અમરનાથ યાત્રાએ ગયેલા યાત્રીનું ઘોડા પરથી પડતા મોત
અમરનાથ યાત્રાએ ગયેલા આણંદના એક વૃદ્ધ યાત્રીનું ઘોડા પરથી પડી જતાં મોત થયું છે.
આણંદઃ અમરનાથ યાત્રાએ ગયેલા આણંદના એક વૃદ્ધ યાત્રીનું ઘોડા પરથી પડી જતાં મોત થયું છે. અમરનાથ યાત્રાનો પ્રારંભ ૨ જુલાઈથી થયો છે અને વડોદરાની સંસ્થા દ્વારા જમ્મુ અને ચંદનવાડી ખાતે ભંડારા પણ ચલાવવામાં આવી રહ્યા છે. અમરનાથ યાત્રીઓના એક જથ્થામાં આણંદના ૩૦ યાત્રીઓ પણ સામેલ હતા. જેમાં આણંદના કોટવાળા દરવાજા વિસ્તારમાં રહેતા અને નિવૃત જીવન ગાળતા ૬૫ વર્ષીય નરેન્દ્રભાઈ પટેલ પણ હતા. નરેન્દ્રભાઈ આઠેક વર્ષથી યાત્રાએ જતા હતા. વડોદરાની મા શિવાની રંગ અમરનાથ સંસ્થાના સંચાલક મિલીન્દ વૈદ્યે આ અંગે જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ યાત્રીઓ સાથે આગળ વધી રહ્યા હતા તેઓ ઘોડા ઉપર સવાર હતા ત્યારે શેષનાગ પાસે ઘોડા પરથી પડી જતાં માથામાં ઈજા થઈ હતી. તેમને સારવાર મળે તે પહેલાં જ તેમનું મૃત્યુ થયું હતું.
સંતરામ મંદિરના સંતનું નદીમાં પગ લપસતા મોતઃ નડિયાદ ખાતેના સંતરામ મંદિરના સંત પૂ. બાલમુકુંદદાસજીનો મૃતદેહ ૮ જુલાઇએ બુધવારે બપોરે નર્મદા નદીમાંથી મળી આવ્યો હતો. સ્થળ પર પહોંચેલા સંતરામ મંદિરના સંતોની હાજરીમાં જ શાસ્ત્રોકત વિધિથી તેમના દેહને ગણેશ મંદિર નજીક જળ સમાધી આપવામાં આવી હતી. ૭ જુલાઇએ બપોરે શિનોર પાસેથી પસાર થતી નર્મદા નદીના રામજી મંદિર નજીકના ઘાટ પાસે પૂ. બાલમુકુંદદાસજી સ્નાન કરવા માટે ગયા હતા. જ્યાં એકદમ તેમનો પગ લપસી જતાં તેઓ ૩૫ ફૂટ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. મોડી રાત સુધી તેમનો પતો લાગ્યો ન્હોતો. દરમિયાન બીજા દિવસે તેમનો દેહ પાણીમાં તરતો મળી આવ્યો હતો. એટલે તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. અને ગણેશમંદિરના કિનારે જ તેમને પૂનઃ જળસમાધી આપવામાં આવી હતી.
અમૂલ પશુપાલકોને રૂ. ૧૭૦ કરોડ બોનસ ચૂકવશેઃ ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાક સંઘ લિ. (અમૂલ ડેરી)માં ૯ જુલાઇએ ખાસ સાધારણ સભા યોજાઇ હતી. જેમાં સંઘની ૧૦૭૧ ગ્રામ્ય વિસ્તારની દૂધ મંડળીઓના પશુપાલકોને ભાવફેરની રકમ પેટે રૂ. ૧૭૦ કરોડ ચૂકવવાનું નક્કી થયું હતું. અમૂલ ડેરીનું વર્ષ ૨૦૧૪-૧૫નું ટર્નઓવર રૂ. ૪,૧૪૨ કરોડે પહોંચ્યું છે. જે ગત વર્ષની સરખામણીમાં ૨૦.૩૭ ટકા વધુ છે.
ચાંગ ઝી અને વડોદરા ટ્વિન સિટી બનશેઃ વડોદરા અને ચીનના ચાંગ ઝી ટ્વિન સિટી તરીકે વિકાસ પામશે. મુંબઈ ખાતે વડોદરાને ચાંગ ઝી હૂઈને સિસ્ટર સિટી તરીકે વિક્સાવવા થયેલા સમજૂતી કરાર બાદ હવે બંને પ્રાતો વચ્ચે આગામી સમયમાં વધુ સહયોગ થશે.
ભરૂચની ક્લીનાથોનને લિમ્કા બુકમાં સ્થાનઃ ભરૂચ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે થોડા સમય પહેલા યોજાયેલી ક્લીનાથોનને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. શહેરના ૧૪ વોર્ડમાં ૧૮,૬૦૦ લોકોએ એક સાથે ૪ કલાક સુધી સફાઈ કરી હતી. તે બાબતની લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધ લેવાઇ છે.
