બ્રિટનમાં પણ ત્રાસવાદી હુમલો શક્યઃ MI5 ના વડાની ચેતવણી
લંડનઃ ફ્રાન્સના પાટનગર પેરિસમાં આતંકવાદીઓના ખૂની ખેલના પગલે બ્રિટિશ ગુપ્તચર સંસ્થા MI5 ના ડિરેક્ટર જનરલ એન્ડ્ર્યુ પાર્કરે ચેતવણી આપી છે કે આવો હુમલો બ્રિટનમાં પણ ગમે ત્યારે થઈ શકે છે. ત્રાસવાદી સંગઠન અલ-કાયદા બ્રિટનમાં સામૂહિક હત્યાકાંડના હુમલાઓની યોજના ઘડી રહ્યું છે.
એપ્રિલ ૨૦૧૩માં MI5ના ડિરેક્ટર જનરલ પાર્કરે હોદ્દો સંભાળ્યા પછી બીજા જ જાહેર પ્રવચનમાં જણાવ્યું હતું કે, ‘અમે અને અમારા સાથીઓ શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા હોવા છતાં અમે જાણીએ છીએ કે અમે તમામ બાબત અટકાવી દેવા આશા રાખી શકીએ નહિ.’ ટ્રાન્સપોર્ટ નેટવર્ક્સ અને મહત્ત્વના લેન્ડમાર્ક્સ વિરુદ્ધ હુમલાની જટિલ અને મહત્ત્વાકાંક્ષી યોજનાઓનો સામનો યુકે કરી રહ્યું છે.
આની સાથોસાથ ધર્મઝનૂનીઓ તાજેતરના મહિનાઓમાં દરિયાપાર કરાયેલા હુમલાઓનું અનુકરણ કરવાની ઈચ્છા ધરાવે છે. તેમની રણનીતિમાં લોરી, વાન અથવા કારના ઉપયોગથી ભરચક જાહેર સ્થળોમાં ‘મારીને નાસી જવું’ જેવાં હુમલાનો સમાવેશ થાય છે. બંદૂક અથવા બોમ્બ હુમલાઓમાં શસ્ત્રો કે સાધનો ખરીદવા પડે છે તેની સરખામણીએ આવા હુમલાની તપાસ કરવી સિક્યુરિટી સર્વિસીસ માટે મુશ્કેલ બને છે.
તાજેતરના મહિનાઓમાં બ્રિટનમાં મોટા પાયે મોતનો ઓછાયો ફેલાવે તેવા ઓછામાં ઓછાં ત્રણ પ્લોટ નિષ્ફળ બનાવાયાં છે. સીરિયા ગયેલા ૬૦૦ બ્રિટિશ કટ્ટરવાદીઓ પર નજર રખાઈ રહી છે, જેમાંના ૩૦૦ કટ્ટરવાદી બ્રિટન પરત પણ આવી ગયા છે. પાર્કરે જણાવ્યું હતું કે અર્ધકચરાં પરંતુ મોટા પાયે જાનહાનિ કરી શકવાની સંભાવના ધરાવતાં હુમલાઓની યોજના વધી ગઈ છે, ગયા વર્ષે કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં હુમલાઓ ઉદાહરણરુપ છે. સીરિયામાં અલ-કાયદા ત્રાસવાદીઓના મુખ્ય જૂથ પશ્ચિમમાં સામૂહિક હત્યાના હુમલાઓનું આયોજન કરી રહ્યા છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓ માટે આવા હુમલાની ભાળ મેળવવી દેખીતી રીતે મુશ્કેલ બની રહે છે કારણ કે સોફિસ્ટિકેટ્ડ નેટવર્ક્સના હિસ્સા તરીકે નહિ, પરંતુ ત્રાસવાદી પ્રચારથી પ્રેરિત હિંસક વ્યક્તિઓ દ્વારા આવા હુમલાને અંજામ અપાય છે.
