નેતાઓનો વાણીવિલાસ અને જવાનોની શૂરવીરતા

પૂર્વોત્તર ભારતને દેશના આઝાદી કાળથી ધમરોળતા અલગતાવાદીઓને કચડી નાખવા ઇંડિયન આર્મીએ હાથ ધરેલા ઓપરેશને દેશમાં ‘મિશ્ર’ પ્રતિભાવો જન્માવ્યા છે. એક તરફ આ કમાન્ડો કાર્યવાહીથી આમ ભારતીયની છાતી ગજગજ ફૂલી રહી છે ને બીજી તરફ, આ જ કાર્યવાહી સામે કેટલાક રાજકીય નેતાઓ ગળા ફૂલાવી રહ્યા છે. જેટલા નેતા છે તેનાથી પણ વધુ સવાલો છેઃ ઓપરેશન ક્યાં થયું - ભારતની હદમાં થયું કે મ્યાંમારમાં? કેટલા આતંકવાદી માર્યા? સરકાર કમાન્ડો કાર્યવાહીના બણગાં ફૂંકે છે તો પાકિસ્તાન સામે કેમ ચૂપ છે? તાકાત હોય તો પાકિસ્તાનથી દાઉદ અને આતંકી હાફિઝ સઇદને ઉઠાવી લાવોને?

