વિશ્વસમસ્તને ઇજનઃ પધારો અમારે દેશ

પહેલાં પ્રવાસી ભારતીય દિવસ પર્વે વિદેશવાસી ભારતીયોનો મેળાવડો અને પછી વાઇબ્રન્ટ ગુજરાતમાં મૂડીરોકાણકારોનો મેળો. ગુજરાતના યજમાનપદે બે ઝાકઝમાળભર્યા વૈશ્વિક મેળાવડા યોજાયા. આ માહોલમાં સહુ કોઇની નજર ગુજરાત પર હોય તેમાં નવાઇ નહોતી, પણ તેના કેન્દ્રમાં તો આ વખતે ય નરેન્દ્ર મોદી જ હતા. રાજ્યના મુખ્ય પ્રધાનમાંથી દેશના વડા પ્રધાન બન્યા બાદ પ્રથમ વખત આ મહત્ત્વના વૈશ્વિક સમારોહ યોજાઇ રહ્યા હતા, પણ નરેન્દ્રભાઇ ભારત જેવા વૈવિધ્યસભર, બહુસાંસ્કૃતિક રાષ્ટ્રના સુકાની તરીકેની ભૂમિકા ભજવવામાં રતિભાર પણ ઉણાં ઉતર્યા નથી એ તો સહુ કોઇ કબૂલશે. 

