સાયન્સ કોંગ્રેસ, સંસ્કૃત અને પૂર્વગ્રહ

સાયન્સ કોંગ્રેસ, સંસ્કૃત અને પ...

હજારો વર્ષના ભારતીય ઈતિહાસનું યોગ્ય અને તર્કસંગત કારણોસર ગૌરવ થાય, વિજ્ઞાન સહિતનાં ક્ષેત્રોમાં એના યોગદાનની ચર્ચા થાય અને પરંપરાગત રીતે ભારતીય વડા પ્રધાન નામે નરેન્દ્ર દામોદારદાસ મોદી મુંબઈમાં મુંબઈ યુનિવર્સિટીના યજમાનપદે યોજાતી ૧૦૨મી ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસનું ઉદઘાટન કરવા પધારે ત્યારે કેટલાક ભારતીય વૈજ્ઞાનિકો અને મીડિયાકર્મીને એની માત્ર ટીકા કરવાની ઝુંબેશ ચલાવવામાં રસ પડે ત્યારે દુઃખ થવું સ્વાભાવિક છે. બદ્ધેબદ્ધું પશ્ચિમમાંથી આવ્યું અથવા તો પશ્ચિમના દેશોએ પ્રમાણિત કર્યું એ જ સો ટચનું સોનું એવું માનવાવાળાઓની વૃત્તિ-પ્રવૃત્તિમાંથી બહાર આવીને ભારતીય દૃષ્ટિકોણની સચ્ચાઈને નાણવાની, પારખવાની આ ઘડી છે. એટલે જ અમને ૧૦૨મી ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસની વાત કરવાનું મન થવું સ્વાભાવિક છે.

હજારો વર્ષના ભારતીય ઈતિહાસનું યોગ્ય અને તર્કસંગત કારણોસર ગૌરવ થાય, વિજ્ઞાન સહિતનાં ક્ષેત્રોમાં એના યોગદાનની ચર્ચા થાય અને પરંપરાગત રીતે ભારતીય વડા પ્રધાન નામે નરેન્દ્ર દામોદારદાસ મોદી મુંબઈમાં મુંબઈ યુનિવર્સિટીના યજમાનપદે યોજાતી ૧૦૨મી ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસનું ઉદઘાટન કરવા પધારે ત્યારે કેટલાક ભારતીય વૈજ્ઞાનિકો અને મીડિયાકર્મીને એની માત્ર ટીકા કરવાની ઝુંબેશ ચલાવવામાં રસ પડે ત્યારે દુઃખ થવું સ્વાભાવિક છે. બદ્ધેબદ્ધું પશ્ચિમમાંથી આવ્યું અથવા તો પશ્ચિમના દેશોએ પ્રમાણિત કર્યું એ જ સો ટચનું સોનું એવું માનવાવાળાઓની વૃત્તિ-પ્રવૃત્તિમાંથી બહાર આવીને ભારતીય દૃષ્ટિકોણની સચ્ચાઈને નાણવાની, પારખવાની આ ઘડી છે. એટલે જ અમને ૧૦૨મી ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસની વાત કરવાનું મન થવું સ્વાભાવિક છે.

