સહુની નજરમાં ચોકર નેકલેસ

સહુની નજરમાં ચોકર નેકલેસ

તમે હૃતિક રોશન અને ઐશ્વર્યા રાયને ચમકાવતી ‘જોધા અકબર’ જોઇ હતી કે નહીં? ૨૦૦૮માં રિલીઝ થયેલી અને નામ પરથી જ ખબર પડી જાય છે તેમ ઐતિહાસિક બેકગ્રાઉન્ડ ધરાવતી આ ફિલ્મ ભલે સુપર-ડુપર હિટ નહોતી, પણ તેના ભવ્ય સેટિંગ્સ, કોસ્ચ્યુમ માટે બહુ પ્રશંસા પામી હતી. આ ફિલ્મના મોટા ભાગના દૃશ્યોમાં ‘જોધા’ ઐશ્વર્યા આખું ગળું ભરાઈ જાય એવા ચોકર નેકલેસ પહેર્યા હતા. આ પ્રકારના ચોકર કે હાંસળી સ્ટાઇલના નેકલેસ આજે પણ લગ્નપ્રસંગોમાં ટ્રેન્ડમાં છે. 

હવે તો ટ્રેડિશનલ જ્વેલરી હોય કે મોડર્ન એક્સેસરીઝ, ચોકર ફેવરિટ બની ગયા છે. ભારતના જ નહીં, હવે તો કેટલાક ઇન્ટરનેશનલ ડિઝાઇનરો પણ ચોકર નેકલેસને વધુ હિટ બનાવી રહ્યા છે. બોલીવુડમાં સોનમ કપૂર હોય કે પછી હોલીવુડની ડિઝાઇનર વિક્ટોરિયા બેકહેમ, ચોકર નેકલેસ બધા જ પ્રિફર કરી રહ્યા છે. આ કારણસર તમે ચોકર જ્વેલરીને આ વર્ષનો જ્વેલરી ટ્રેન્ડ ગણી શકો.
સાડી અને ચણિયાચોળી સાથે ડાયમન્ડ કે પોલકીનો ચોકર નેકલેસ, જ્યારે વેસ્ટર્ન આઉટફિટ્સ સાથે પણ કોપર અને જેમ સ્ટોન્સનો નેકલેસ લોકો પહેરવાનું પસંદ કરી રહ્યા છે. ચોકરની ડિઝાઇન સ્ટ્રેઇટ અથવા ગોળાકાર હોઈ શકે અને એ ગળાના શેપ પ્રમાણે પસંદ કરી શકાય. એ સિવાય બ્લાઉઝ કે ડ્રેસની નેકલાઇન પણ ચોકરની પસંદગીમાં મોટો ભાગ ભજવે છે.
ચોકર પહેરવો હોય ત્યારે બ્લાઉઝ કે ડ્રેસની નેકલાઇન બ્રોડ અને થોડી લો હોવી જરૂરી છે. નેકલેસની કિનારી નેકલાઇનને અડી જતી હોય તો એવો નેકલેસ પહેરવાનો કોઈ અર્થ નથી. નેકલેસ અને ડ્રેસ વચ્ચે ઓછામાં ઓછો બેથી અઢી સેન્ટિમીટરનો ગેપ હોવો જરૂરી છે.
ફિટિંગ
ચોકર એટલે ગળા પર ફિટ બેસે એવો નેકલેસ. આવો નેકલેસ પર્હેયા બાદ તમે કમ્ફર્ટેબલ ફીલ કરો એ પણ જરૂરી છે. ચોકર એટલો ટાઇટ પણ ન હોવો જોઇએ અને એટલો ભરાવદાર પણ ન હોવો જોઈએ કે ગભરામણ થવા લાગે તો સાથોસાથ એટલો લૂઝ પણ ન હોવો જોઈએ કે લચી પડે. એ સિવાય ચોકરમાં ફક્ત આગળની સાઇડ જ નહીં, પણ આખા ગળા ફરતે પહોળાઈ એકસમાન હોય છે એટલે ગરદન હલાવવામાં કમ્ફર્ટ રહે તે જરૂરી છે.
ગરદન અને ચોકર
જો ખૂબ ટૂંકી ગરદન હોય તો ચોકર નેકલેસ પહેરવાનું ટાળવું, કારણ કે એમાં ગરદન વધુ ટૂંકી લાગશે. જોકે પહેરવો જ હોય તો ચોકર સ્ટાઇલનો, પણ થોડો પાતળો નેકલેસ પહેરી શકાય. એમાં જો વચ્ચે પેન્ડન્ટ હશે તો પણ સારું લાગશે. ચોકર અને હાંસળી જેવા નેકલેસ લાંબી ગરદન માટે બનેલા છે. એ લાંબી ગરદનને સુંદર લુક આપે છે અને શોભે પણ છે.
ફક્ત ચોકર
ચોકર પહેરો ત્યારે ગળામાં બીજો કોઈ પણ લાંબો નેકલેસ પહેરવાનું ટાળો, તમારાં લગ્ન હોય તો પણ; કારણ કે ચોકર જેવા ભરાવદાર નેકલેસનો ચાર્મ ત્યારે જ ઊઠીને દેખાય છે જ્યારે એને એકલો પહેરવામાં આવે. જો લાંબો નેકલેસ પહેરવો હોય તો ચોકરની પહોળાઈ ખૂબ ઓછી રાખવી. એ સિવાય ચોકર સાથે ઈયરરિંગ્સ લટકણિયાં નહીં, પણ સ્ટડ સ્ટાઇલનાં હોવાં જોઈએ જેથી જ્વેલરીનો લુક બહુ ભભકવાળો ન બની જાય.
વેસ્ટર્ન ચોકર
વેસ્ટર્ન આઉટફિટ્સ સાથે અથવા ફોર્મલ ગાઉન સાથે ચોકર પહેરવો હોય તો પ્લેન ગોલ્ડના પતરા પર હેમરિંગ કરેલો અથવા ટેક્સ્ચરવાળો નેકલેસ સારો લાગશે. એ સિવાય કોપર અથવા બ્રાસ પર રંગબેરંગી જેમ સ્ટોનવાળો ચોકર પણ વેસ્ટર્ન આઉટફિટ્સ સાથે સારો લાગે છે.

સહુની નજરમાં ચોકર નેકલેસ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.