ગાંધીજીના ભારત પુનરાગમનના શતાબ્દી અવસરે તેમણે વિદેશવાસી ભારતીયોને રાષ્ટ્રના વિકાસમાં ચાવીરૂપ ભૂમિકા ભજવવાનું આહવાન કર્યું. એનઆરઆઇને ભારતની સૌથી મોટી શક્તિ ગણાવતાં વડા પ્રધાને વિદેશવાસી ભારતીયોને નાભિ સાથે નાતો જોડીને પોતાના જ્ઞાન, કૌશલ્ય કે કુનેહનું યોગદાન આપવા અનુરોધ કર્યો. તો સાતમા વાઇબ્રન્ટ ગુજરાતમાં વિશ્વભરના મૂડીરોકાણકારોને ભારતમાં રોકાણનું આમંત્રણ આપતાં થ્રી-ડી મંત્ર પણ આપ્યો! તેમનું કહેવાનું હતું કે સારા અને વળતરદાયક મૂડીરોકાણ માટે પાયાની ત્રણ બાબતો અનિવાર્ય છે - ડેમોક્રેસી, ડેમોગ્રાફી અને ડિમાન્ડ. વિશ્વમાં માત્ર ભારતમાં આ ત્રણેય બાબત એક સાથે ઉપલબ્ધ છે. આ દૃષ્ટિકોણથી જોઇએ તો ભારતમાં મૂડીરોકાણ માટે સુવર્ણકાળ ચાલે છે. ત્રણ દસકાના લાંબા અંતરાલ પછી દેશમાં એક પક્ષની સંપૂર્ણ બહુમતી ધરાવતી સરકાર શાસન સંભાળે છે. પૂરોગામી સરકારની જેમ મહત્ત્વના નિર્ણયો લેવામાં મોદીસરકારને સાથી પક્ષોની મરજી-નામરજીને તાબે થવું પડતું નથી. ડેમોગ્રાફીની વાત કરીએ તો, દેશની વસ્તીમાં ૬૫ ટકા લોકો ૩૫ વર્ષથી નાની વયના છે. મતલબ કે સમગ્ર વિશ્વને ઉત્પાદન ક્ષેત્રે માત્ર ભારતમાં ઓછી કિંમતે કૌશલ્ય ધરાવતું લેબર ઉપલબ્ધ છે. આમ ઉત્પાદનની પડતર નીચી આવે છે. ત્રીજો મુદ્દો છે - ડિમાન્ડ. ભારત લગભગ સવા અબજની વસ્તી ધરાવતો દેશ છે. દુનિયામાં સૌથી વધુ માગ ધરાવતા દેશોની યાદીમાં ભારતનું નામ મોખરે મૂકાય છે. આથી અહીં પ્રોડક્ટ-સર્વીસ ક્ષેત્રે ભરપૂર માગનો લાભ મળે છે.
દસકાઓથી ભારતીય બુદ્ધિધન દેશ બહાર વહેતું રહ્યું છે પછી તે વિજ્ઞાનનું ક્ષેત્ર હોય, તબીબી જગત હોય, શિક્ષણ હોય, ટેક્નોલોજી હોય કે ઉદ્યોગ ક્ષેત્ર હોય. યુએસ, યુકે, આફ્રિકા, મિડલ ઇસ્ટના દેશોને વસાહતી ભારતીયોની જ્ઞાનસંપદાનો અઢળક લાભ મળ્યો છે. ૨૦૦થી વધુ દેશોમાં ભારતીયો વસે છે. ભારત એમના કારણે વૈશ્વિક બન્યું છે. જોકે હવે સમય બદલાયો છે. નરેન્દ્ર મોદી આ જ કહે છે - ભારત હવે અપાર સંભાવનાઓનો દેશ છે. તક શોધવા માટે દેશ છોડીને બહાર જવાની જરૂર નથી. મહાન ક્ષમતા સાથે ઊભરી રહેલા ભારતને દુનિયા જુદી જ નજરે જોઇ રહી છે. કદાચ આ જ કારણ છે કે સાતમા વાઇબ્રન્ટ ગુજરાત મેળાવડાના પ્રથમ દિવસે જ ઉદ્યોગકારોએ રૂ. ૧.૬૦ લાખ કરોડના મૂડીરોકાણની જાહેરાત કરી છે, અને રૂ. ૨૫ લાખ કરોડના સમજૂતીકરાર (એમઓયુ) થયા છે. આ તો ઉદ્યોગકારોએ ભારતના માત્ર એક જ રાજ્ય - ગુજરાતમાં નિહાળેલી તકોની વાત છે. દેશના અન્ય રાજ્યોમાં પણ વિકાસની અઢળક તકો છુપાયેલી છે. એક સમયે મુખ્ય પ્રધાન તરીકે ગુજરાતમાં મૂડીરોકાણ આકર્ષવા કમર કસનાર નરેન્દ્ર મોદી હવે વડા પ્રધાન તરીકે સમગ્ર દેશમાં વિદેશી મૂડીરોકાણ ખેંચી લાવવા દૃઢ નિશ્ચયી બન્યા છે.
જોકે મોદી માત્ર વિદેશી મૂડીરોકાણ આકર્ષવા જ કામે લાગ્યા છે એવું નથી, તેઓ વિદેશવાસી ભારતીયોનો વતન સાથેનો નાતો વધુ મજબૂત બનાવવા પણ કટિબદ્ધ બન્યા જણાય છે. સંભવતઃ તેમણે વિચાર્યું હશે કે મૂડીરોકાણમાં માતૃભૂમિ સાથેનો લગાવ પણ ઉમેરાય તો સોનામાં સુગંધ ભળે. ઉલ્લેખનીય છે કે ચીનમાં દર વર્ષે થતાં ૫૦થી ૧૦૦ બિલિયન ડોલરનાં મૂડીરોકાણમાં લગભગ ૮૦ ટકા હિસ્સો વિદેશસ્થિત ચીનીઓનો હોય છે. ચીને આ માટે કાયદાઓમાં ફેરફાર પણ કર્યા છે. નરેન્દ્ર મોદી પણ આ જ દિશામાં આગળ વધતા જણાય છે. તેમણે પર્સન ઓફ ઇંડિયન ઓરિજિન (પીઆઇઓ) અને ઓવરસીઝ સિટિઝન ઓફ ઇંડિયા (ઓસીઆઇ) કાર્ડને જોડી દઇને વિદેશવાસી ભારતીયોની ઘણી ગૂંચવણ દૂર કરી દીધી છે. પીઆઇઓ કાર્ડધારકને આજીવન વિઝાની સગવડ આપી છે. પોલીસમથકે જઇને વેરિફિકેશન કરાવવાની કડાકૂટમાંથી મુક્તિ આપી છે. ૪૫થી વધુ દેશો માટે વિઝા-ઓન-એરાઇવલ સુવિધા જાહેર કરી છે. જોકે અમારી લેખિત રજૂઆત છતાં યુકે પાસપોર્ટધારકોને વિઝા-ઓન-એરાઇવલની સુવિધા અપાઇ નથી. લંડન-અમદાવાદ વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ પણ પાયાની જરૂરિયાત છે. (આ અને આવા હેતુઓ માટે અમે સતત કાર્યરત રહીશું.) રાજધાની દિલ્હીમાં પ્રવાસી ભારતીય કેન્દ્રનું નિર્માણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. ટૂંકમાં, તેમણે વિદેશવાસી ભારતીયોને વચન આપ્યા એટલું જ નહીં, પાળ્યા પણ ખરા. વતનથી હજારો માઇલ દૂર વસતા ભારતીયોને વતનમાં ઉપલબ્ધ વિપુલ તકોનો લાભ લેવાનું ઇજન આપતાં તેમણે યાદ કરાવ્યું છે કે ડોલર, પાઉન્ડ કરતાં પણ આપણા સંસ્કાર વધુ કિંમતી છે.
ભારત અને બૃહદ ભારતને સાંકળવાના હેતુથી પ્રવાસી ભારતીય દિવસ તો ૨૦૦૩થી ઉજવાઇ રહ્યો છે, પણ વિશ્વનિવાસી ભારતીયોનો વિશ્વાસ જીતવા મોદીએ જે પગલાં લીધાં છે તેનાથી સંબંધોમાં ઉષ્માનો સંચાર થયો છે. વિદેશવાસી ભારતીયો અત્યંત સક્ષમ સમુદાય છે, જે દેશના વિકાસમાં મોટું યોગદાન આપી શકે તેમ છે. તેમની પાસે નાણાં છે, કૌશલ્ય છે અને બહોળો અનુભવ તો ખરો જ. આ ત્રિવેણી સંગમનો દેશના વિકાસમાં લાભ લેવા આજ સુધી ખાસ પ્રયાસ થયા નહોતા, પણ લાગે છે કે હવે ચોક્કસ દિશામાંનો પુરુષાર્થ ભારતને પ્રગતિના પંથે દોરી રહ્યો છે.

વિશ્વસમસ્તને ઇજનઃ પધારો અમારે દેશ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.