પ્રવાસી ભારતીયો મૂડીરોકાણ કરીને વતન સેવાનું દાયિત્વ નિભાવેઃ ઉપરાષ્ટ્રપતિ
ગાંધીનગરઃ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ હામીદ અન્સારીએ નવ જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીના સમાપન પ્રસંગે વિવિધ દેશોમાંથી આવેલા બિનનિવાસી ભારતીયોને જણાવ્યું હતું કે લાગણી અને મૈત્રીપૂર્ણ સંબંધો બંને બાજુએ હોય તે ઈચ્છનીય છે.
તેમણે પ્રવાસી ભારતીયોને સંબોધતાં કહ્યું હતું કે બદલાયેલા સંજોગોમાં ભારત ઝડપભેર પ્રગતિ કૂચ કરી રહ્યું છે ત્યારે ઉત્કૃષ્ટ જીવન એ ભારતીય લોકોની જરૂરિયાત છે અને આરોગ્ય, શિક્ષણ, આંતરમાળખાકીય સવલતો જેવા ક્ષેત્રોમાં દેશનું દીર્ઘદૃષ્ટા નેતૃત્વ ઝડપી કદમ માંડી રહ્યું છે. એ સંજોગોમાં પ્રવાસી ભારતીયો વતનની સેવામાં પોતાનું દાયિત્વ અદા કરે. ખીચોખીચ ભરાયેલા મહાત્મા મંદિર હોલમાં સમાપન સમારોહને સંબોધતા અન્સારીએ જણાવ્યું હતું કે આજે ૨૫૦ બિનનિવાસી ભારતીયો વિદેશોમાં વસે છે. જીધર દેખતા હું, ફકત તું હી તું હૈ... આ વિદેશોમાં વસતા ભારતીયો બ્લુ કોલર વર્કથી વ્હાઈટ કોલર પ્રોફેશનલ્સ સામેલ છે. જેમાં ડોક્ટરો, એન્જિનિયરો, બિઝનેસમેન, ઉદ્યોગકારોનો સમાવેશ થાય છે. દેશની સમતુલા જાળવવામાં તેમનો ખૂબ મહત્ત્વનો ફાળો છે, એટલે બિનનિવાસી ભારતીયો આઈ.ટી., આરોગ્ય સારવાર, ઊર્જા, હોસ્પિટાલિટી, જેમ્સ એન્ડ જ્વેલરી જેવા ક્ષેત્રમાં રોકાણ કરે તે પણ મહત્ત્વનું છે. અન્ય રાજ્યોના મુખ્ય પ્રધાનો પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
