‘ગુજરાત સમાચાર-એશિયન વોઇસ’ અને ‘સંપદ’ ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમ દ્વારા કોચરબ આશ્રમની પુનઃ પ્રાણપ્રતિષ્ઠામાં સંગીન અનુદાન

‘ગુજરાત સમાચાર-એશિયન વોઇસ’ અન

(ડાબેથી) વિષ્ણુભાઈ પંડ્યા, ડો. બળવંત જાની, પિયાલી રે, જસ્ટીસ સુબોધચંદ્ર શાહ, ડો. અનામિક શાહ, લોર્ડ ધોળકિયા, સી. બી. પટેલ અને વરિષ્ઠ પત્રકાર ભુપતભાઈ પારેખ

અમદાવાદઃ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ તેમ જ સંપદ (સાઉથ એશિયન આર્ટસ ઓર્ગેનાઇઝેશન)ના ઉપક્રમે ‘ઇન્સ્પાર્ડ બાય ગાંધી’ વિષય ઓનલાઇન નિબંધ લેખન સ્પર્ધાના લોન્ચીંગનો કાર્યક્રમ ૯ જાન્યુઆરીએ શહેરના કોચરબ આશ્રમ ખાતે યોજાયો હતો. મહાત્મા ગાંધીના ભારત પરત ફરવાના ૧૦૦ વર્ષની ઉજવણી થઇ રહી છે ત્યારે આ સ્પર્ધા યોજીને ઉપરોક્ત સંસ્થાઓ દ્વારા ગાંધીજીને અનોખી શ્રદ્ધાંજલિ આપવાનો એક વિશેષ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ‘સંપદ’ સંસ્થાનાં ભારતીય મૂળના ડિરેક્ટર સુશ્રી પિઆલી રે OBE, ઘણા વર્ષોથી યુકે અને વિદેશમાં સક્રિય છે. ગાંધીજી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં સ્થાનિક ઉપરાંત દેશવિદેશના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 

કાર્યક્રમની શરૂઆત ગાયિકા માયા દીપકે પ્રાર્થના અને ગાંધી ગીતો સાથે કરી હતી. તેમને તબલા ઉપર રીતેશ ઉપાધ્યાયએ સાથ આપ્યો હતો.
‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ના પ્રકાશક-તંત્રી સી.બી. પટેલે આમંત્રિતોને આવકારીને ૯ જાન્યુઆરી ૧૯૧૫ના રોજ ગાંધીજીના સ્વેશાગમનનું મહત્ત્વ અને કોચરબ આશ્રમની પવિત્રતા તથા ઐતિહાસિક ગરિમા સમજાવીને આ નિબંધ સ્પર્ધા વિષે છણાવટ કરી હતી. આંતરરાષ્ટ્રીય કક્ષાની આ લેખન સ્પર્ધા સવિશેષ ઊભરતા લેખકો માટે છે. સ્પર્ધાના આયોજક પિયાલી રેએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ‘સંપદ’ની સ્થાપના બર્મિંગહામમાં વર્ષ ૧૯૯૦માં થઇ હતી. અગાઉ રવિન્દ્રનાથ ટાગોર અંગે આવી નિબંધ લેખન સ્પર્ધા યોજાઇ હતી. આ સંસ્થાનું કાર્ય સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને સમાજમાં સંયોજન કરવાનું કરવાનું છે. આજના સમયમાં ગાંધીજીના વિચારોનું ખૂબ જ મહત્ત્વ છે. અગાઉ પણ રવિન્દ્રનાથ ટાગોર અંગે યોજાયેલી આવી સ્પર્ધાને ઘણો સારો પ્રતિસાદ મળ્યો હતો. ગાંધીજી અંગેની આ સ્પર્ધામાં જે વિચારો વ્યક્ત થશે તેને પુસ્તક સ્વરૂપે પણ પ્રકાશિત કરાશે.
જાણીતા કટાર લેખક અને ઇતિહાસકાર વિષ્ણુભાઇ પંડ્યાએ આ નિમિત્તે મહાત્મા ગાંધીના જીવનના સાત તબક્કામાં કોચરબ આશ્રમના મહત્ત્વનો મર્મ સમજાવ્યો હતો.
યુકેવાસી લોર્ડ નવનીત ધોળકિયાની આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ જગ્યાએ તેમને અલગ અનુભૂતિ થઇ રહી છે. તેમણે લંડનમાં પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે ગાંધીજીની પ્રતિમા સ્થાપવા માટે થઇ રહેલા પ્રયાસોની માહિતી આપી હતી. આ ઉપરાંત તેમણે ગાંધીજીના સિદ્ધાંતો થકી વિશ્વની વિવિધ સમસ્યાઓનું નિરાકરણ આવશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને પોતાને ભારતીય મૂળના હોવાનું ગૌરવ હોવાનું જણાવ્યું હતું.
ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ અને જાણીતા શિક્ષણશાસ્ત્રી ડો. સી. એલ. પટેલે પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, ગાંધીજી વિશેની ઓનલાઇન લેખન સ્પર્ધાના આ નમ્ર પ્રયાસને બિરદાવું છું અને અમે પણ આવો પ્રયાસ કરીશું.
ગુજરાત હાઇ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધિશ સુબોધચંદ્ર શાહે કહ્યું હતું કે, ગાંધીજીના સિદ્ધાંતો મુજબ ગુનાને સહન કરવો એ અન્યાય છે અને ગુનાને છાવરવો એ વધુ ગંભીર ગુનો છે. તેમણે ગાંધીજીના બેરિસ્ટર તરીકેના સિદ્ધાંતો યાદ કરીને તેને પોતાના અંગત જીવનમાં સાત પેઢીથી વકીલાતના વ્યવસાયમાં આચરણમાં મુક્યા હોવાનું જણાવ્યું હતું.
વિદ્યાપીઠના નવનિયુક્ત કુલનાયક (વાઇસ ચાન્સેલર) ડો. અનામિક શાહે કાર્યક્રમના અધ્યક્ષ પદે વિદ્યાપીઠની અનેક વિશેષતા જણાવીને કાશ્મીર પૂર હોનારતમાં વિદ્યાપીઠના ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓએ કરેલા રાહત કાર્યોની વિગતો આપી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, આ આશ્રમ અગાઉ સત્યાગ્રહ આશ્રમ તરીકે જાણીતો હતો. બાદમાં ગાંધીજીના કાર્યોનું કેન્દ્રબિંદુ સાબરમતી આશ્રમ ખસેડાયું હતું. વિદ્યાપીઠ દ્વારા આ કોચરબ આશ્રમનું નવીનીકરણ કરવાનું આયોજન છે. આ કાર્યક્રમ થકી આશ્રમની પુનઃ પ્રાણપ્રતિષ્ઠામાં સંગીન અને શુભ પ્રારંભ થયેલ છે. ડો. શાહ તથા સી. બી. પટેલે આશ્રમના વ્યવસ્થાપક રમેશભાઇ ત્રિવેદી તથા તેમના સાથીઓને આ કાર્યક્રમમાં યોગ્ય વ્યવસ્થા બદલ તથા સ્મારકની સુંદર જાળવણી માટે અભિનંદન પાઠવ્યા હતા. સ્પર્ધાની વધુ માહિતી માટે ઇમેઇલ [email protected] અથવા www. sampad.org. ukની મુલાકાત લેવી.

‘ગુજરાત સમાચાર-એશિયન વોઇસ’ અન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.