પૂર્વોત્તર ભારતને દેશના આઝાદી કાળથી ધમરોળતા અલગતાવાદીઓને કચડી નાખવા ઇંડિયન આર્મીએ હાથ ધરેલા ઓપરેશને દેશમાં ‘મિશ્ર’ પ્રતિભાવો જન્માવ્યા છે. એક તરફ આ કમાન્ડો કાર્યવાહીથી આમ ભારતીયની છાતી ગજગજ ફૂલી રહી છે ને બીજી તરફ, આ જ કાર્યવાહી સામે કેટલાક રાજકીય નેતાઓ ગળા ફૂલાવી રહ્યા છે. જેટલા નેતા છે તેનાથી પણ વધુ સવાલો છેઃ ઓપરેશન ક્યાં થયું - ભારતની હદમાં થયું કે મ્યાંમારમાં? કેટલા આતંકવાદી માર્યા? સરકાર કમાન્ડો કાર્યવાહીના બણગાં ફૂંકે છે તો પાકિસ્તાન સામે કેમ ચૂપ છે? તાકાત હોય તો પાકિસ્તાનથી દાઉદ અને આતંકી હાફિઝ સઇદને ઉઠાવી લાવોને?
એક તો ભારતમાં નેતાઓની ખોટ નથી, અને એમાં પણ આ તો નરેન્દ્ર મોદી અને તેમની સરકાર ઉપર માછલાં ધોવાની વાત. સહુ કોઇ વહેતી ગંગામાં હાથ ધોઇ રહ્યા છે. રાષ્ટ્રહિતના મુદ્દાને કઇ રીતે ચૂંથવો તે આખી દુનિયાએ ભારતના વિપક્ષ પાસેથી શીખવા જેવું છે. સર્વાંગી દૃષ્ટિકોણ અને પૂરેપૂરી તટસ્થતા સાથે મૂલવશો તો - મારા અને તમારા જેવા આમ આદમીને પણ સમજાય છે કે - મણિપુર-મ્યાંમાર સરહદી ક્ષેત્રમાં આતંકવાદીઓ સામે હાથ ધરાયેલી કમાન્ડો કાર્યવાહી સંપૂર્ણપણે રાષ્ટ્રહિતમાં હતી. છતાં વિપક્ષની પાટલીએ બેસતા એકે ય નેતાએ સમ ખાવા પૂરતું નિવેદન નથી કર્યું કે આર્મીનું આ ક્વીક ઓપરેશન પ્રશંસનીય હતું, ભારતના સાર્વભૌમત્વને પડકારનાર તત્વોને આવો જ જડબાતોડ જવાબ આપવો જોઇએ. એક પણ વિરોધ પક્ષે સરકારને એવું નથી કહ્યું કે ભવિષ્યમાં જરૂર પડે તો આથી પણ આકરું લશ્કરી પગલું લેતાં ખચકાતા નહીં, અમારું તમને સમર્થન છે. કેમ કોઇએ આવું નથી કહ્યું? કેમ કે આ ભારત છે, અહીં સરકારને ભૂલેચૂકેય લાભ ન થઇ જાય તે માટે રાજકારણીઓ સુરક્ષા દળોનો જુસ્સો તોડતાં પણ ખચકાતા નથી.
વીતેલા સપ્તાહે કાશ્મીરમાં અલગતાવાદીઓએ આઇએસ (ઇસ્માલિક સ્ટેટ)ના વાવટા ફરકાવ્યા તો વિપક્ષનું નિવેદન શું હતું? બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર બોલ્યા કે મોદીએ અહીં ૫૬ ઇંચની છાતી દેખાડવી જોઇએ... વિપક્ષની અપેક્ષા અસ્થાને નથી, રાષ્ટ્રીય એકતા સામે માથું ઊંચકનાર સાપને પગ તળે કચડી જ નાખવાના હોય. પરંતુ જો તમારા હૈયે દેશની આટલી જ ચિંતા હોય તો નિવેદનબાજીના બદલે રાષ્ટ્રપતિને રૂબરૂ જઇને મળીને ચિંતા વ્યક્ત કરો ને સરકાર પર દબાણ લાવવા પ્રયાસ કરો. સંસદમાં પણ સરકારને ભીંસમાં લઇ શકો છો. વિરોધ પક્ષે નક્કી કરી લેવાની જરૂર છે કે સરકારને વખોડતું જાહેર નિવેદન કરીને ત્રાસવાદીઓને પાનો ચઢાવવો કે પછી અલગતાવાદીઓ સામે ખરેખર પગલાં લેવાય તે માટે સરકારને ફરજ પાડવી. મોદીની ટીકા કરવાની લાયમાં વિરોધ પક્ષ ભારતીય સુરક્ષા દળોના જુસ્સાનું અવમૂલ્યન કરી રહ્યા છે.
જોકે નેતાઓ ગમેતેટલી નિવેદનબાજી કરે, મ્યાંમારની આંતરરાષ્ટ્રીય સીમામાં ઘૂસીને આપણા સૈનિકોએ જે પ્રકારે આતંકવાદીઓ અને કેમ્પનો ખાત્મો કર્યો છે તે ઇંડિયન આર્મીના ઇતિહાસની ઊજળી કામગીરી જ ગણાશે. સ્વતંત્રતા પછી પ્રથમ વખત આવાં સૈન્ય ઓપરેશનથી ભારતે આતંકવાદી જૂથોને કડક સંદેશ આપ્યો છે તો ઇંડિયન આર્મીએ ફરી એક વખત તેની શ્રેષ્ઠતા પુરવાર કરી છે. ભૂતકાળમાં પણ આપણા લશ્કરે વીરગાથાઓ રચી જ છે. તેમાં પછી બાંગ્લાદેશનો મુક્તિસંગ્રામ હોય કે કારગિલ યુદ્ધ. સેનાનો આ જ તો ધર્મ છે - દેશના દુશ્મનોને ભોંયમાં ભંડારી દેવાનો.
સૈનિકો અને દેશવાસીઓનું સર્વોચ્ચ હિત જાળવવા અને મનોબળ ઊંચું રાખવા આ કાર્યવાહી અનિવાર્ય પણ હતી. પૂર્વોત્તરનાં અલગતાવાદી જૂથોને સતત દબાણમાં રાખવાની જરૂર છે. આ જ રીતે દેશના જુદા જુદા ભાગોમાં સક્રિય તમામ અલગતાવાદી જૂથોને સ્પષ્ટ સંદેશ આપવાની આવશ્યકતા છે કે તેઓ બંદૂકની નાળે પોતાનું ધાર્યું કરી શકશે નહીં, સમસ્યાના ઉકેલનો માર્ગ માત્ર અને માત્ર મંત્રણા જ છે. જો તેઓ મંત્રણાના મેજ પર આવવા ન માગતા હોય તો તેમને લોખંડી હાથે કચડી નાખવા જ રહ્યા. પછી તે ઇશાન ભારતના અલગતાવાદી હોય, કાશ્મીરમાં સક્રિય કટ્ટરવાદી હોય કે છત્તીસગઢ, બિહારમાં સક્રિય નક્સલી હોય. નક્સલવાદીઓને ‘માર્ગ ભૂલેલા લોકો’ ગણાવાય છે, પણ આપણે ભૂલવું ન જોઇએ કે નક્સલી હિંસા આતંકી હુમલા કરતાં વધુ માનવજિંદગી ભરખી ગઇ છે. છેલ્લા ૩૫ વર્ષમાં ૧૫ હજારથી વધુ લોકો નક્સલી હિંસામાં માર્યા ગયા છે. દેશની સુખ-શાંતિ ડહોળનારાઓ પ્રત્યે કોઇ દયાભાવના હોય શકે નહીં.
અને આવા તત્વોને નાથવા હશે તો સુરક્ષા દળોના જોમ-જુસ્સાને દૃઢ રાજકીય ઇચ્છાશક્તિનું નક્કર સમર્થન આપવું પડશે. આપણે સહુ જાણીએ છે કે ભારત-ચીન યુદ્ધ હોય કે કારગિલમાં ખેલાયેલું ભારત-પાક. યુદ્ધ, આપણી પીછેહઠમાં નબળી રાજકીય નેતાગીરી અને કમજોર ઇચ્છાશક્તિએ બહુ મોટી ભૂમિકા ભજવી છે. શત્રુ જ્યારે દેશની સીમામાં ઘૂસી જાય ત્યારે જ સેનાને આગળ વધવાના આદેશો અપાય તેનો અર્થ ખરો? અને આવા વિપરિત સંજોગો છતાં ભારતીય લશ્કર અસાધારણ પરાક્રમ દાખવીને દુશ્મનને જડબાતોડ જવાબ તો આપે જ છે, પરંતુ આમાં જાનમાલની ભારે ખુવારી વેઠવી પડે છે. સમયોચિત નિર્ણય થકી આ ખુવારી ટાળવી શક્ય છે.
ભારતીય નેતૃત્વે યાદ રાખવું રહ્યું કે દેશ ગમે તેટલો વિકાસ, આર્થિક મજબૂતી હાંસલ કરે, પણ જો તે રાષ્ટ્રહિત સામે પડકાર ઉભો કરનારા તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ નહીં અપનાવે તો વિકાસ, આર્થિક પ્રગતિનો કોઇ મતલબ નથી. રાષ્ટ્રીય સ્વાભિમાનથી સર્વોચ્ચ કંઇ હોય શકે નહીં.

નેતાઓનો વાણીવિલાસ અને જવાનોની શૂરવીરતા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.