પ્રવાસી ભારતીય દિવસ પહેલાં જ GOPIOના પ્રમુખની હકાલપટ્ટી

અમદાવાદઃ ગુજરાતમાં ગત સપ્તાહે પ્રથમ વખત યોજાયેલા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી અગાઉ જ વિશ્વભરમાં ફેલાયેલા ભારતીયોની મહત્ત્વની સંસ્થા ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પિપલ ઓફ ઇન્ડિયન ઓરિજિન (ગોપિયો)ના પ્રમુખને દૂર કરવામાં આવ્યા છે.
અમદાવાદમાં ૬ જાન્યુઆરીએ યોજાયેલી ગોપિયોની જનરલ કાઉન્સિલની બેઠકમાં ગોપિયોના પ્રમુખ અશોક રામશરણને વિવિધ નિયમોના ભંગ બદલ કસૂરવાર ઠેરવવામાં આવ્યા હતા અને પૂર્વપ્રમુખ લોર્ડ દિલજિત રાણાને પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
ગોપિયોની સ્થાપના ૧૯૮૯ માં થઈ હતી અને તે અનેક દેશોમાં હાજરી ધરાવે છે. તે વિવિધ દેશોમાં વસતા ભારતીયોનાં જૂથો વચ્ચે જોડાણ મજબૂત કરે છે અને તેમને લગતા મુદ્દાને ઉકેલવા માટે સક્રિય રહે છે. ગોપિયોના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ સન્ની કુલાથકલે જણાવ્યું હતું કે, ‘રામશરણ છેલ્લાં ત્રણ વર્ષથી ગોપિયોના પ્રમુખપદે હતા અને તેમણે તેમના કાર્યકાળમાં ગોપિયોના નિયમોનો ભંગ કર્યો હોવાના આક્ષેપ સાથે ઓક્ટોબરમાં જ અનેક સભ્યો દ્વારા ઇમ્પિચમેન્ટ નોટિસ મોકલાઈ હતી.
જોકે, તેમણે તેનો જવાબ આપવાનું પણ મુનાસિબ માન્યું નહોતું. આખરે ૬૦થી વધુ લાઇફ-મેમ્બર્સે ગોપિયોના ચેરમેન ઇન્દર સિંઘને જનરલ કાઉન્સિલની બેઠક બોલાવવા આવેદન આપ્યું હતું. અમદાવાદમાં યોજાયેલી આ બેઠકમાં ૪૫ જેટલા સભ્યોએ ભાગ લીધો હતો અને રામશરણને દૂર કરીને લોર્ડ દિલજિત રાણાને ગોપિયોના પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.’
સૂત્રોના જણાવ્યા મુજબ, નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભારતમાં નવી સરકારની રચના થયા બાદ પ્રવાસી ભારતીયોના ભારત પ્રત્યેના આકર્ષણમાં અભૂતપૂર્વ વૃદ્ધિ થઇ છે અને ભારતમાં તેમના યોગદાનને વધારવા માટે તેઓ ઝડપથી આગળ વધવા માંગે છે. ડાયસ્પોરાના ભારત સાથેના આર્થિક અને સામાજિક જોડાણને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે મહત્ત્વની સંસ્થામાં ટોચના સ્તરે ફેરફાર થયો હોવાની શક્યતા છે.
