હવે ડાયાબિટિકને વારંવાર ઇન્સ્યુલીનની જરૂર નહીં પડે

વોશિંગ્ટનઃ હવે ટૂંક સમયમાં ડાયબિટીસના દર્દીઓને વારંવાર ઇન્સ્યુલીન લેવાની ઝંઝટમાંથી છૂટકારો મળે તેવી શક્યતા છે. પ્રાણીઓ ઉપર સામાન્ય ચામડીના કોષોને ઇન્સ્યુલિન પેદા કરતાં પેન્ક્રિયાસ સેલમાં તબદીલ કરવામાં સંશોધકોને સફળતા મળી છે.
અમેરિકામાં ગ્લેડસ્ટોન ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ પ્રાણીઓ ઉપર સંશોધન કરીને ટાઇપ-૧ પ્રકારના ડાયાબિટીસમાં નાશ પામતા કોષોની પૂર્તિ કરે તેવું એક મોડલ વિકસાવ્યું છે. સામાન્ય રીતે ટાઇપ-૧ પ્રકારનો ડાયાબિટીસ સ્વાદુપિંડમાં રહેલા બિટાસેલ્સ નાશ પામવાના કારણે થાય છે, જે ઇન્સ્યુલીન માટે જરૂરી હોર્મોન્સ પેદા કરે છે. આ ઇન્સ્યુલીનની ઊણપ હોય તો શરીરના અંગોને લોહીમાંથી સુગર શોષવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. સુગરના સ્તર ઉપર નજર રાખીને અને તે મુજબ ઇન્સ્યુલીન આપીને આવા દર્દીની સારવાર કરવામાં આવે છે.
