અનામત જોઈએ છે, વર્ગ વિગ્રહ નહીં
પાટીદાર અનામત આંદોલન દરમિયાન પોલીસ, ઓબીસી અને પાટીદાર સમાજ વચ્ચે ઊભી થયેલી તંગદિલીને કારણે પાટીદાર સમાજના રાજકીય, સામાજિક અને ઔદ્યોગિક આગેવાનોએ અમદાવાદના સરદાર પટેલ સ્મારક ભવન ખાતે એક બેઠક યોજી હતી.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન દરમિયાન પોલીસ, ઓબીસી અને પાટીદાર સમાજ વચ્ચે ઊભી થયેલી તંગદિલીને કારણે પાટીદાર સમાજના રાજકીય, સામાજિક અને ઔદ્યોગિક આગેવાનોએ અમદાવાદના સરદાર પટેલ સ્મારક ભવન ખાતે એક બેઠક યોજી હતી. પાટીદાર સંકલન સમિતિના નેજા હેઠળ યોજાયેલી આ બેઠકમાં ઊમિયા માતાજી સંસ્થાન ઊંઝા અને સીદસર, ખોડલધામ અને સરદારધામ જેવી ચાર મુખ્ય સંસ્થાઓ ઉપરાંત સુરત પાટીદાર સમાજે ભાગ લીધો હતો. આ બેઠકમાં મુખ્યત્વે પોલીસ દ્વારા પાટીદારો પર થયેલા દમનનો મુદ્દો અગ્રસ્થાને રહ્યો હતો. બેઠકના અંતે જાણીતા ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર્તા સુરતના પદ્મશ્રી મથુરભાઇ સવાણીએ જણાવ્યું હતું કે, બેઠકમાં ખોટા કેસ હેઠળ ફસાવાયેલા પાટીદારોને તાત્કાલિક છોડાવવામાં માટે જે જરૂરી પગલાં લેવાના છે તેના પર ભાર મુકવામાં આવ્યો છે. પાટીદાર યુવાનો સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરીને વાતાવરણ ન ડહોળે તે માટે તાલુકા સ્તરે ગ્રૂપ મિટિંગ યોજીને સમજાવાશે. આ બેઠકમાં તમામ લોકોએ એક અવાજે અનામત લડતને ટેકો આપ્યો છે પરંતુ તેના કારણે વર્ગ વિગ્રહ ન થાય તે ખાસ જોવું જરૂરી છે. તેથી પાટીદારો અનામત માગે છે પરંતુ ઓબીસી સમાજના ક્વોટામાંથી નથી માગતા એ આંદોલન દરમિયાન સ્પષ્ટ કરવાનો નિર્ણય થયો છે.
માર્ગદર્શક કમિટી દ્વારા આંદોલન ચાલશેઃ પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક પટેલ અને લાલજી પટેલ વચ્ચે મતભેદ ઊભો થયો હોવાની અને તેને કારણે આંદોલન નબળું પડ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. પરંતુ અમદાવાદના ઊમિયા કેમ્પસ ખાતે પાટીદાર પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત ચિંતન શિબિરમાં હાર્દિક અને લાલજી પટેલે એક જ મંચ પરથી તેમની વચ્ચે કોઈ મતભેદ ન હોવાનું જાહેર કરીને આંદોલનના મુદ્દે એકબીજાની સાથે હોવાનું સ્પષ્ટ કર્યું છે. આ ઉપરાંત આંદોલન માટે એક માર્ગદર્શક કમિટીની રચના કરી તેના નિર્દેશ હેઠળ આગળ વધવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. આ કમિટીમાં ડો. જીતુ પટેલ અને ભીખુભાઈ પટેલ ઉપરાંત અન્ય બુદ્ધિજીવી પાટીદારોનો સમાવેશ કરાશે.
