કાળાં નાણાંઃ સરકારે ગૂંચવાડો દૂર કરવો પડશે

દિલ્હી વિધાનસભા ચૂંટણીજંગના અણધાર્યા પરિણામોની ઉથલપાથલ વચ્ચે ભારતમાં મહત્ત્વના સમાચાર હાંસિયામાં ધકેલાઇ ગયા છે. એચએસબીસી બેન્કની સ્વિટ્ઝર્લેન્ડ સહિત વિવિધ દેશોમાં આવેલી શાખાઓમાં ખાતા ધરાવતા લોકોના નામોની નવી યાદીમાં ૧૧૯૫ ભારતીયોના નામ છે. 

દિલ્હી વિધાનસભા ચૂંટણીજંગના અણધાર્યા પરિણામોની ઉથલપાથલ વચ્ચે ભારતમાં મહત્ત્વના સમાચાર હાંસિયામાં ધકેલાઇ ગયા છે. એચએસબીસી બેન્કની સ્વિટ્ઝર્લેન્ડ સહિત વિવિધ દેશોમાં આવેલી શાખાઓમાં ખાતા ધરાવતા લોકોના નામોની નવી યાદીમાં ૧૧૯૫ ભારતીયોના નામ છે. ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ (આઇસીઆઇજે) દ્વારા જાહેર આ ગુપ્ત દસ્તાવેજોમાં ૨૦૦થી વધુ દેશોના ખાતેદારોના નામ છે. અને દસ્તાવેજોમાં થયેલા દાવાને સાચો માનીએ તો ૨૦૦૬-૦૭માં એચએસબીસી બેન્કની દેશ-વિદેશની વિવિધ શાખાઓમાં આ ખાતેદારોનું ૧૦૦ બિલિયન યુએસ ડોલરથી વધુ નાણું જમા હતું. જે ૧૧૯૫ ભારતીયો (આમાં ૩૫ ગુજરાતીઓ પણ ખરા!)ના નામનો યાદીમાં ઉલ્લેખ છે તેમના નામે ૨૫,૪૨૦ કરોડ રૂપિયા જમા હોવાનું જણાવાયું છે. આ યાદીમાં જે ભારતીય નામો જોવા મળે છે તેની સંખ્યા ડિસેમ્બર-૨૦૧૪માં ભારત સરકારે રચેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (‘સીટ’) દ્વારા જાહેર થયેલા નામોથી બમણી છે. ‘સીટ’એ ફ્રાન્સ સરકારનો હવાલો આપીને જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૧માં એસએસબીસી બેન્કમાં ૬૨૮ ભારતીયોનાં ખાતાં હતા.
ગયા વખતની જેમ આ વખતે ય વિદેશી બેન્કોમાં ખાતું ધરાવતાં ભારતીયોના નામ જાહેર થતાં જ કથિત ખાતાધારકો, ભારત સરકાર અને સ્વિટ્ઝર્લેન્ડ સરકાર દ્વારા ધડાધડ નિવેદનબાજી શરૂ થઇ છે. જેમના નામો ખૂલ્યાં છે તેમાંના મોટા ભાગના લોકો પોતાનું આવું કોઇ બેન્ક એકાઉન્ટ હોવાની વાત છાતી ઠોકીને નકારે છે, ભારત સરકાર આવા ખાતેદારોની તપાસ કરાવવાની વાતો કરે છે, અને આ માહિતી જ્યાંથી લીક થઇ છે તે ફ્રાન્સની સરકારે જાહેર કર્યું છે કે આ માહિતી ગેરકાયદે જાહેર થઇ હોવાથી તેઓ આવા ખાતાની તપાસમાં સહકાર આપવા બંધાયેલી નથી. આ બધાં કોકડાં તો ઉકેલાય ત્યારે ખરા અત્યારે તો ભારતીયો ગૂંચવાઇ ગયા છે કે આમાં સાચું કોણ અને ખોટું કોણ. જ્યારે વિરોધ પક્ષને આઇસીઆઇજેના લિસ્ટથી બગાસું પણ ખાધાં વગર પતાસું મળી ગયાનો આનંદ છે. તે લોકો સંસદના આગામી બજેટ સત્રમાં સરકારને ભીડવવાનો તખ્તો ગોઠવી રહ્યા છે.
કાળાં નાણાનો મામલો ભલભલા અર્થશાસ્ત્રીઓને ચકરાવે ચડાવી દે તેવો છે. ભારતમાં વર્ષોથી આ મુદ્દો ચર્ચાનો વિષય બની રહ્યો છે. ચૂંટણી સમયે તો ખાસ. લોકસભાની ગત ચૂંટણીની વાત કરીએ તો ભાજપે આ જ મુદ્દે કોંગ્રેસ અને તેમના સાથી પક્ષોને ભીડવ્યા હતા. ભાજપના સમર્થનમાં ઉતરેલા બાબા રામદેવે તો જાહેર પણ કરી દીધું હતું કે ભાજપની સરકાર વિદેશની બેન્કોમાં જમા કાળું નાણુ એકસો દિવસમાં પાછું લઇ આવશે. આજે બાબા કાળા નાણા મુદ્દે ચૂપ છે, અને આ જ મુદ્દે મનમોહન સિંહ સરકારને ભીડવનાર ભાજપના વર્તમાન શાસકો કાળા નાણાના મુદ્દે કાનૂની ગૂંચવણનો હવાલો આપીને તપાસ ચાલુ હોવાનો રાગ આલાપી રહ્યા છે. સરકાર હજુ એ પણ અંદાજ મેળવી શકી નથી વિદેશની બેન્કોમાં કેટલું કાળું નાણું જમા છે. મોદી સરકારે ભલે લોકોમાં ‘કામ કરતી સરકાર’ તરીકે ઓળખ મેળવી હોય, પણ કાળા નાણા મુદ્દે તેમની ટાળંટોળની નીતિથી લોકોમાં તેમના ઇરાદા વિશે હવે શંકા ઉઠવા લાગી છે. સરકારે તેની સાફસૂથરી ઇમેજ જાળવવી હશે તો કાળા નાણા મુદ્દે ગૂંચવાડો દૂર કરીને લોકો સમક્ષ સાચું ચિત્ર રજૂ કરવું પડશે. જો આમ નહીં થાય તો લોકોનો મૂડ બદલાતાં વાર નહીં લાગે. દિલ્હીના ચૂંટણી પરિણામો આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

કાળાં નાણાંઃ સરકારે ગૂંચવાડો દૂર કરવો પડશે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.