હેનોવરમાં પત્નીની હત્યા કરી ભદ્રેશ પટેલ ફરાર

હેનોવરમાં પત્નીની હત્યા કરી ભદ્રેશ પટેલ ફરાર

અમદાવાદ, હેનોવર (યુએસ): અમદાવાદના વતની અને છેલ્લા લાંબા સમયથી યુએસના હેનોવરમાં સ્થાયી થયેલા ભદ્રેશ પટેલે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને પત્નીની હત્યા કરી નાખતા ભારતીય સમુદાયમાં સનસનાટી મચી ગઈ છે.

અમદાવાદ, હેનોવર (યુએસ): અમદાવાદના વતની અને છેલ્લા લાંબા સમયથી યુએસના હેનોવરમાં સ્થાયી થયેલા ભદ્રેશ પટેલે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને પત્નીની હત્યા કરી નાખતા ભારતીય સમુદાયમાં સનસનાટી મચી ગઈ છે. ભદ્રેશ અને તેની પત્ની બન્ને ડંકીન ડોનટ સ્ટોરમાં સાથે જ કામ કરતા હતા. જોબના સ્થળે જ પત્નીની હત્યા કર્યા બાદ નાસતાફરતા ભદ્રેશને ઝડપી લેવા સ્થાનિક પોલીસે ઘનિષ્ટ તપાસ હાથ ધરી છે.
અહેવાલ અનુસાર, અમદાવાદના નવા વાડજમાં રહેતી પલક પટેલના લગ્ન રાણીપમાં રહેતા ભદ્રેશ પટેલ સાથે થયા હતા. થોડા સમય બાદ પલક અને ભદ્રેશ અમેરિકામાં સ્થાયી થયા હતા. જોકે, કેટલાક મુદ્દે મતભેદ સર્જાતા બન્ને વચ્ચે છેલ્લા લાંબા સમયથી ઝઘડા ચાલતા હતા. ભદ્રેશને તેના માતા-પિતાએ સમજાવવાનો પ્રયાય કર્યો હતો, પણ તેમના પ્રયાસ નિરર્થક સાબિત થયા હતા.
ભદ્રેશ અને પલક બન્ને ડંકીન ડોનટ્સ સ્ટોરમાં કામ કરતા હતા. રવિવારે રાત્રે પલક જોબ ઉપર હતી ત્યારે ભદ્રેશ ત્યાં ધસી ગયો હતો અને પલક ઉપર હુમલો કર્યો હતો. ભદ્રેશે કરેલા હિચકારા હુમલાથી લોહીલુહાણ થઇ ગયેલી પલકે ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લીધા હતા.
તપાસનીશ પોલીસ અધિકારી જસ્ટિનને ટાંકીને અહેવાલમાં જણાવાયું હતું કે 'અમે આ ઘટનાને ઘરેલુ હિંસા માનીએ છીએ. આ ઘટના આકસ્મિક હોવાનું જણાતું નથી. તેઓ બન્ને પતિ-પત્ની હતા અને આ વિસ્તારમાં રહેતા હતા.'
કોઇ કસ્ટમરે પોલીસને કોલ કરીને જણાવ્યું હતું કે ડંકીન ડોનટ્સ સ્ટોરમાં કોઇ કર્મચારી હાજર નથી. જસ્ટિને કહ્યું હતું કે આ કોલ બાદ સ્થાનિક વિસ્તારમાં કાર્યરત અમારા અધિકારી ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યાં પીડિતા (પલક) મળી આવી હતી.
પોલીસે હાલ ભાગેડુ ભદ્રેશનો પતો મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી પકડાયા બાદ તેણે ક્યા હથિયારથી હુમલો કર્યો હતો તે જાણવા મળશે. અત્યારે તો તેમણે ભદ્રેશને સત્વરે ઝડપી લેવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. પોલીસે ઉમેર્યું હતું કે, ભદ્રેશ પટેલ પર ફર્સ્ટ અને સેકન્ડ ડિગ્રીના મર્ડરના આરોપ મૂકાયા છે.
દરમિયાન, સ્થાનિક મેટ્રો ક્રાઈમ સ્ટોપર્સ દ્વારા આરોપી ભદ્રેશ પટેલનો પતો આપનારા વ્યક્તિ માટે બે હજાર ડોલરનું ઇનામ જાહેર કરાયું છે.
અમદાવાદમાં અંતિમક્રિયા
પલકના અમદાવાદમાં વસતાં પરિવારજનોના જણાવ્યા પ્રમાણે પલકની અંતિમક્રિયા અમદાવાદમાં કરાશે. પલકના મૃતદેહને અમદાવાદ લાવવા માટે તેના માતા-પિતા અમેરિકા જઇ રહ્યા છે. પલકના પરિવારજનોએ સોમવારે ભદ્રેશના રાણીપ સ્થિત નિવાસસ્થાને તપાસ કરતા ભદ્રેશના પરિવારજનો મકાન બંધ કરીને નાસી છૂટ્યા હોવાનુ જાણવા મળ્યું હતું.
પિતાની તબયિત કથળી
જમાઇ ભદ્રેશે પોતાની વ્હાલસોયી પુત્રીને રહેંસી નાંખ્યાના સમાચાર મળતા જ પલકના પરિવારજનો પડી ભાંગ્યા હતા. પુત્રીની હત્યાથી આઘાત પામેલા પિતાની તબિયત કથળી ગઇ છે. અહેવાલ અનુસાર, પલકના માતા-પિતા હજુ ગયા મહિને જ હેનોવર ગયા હતા અને ત્યાં એક સપ્તાહ રોકાઇને પરત આવ્યા હતા. પુત્રીને મળીને અમદાવાદ પરત આવ્યાના એક જ સપ્તાહમાં આવા ગોઝારા સમાચાર મળતાં પિતાની હાલત કથળી હોવાનું મૃતક પલકના ભાઈ સાગરને ટાંકીને અખબારમાં જણાવાયું હતું.

હેનોવરમાં પત્નીની હત્યા કરી ભદ્રેશ પટેલ ફરાર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.