકી હુમલો, ૧૧ પત્રકારોની હત્યા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.