ભારત સરકારના ડ્રીમ પ્રોજેક્ટ

ગાંધીનગરઃ પ્રવાસી ભારતીય દિવસના ઉદ્ધાટન બાદ તુરંત યોજાયેલા ઇન્ડિયન ડાયસ્પોરા સેમિનારમાં વિદેશી ભારતીયો સમક્ષ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કેટલાંક ડ્રીમ પ્રોજેક્ટ કેન્દ્રીય પ્રધાનોએ રજૂ કર્યાં હતા, જેમાં સ્માર્ટ સિટી, હૃદય પ્રોજેકટ, ગંગા શુદ્ધિકરણની યોજના, પ્રવાસન વિકાસ અને સ્કિલ ડેવલપમેન્ટનો સમાવેશ થાય છે.

સ્માર્ટ સિટી લોકભાગીદારીથી વિકસાવશે
શહેરી વિકાસ પ્રધાન એમ. વેંકૈયાનાયડુએ જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ માટે જે પ્રોજેક્ટ તૈયાર કરેલા છે તેમાં સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ અગ્ર છે. ભારતમાં ૧૦૦ સ્માર્ટ સિટી બનવાનાં છે તે લોકભાગીદારીથી એટલે કે પ્રાઇવેટ પબ્લિક પાર્ટનરશિપ ધોરણે વિકસાવશે, જેમાં જંગી મૂડી રોકાણ થવાનું છે તેથી અમે પ્રાઇવેટ ઇન્વેસ્ટરોને આકર્ષવા માટે આ મોડેલ તૈયાર કર્યું છે. જેમાં કોઈ પણ રોકાણકારો પોતાનું રીટર્ન મળે તેની યોજના તૈયાર થઈ ચૂકી છે, જેથી સ્માર્ટ સિટીના સારી રીતે નિર્માણ કરી શકાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ઉપરાંત ૮૦૦ નાના શહેરો કે જેની એક લાખથી વધુ વસ્તી છે તેને પણ હૃદય પ્રોગ્રામ હેઠળ આવરી લેવાશે. આવા શહેરો પોતાની આગવી ઓળખ ધરાવે છે. જેમાં સ્પીરચ્યુઅલ સિટીનો પણ સમાવેશ કરાયો છે. તેમાં દ્વારકાનો પણ સમાવેશ થાય છે. કારણ કે દ્વારકા શહેર ઐતિહાસિક અને સ્પીરીચ્યુઅલ સિટી છે.
ગામડા સુધી યોજના પહોંચે તે પ્રાથમિકતા
સ્કિલ ડેવલપમેન્ટ પ્રધાન રાજીવપ્રતાપ રૂડીએ જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું એક સ્વપ્ન છે કે, ભારતમાં વિશ્વના શ્રેષ્ઠ કેળવાયેલાં લોકો હોય. આવી સ્કિલ ડેવલપ કરવા માટે તેમણે શરૂઆત પ્રધાનોથી કરી છે. પ્રધાનોની સ્કિલ વધે તે માટે સરકારે તેમને કેળવવાથી જ શરૂઆત કરી છે. કૌશલ્યથી કેળવાયેલા લોકો હોય, ભારતના રેલવે સ્ટેશનો ઉપર લોકોને કેળવવા માટે લશ્કરના નિવૃત્ત અધિકારીઓનો ઉપયોગ કરવાનું વડા પ્રધાને મને સૂચન કર્યું છે.
 ગંગાને સાત વર્ષમાં સંપૂર્ણ શુદ્ધ કરાશે
ગંગા શુદ્ધિકરણ વિભાગના પ્રધાન ઉમા ભારતીએ જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે, ગંગાને શુદ્ધ કરવી. તેથી ગંગા નદીને શુદ્ધ કરવા માટે અમે લોકોને આકર્ષવા માટે કેટલીક યોજનાઓ બનાવી છે. ભારતની પવિત્ર નદી એવી ગંગાના ૨૫૦૦ કિ.મી. લંબાઈના કાંઠા ઉપર પ્રદૂષણ ન ફેલાય તે માટે લોકોને રોકાણ કરવા માટે અમે તમામ છૂટછાટો આપીશું. ભારત અને ભારત બહારના લોકો ગંગા નદીને શુદ્ધ કરવા યોગદાન આપવા ઇચ્છતા હશે તેઓ પોતાની પસંદગીની એજન્સી કામ સોંપી શકશે. વિદેશી ભારતીયો ગંગા શુદ્ધીકરણ માટે પોતાનો હિસ્સો દત્તક લેવા માગતા હશે તો અમે તેમને પૂરેપૂરો સહયોગ આપીશું. વિશ્વની જે મહાન નદીઓ છે જેમ કે લંડનની થેમ્સ નદી, થેમ્સ જેવી જ શુદ્ધ ગંગાને બનાવીશું. ગૌમુખથી લઈને ગંગાસાગર સુધી ગંગા નદીના શુદ્ધિકરણનો પ્રોજેક્ટ સાત વર્ષમાં અમે આ પૂરું કરવાના છીએ.
ઐતિહાસિક સ્થળોએ ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરાશે
પ્રવાસન રાજ્ય પ્રધાન મહેશ શર્માએ જણાવ્યું હતું કે, ભારતમાં વિશ્વના લોકો પ્રવાસે આવે અને જેનાથી પ્રવાસન ઉદ્યોગ વિકશે તે માટે અમે ઝડપથી કેટલીક યોજનઓ સાકાર કરી રહ્યાં છે. ખાસ કરીને ભારતના ઐતિહાસિક સ્થળો છે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભા કરીશું. જેથી હાલ જે પ્રવાસીઓ છે તેમાં વધારો થાય અને લોકોને રોજગારી મળે. વિદેશવાસી ભારતીયો વતનને વધુ જાણે તે માટે કેટલાંક હેરિટેજ પ્રોજેક્ટો આવી રહ્યાં છે. જેથી વિદેશીઓને આકર્ષી શકાશે.
 માતૃભૂમિનું ગૌરવ, ગરિમાનો વિકાસ કરી પાછા લાવવા છે
વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે બિનનિવાસી ભારતીયોને મેક ઈન ઈન્ડિયા અને સ્વચ્છ ભારત જેવા કેન્દ્ર સરકારના કાર્યક્રમોમાં મૂડીરોકાણ કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, બિનનિવાસી ભારતીયોની કોઈ પણ જાતની સમસ્યા કે કામ માટે મારા વિદેશ મંત્રાલયનાં દ્વાર ખુલ્લાં છે. સ્વરાજે મૂડીરોકાણનો તંતુ સાધતાં એમ જણાવ્યું કે, અમે (કેન્દ્ર સરકાર) આપ સૌ સાહસિકો, રોકાણકારો અને પ્રોફેશનલને આવકારીએ છીએ, આપણે આપણી માતૃભૂમિના ભૂતકાળના ગૌરવ અને ગરિમાને પાછા લાવવા વિકાસ કરવાનો છે. હું જરૂર એ ખાતરી આપું છું કે, આ કાર્ય આપણને બંનેને પરસ્પર લાભકારક નીવડશે જ. તેમણે ભારતીય ડાયસ્પોરા સફળ, સમૃદ્ધ અને રાજકીય રીતે અસરકારક હોવાનો ઉલ્લેખ કરીને ઉમેર્યું કે, વિકાસશીલ દેશમાં પારસ્પરિક લાભદાયક ભાગીદારી હોવી જોઈએ જ. તેમણે જણાવ્યું કે, વિદેશમાં રહેતા ભારતીયો સફળ, સમૃદ્ધ અને રાજકીય રીતે અસરકર્તા હોય છે અને આવા ભારતીયો ભારત માટે એક અસ્કયામતથી પણ વધુ છે. તેઓ ભારતને સુદૃઢ અને આત્મનિર્ભર બનાવી શકે છે. ડાયસ્પોરા પાસેથી આવી પ્રેરણા મળી શકે તેમ છે. વિદેશોમાં ભારતીયોની સંખ્યા પચ્ચીસ મિલિયન એટલે અઢી કરોડથી વધુ છે અને તે બધા આત્મવિશ્વાસથી ભરપૂર છે.
NRI સહયોગ આપે તો તબીબી સારવાર સસ્તી બને
પ્રવાસી ભારતીય દિનના સેશનમાં એનઆરઆઇને ભારતમાં તબીબી સારવાર સસ્તી બને અને ગામડા સુધી પહોંચે તે માટે સહયોગ આપવા અનુરોધ કરાયો હતો. જાણીતા ડો. નરેશ ત્રેહાને (મેદાન્તાના સીએમડી) ભારતના વૈશ્વિક સ્તરે સોફ્ટ પાવર અંગેના પરિસંવાદમાં બોલતા જણાવ્યું હતું કે, ભારતમાં હેલ્થ સર્વિસ ઉત્કૃષ્ટ કક્ષાની છે અને તબીબો પણ સારા છે. તેના કારણે હવે વિદેશથી પણ દર્દીઓ ભારતમાં સારવાર કરાવવા આવે છે. જોકે ગ્રામ્ય વિસ્તાર સુધી તબીબી સેવાઓ પહોંચે અને તે સસ્તી પણ હોય તે જરૂરી છે. આ માટે તેમણે અમેરિકા સહિતના દેશોમાં વસતા એનઆરઆઇને અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ ક્ષેત્રમાં આગળ આવીને ઘણું કરવા જેવું છે. આ માટે શક્ય હોય તેવું સંશોધન અને બીજી રીતે પણ સહયોગ મળે તે જરૂરી છે. આ પરિસંવાદના અધ્યક્ષ અને કેન્દ્રીય પ્રધાન (ઓવરસિઝ ઇન્ડિયન અફેર્સ) ડો. વી. કે. સિંઘે જણાવ્યું હતું કે, ભારતનો સોફટ પાવર વિદેશ સુધી પહોંચ્યો છે અને ભારતીય કળાઓની વાહવાહી થઇ રહી છે.

ભારત સરકારના ડ્રીમ પ્રોજેક્ટ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.