શતાબ્દી વીતી ગઈ ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસના નેજા હેઠળ દર વર્ષે પરિષદોમાં વૈજ્ઞાનિકોનાં વિચારમંથન કરવાને. આઝાદી પૂર્વથી આઝાદ ભારતમાં આપણે ભારતીય વૈજ્ઞાનિકો અને વિશ્વના અન્ય દેશોમાં કાર્યરત વૈજ્ઞાનિકોની શોધખોળ અને અધ્યયન-સંશોધનમાં આવેલા આમૂલ પરિવર્તનને સમજવા આ ઘટનાક્રમને સમજવો પડે. દાયકાઓથી આઝાદ ભારતમાં આવી પરિષદોમાં અલગ અલગ સત્રોના માધ્યમથી આવાં વિચારમંથન થતાં રહ્યાં છે. આ વખતની સાયન્સ કોંગ્રેસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આવવા અને પ્રાચીનકાળના પુષ્પક વિમાનનો ઉલ્લેખ કરવાથી વિજ્ઞાનનું તો કયું ધનોતપનોત નીકળી ગયું કે આખીય વિજ્ઞાન પરિષદને નીંદવાનો અભિગમ કે ઉપક્રમ લઈને ઘણા લોકો મંડી પડ્યા? રાઈટ બંધુઓને વિમાન બનાવવાની પ્રેરણા એચ. જી. વેલ્સ લિખિત કોઈ દોઢસો વર્ષ પુરાણી નવલકથામાંથી મળે તો એમાં કશું ખોટું નહીં, પણ રામાયણના હજારો વર્ષ જૂના ઈતિહાસમાં પુષ્પક વિમાનના વિહારની વાત રજૂ થઈ હોય તો એ નર્યું અસત્ય અને અવૈજ્ઞાનિક ગણી લેનારાઓની વિકૃત માનસિકતાને સમજી લેવાની જરૂર ખરી.
મુંબઈ યુનિવર્સિટી છેક ૧૮૫૭ની ક્રાંતિને પગલે પ્રગટેલી યુનિવર્સિટી છે. એનો ભવ્ય ભૂતકાળ છે. અંગ્રેજ શાસનનું પણ એમાં ભવ્ય યોગદાન નકારી શકાય નહીં, પણ ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારના મુખિયા મોદી અને એમના જ પક્ષના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ઉપસ્થિતિમાં ઉદઘાટિત ભારતીય વિજ્ઞાન પરિષદ જાણે કે અભડાઈ ગઈ હોય એવો હોબાળો મચ્યો છે. સાયન્સ કોંગ્રેસના આયોજનમાં ત્રુટિઓ હોય તો એને સુધારી શકાય, એ વિશે નુક્તેચીની કરી શકાય, પરંતુ કેટલાક દિવસ ચાલનારી આ સાયન્સ કોંગ્રેસમાં અનેક વૈજ્ઞાનિકોની વિવિધ ચર્ચાના સત્રોની સાથે એકાદ સત્ર ‘સંસ્કૃત અને વિજ્ઞાન’નું રખાય તો એનાથી ધરતી જાણે કે રસાતાળ થઈ જાય એવો ઉહાપોહ મચાવનારાઓના દિમાગની શસ્ત્રક્રિયા કરવાની જરૂર ખરી. વિજ્ઞાન સત્ય-અસત્ય, તર્ક અને અંધશ્રદ્ધા વચ્ચે નીરક્ષીર કરવાનું પસંદ કરે છે. વિજ્ઞાન આંધળૂકિયાં કરીને વગર ચકાસણીએ કોઈને શિરે દોષારોપણ કરે અને પૃથ્વીને સપાટ ગણાવીને ઝેર આપે એવું અપેક્ષિત નથી. વિજ્ઞાન અને સંસ્કૃત ગ્રંથોની વાત કરનારાનાં નીરક્ષીર જરૂર કરી શકાય. તર્કનો ઉત્તર તર્ક અને પરીક્ષણોથી આપી શકાય, પરંતુ વનસ્પતિમાં જીવન હોવાની સર જગદીશચંદ્ર બોઝની વાત ખોટી અને કોઈ પશ્ચિમના જણની આ જ વાત સાચી એવું કહેવામાં આવે ત્યારે એ વિજ્ઞાનનું ગળું ઘોંટવા સમાન ઘટના ગણાય.
રાજકીય કારણોસર ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસની ટીકા કરવાવાળા મિથ્યાભિમાનીઓને સમય જતાં જવાબ મળી જશે. એમને માટે ચિંતા કરવાની જરૂર નથી. ડાબેરી વિચારકોને કમ્યુનિસ્ટ નેતા શ્રીપાદ અમૃત ડાંગોનાં રામાયણ પરનાં બાર વ્યાખ્યાનો વાંચી જવાની સલાહ આપવાનું આ તબક્કે મન થાય છે. ભારતીય સમાજ આસ્તિકો અને નાસ્તિકોનો સમાદર કરનારો સમાજ રહ્યો છે. ભારતમાં તર્કશાસ્ત્રનો વિકાસ પરંપરાગત રીતે થતો રહ્યો છે અને સાથે જ ભારતના વોલ્ટેર ગણાતા ચાવાર્કની ભવ્ય પરંપરા પણ આપણે ત્યાં વિક્સી છે. હકીકતમાં ચાવાર્ક પછી વોલ્ટેર થયો એટલે વિશ્વમાં કોણ મૌલિક યોગદાન કરીને ગયું એની ચર્ચા થવી ઘટે.
ભારતના વૈજ્ઞાનિકો વિદેશોમાં જઈ નોબેલ પારિતોષિક મેળવવા જેવા સંશોધનો કરે છે તો ઘરઆંગણે એમને વધુ મોકળાશ, વધુ સુવિધા અપાય, સાયન્સ કોંગ્રેસમાં આવી ચર્ચા થાય એ અપેક્ષિત છે. સાયન્સ કોંગ્રેસને સરકારી ચુંગાલમાંથી સ્વાયત્ત કરીને વધુને વધુ વૈજ્ઞાનિકો કે વિજ્ઞાનના વિદ્યાર્થી એમાં સહભાગી થઈને આગામી દિવસોમાં અનોખા યોગદાનની પ્રેરણા કઈ રીતે મેળવતા થાય એનું ચિંતન કરવાની જરૂર ખરી. વડા પ્રધાન મોદી કે પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહ કે પછી અટલ બિહારી વાજપેયી કે ઈન્દિરા ગાંધી આવી વિજ્ઞાન પરિષદોમાં આવીને સહકાર આપવાની, સોલિડારિટી વ્યક્ત કરવાની હૂંફ બક્ષી જાય ત્યારે વૈજ્ઞાનિકોનાં નાકનાં ટેરવાં ચડી જાય તો એ યોગ્ય નથી. આખરે રાજકીય શાસકો અને દેશપ્રેમી નાગરિક તરીકે વૈજ્ઞાનિકોના સહઅસ્તિત્વનો આ મંચ છે. એને વધુ સૌહાર્દપૂર્ણ બનાવવાની જરૂર ખરી.
વૈજ્ઞાનિકોએ એકદમ એકાંતપરાયણ રહીને પ્રયોગશાળાઓમાં કામ કર્યા કરવું એવું અપેક્ષિત માનનારાઓનો ઘણો મોટો વર્ગ છે, પરંતુ વૈજ્ઞાનિકોની શોધ સમાજના હિત માટે ઉપયોગી થાય નહીં તો એનો અર્થ શો? રાજકીય શાસકોને એનાથી પરિચિત કરાવવાની જરૂર ખરી. જુલાઈ ૧૯૩૨થી ચાલતા ‘કરન્ટ સાયન્સ’માં સરદાર પટેલ કે પંડિત નેહરુને અંજલિ આપવાથી દૂર રહેનારા વૈજ્ઞાનિકો માત્ર મહાત્મા ગાંધીને ફેબ્રુઆરી ૧૯૪૮ના અંકમાં અંજલિ અર્પવા પૂરતું પોતાનું દાયિત્વ સીમિત રાખે ત્યારે કશુંક ચૂકી રહ્યા છે એની અનુભૂતિ તેમને જરૂર થવી ઘટે.

સાયન્સ કોંગ્રેસ, સંસ્કૃત અને પ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.