ફ્લુના અડધા કેસમાં વેક્સીન બેઅસર
લંડનઃ શ્વસનતંત્રની બીમારી સાથે હોસ્પિટલમાં દાખલ થતાં અડધા જેટલા કેસ ફ્લુના એવા સ્ટ્રેઈનથી થાય છે, જેના પર વર્તમાન વેક્સીનની અસર થતી નથી. વર્ષે ૧૦ લાખ જેટલા લોકો પોતાના જીપીને મળી શકતા ન હોવાથી હોસ્પિટલોના એક્સિડન્ટ્સ અને ઈમર્જન્સી વિભાગોમાં સારવાર માટે દાખલ થઈ રહ્યા છે. ફ્લુ અંગે તાજા આંકડા અનુસાર ચાર વર્ષમાં તેનું પ્રમાણ સૌથી ઊંચુ છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે.
એક હોસ્પિટલના સંશોધનના તારણો કહે છે છે કે શ્વસનતંત્રની બીમારી સાથે હોસ્પિટલમાં દાખલ થનારા પેશન્ટ્સમાંથી અડધા જેટલા વાયરસના તીવ્ર પ્રકારથી પીડાય છે. ફ્લુ વેક્સિન તૈયાર કરાયું તે પછી ઈન્ફ્લુએન્ઝા A H3 વાયરસમાં વિકૃતિ-ફેરફારો આવતા રસીની અસર ઘટી છે. નિષ્ણાતો કહે છે કે આરોગ્ય સમસ્યા ધરાવતા પેન્શનર્સ અને સગર્ભા સ્ત્રીઓએ થોડાં રક્ષણ માટે પણ વેક્સિન લેવું જરૂરી છે. ફ્લુ વેક્સિનેશન આંકડા અનુસાર ૬૫ વર્ષ અને તેથી વધુ વયના લોકોમાં ૭૦ ટકાએ રસી લીધી છે, પરંતુ સગર્ભા સ્ત્રીઓમાં માત્ર ૪૩ ટકાએ આવી રસી લીધી હતી.
