યુકે રમખાણોમાં પુત્રના મોતના ખુલાસાની રાહ જોતા તારિક જહાન

બર્મિંગહામઃ વિન્સન ગ્રીન ખાતે ઓગસ્ટ ૨૦૧૧ના રમખાણોમાં જાન ગુમાવનાર હારૂન જહાનના પિતા તારિક જહાને ત્રણ મૃત્યુ અંગે જાહેર ઈન્ક્વાયરીની માગણી પોલીસ મિનિસ્ટર માઈક પેનિંગ સમક્ષ રાખી છે.
સ્થાનિક સાંસદ શબાના મહમૂદ (લેબ,લેડીવૂડ)ની સાથે મિનિસ્ટરને મળવા જનારા તારિક જહાને કહ્યું હતું કે તેઓ તેમના ૨૧ વર્ષના પુત્રના મૃત્યુના ખુલાસાની હજુ રાહ જુએ છે. ૧૦ ઓગસ્ટે સ્થાનિક ધંધાઓની સુરક્ષાનો પ્રયાસ કરતા હારૂન, શઝાદ અલી અને અબ્દુલ મુસાવીરનું કારની અડફટમાં મૃત્યુ થયા પછી તારિક જહાને લોકોને શાંતિ જાળવવા અપીલ કર્યાના પગલે તંગદિલી ઘટાડવા બદલ તેમની પ્રશંસા થઈ હતી. જોકે, આ મૃત્યુ સંદર્ભે હજુ કોઈની ધરપકડ કરાઈ નથી.
