ફ્લોપ યુવરાજને રૂ. ૧૬ કરોડનો જેકપોટ!

ફ્લોપ યુવરાજને રૂ. ૧૬ કરોડનો જેકપોટ!

બેંગાલૂરુઃ ટીમ ઇંડિયાની વન-ડે અને વર્લ્ડ કપ ઇલેવનમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહેલો યુવરાજ સિંહ ભારતીય ક્રિકેટનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. ઇંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આઠમી એપ્રિલથી શરૂ થઇ રહેલી નવી સિઝન માટે દિલ્હી ડેરડેવિલ્સ ટીમે યુવરાજને રૂ. ૧૬ કરોડમાં ખરીદીને ક્રિકેટવિશ્વમાં હલચલ મચાવી દીધી છે.

બેંગાલૂરુઃ ટીમ ઇંડિયાની વન-ડે અને વર્લ્ડ કપ ઇલેવનમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહેલો યુવરાજ સિંહ ભારતીય ક્રિકેટનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. ઇંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આઠમી એપ્રિલથી શરૂ થઇ રહેલી નવી સિઝન માટે દિલ્હી ડેરડેવિલ્સ ટીમે યુવરાજને રૂ. ૧૬ કરોડમાં ખરીદીને ક્રિકેટવિશ્વમાં હલચલ મચાવી દીધી છે. સોમવારે યોજાયેલી હરાજીમાં યુવરાજને ખરીદવા શરૂમાં ચાર ફ્રેન્ચાઈઝીઓ વચ્ચે જબરદસ્ત હોડ જામી હતી. જોકે હરાજીનો આંકડો સાત કરોડ રૂપિયા ઉપર પહોંચ્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી ડેરડેવિલ્સ જ સ્પર્ધામાં રહ્યા હતા.
આઈપીએલની આઠમી સિઝન માટે સોમવારે યોજાયેલી હરાજીમાં અનેક અપસેટ જોવા મળ્યા હતા. ચેતેશ્વર પૂજારા, મહેલા જયવર્દને અને તિલકરત્ને દિલશાન જેવા દિગ્ગજ ખેલાડીઓને કોઈ ખરીદદાર મળ્યા ન હતા તો અજાણ્યા ખેલાડી કેસી કરિયપ્પાને જેકપોટ લાગ્યો હતો. ૨૦ વર્ષીય ઓફ સ્પિનર કરિયપ્પાને હજી સુધી એક પણ ફર્સ્ટ ક્લાસ મેચ રમી નથી. તેમ છતાં કોલકતા નાઈટ રાઈડર્સે ૧૦ લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝ ધરાવતા કરિયપ્પાને રૂ. ૨.૪ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હરાજીનું આ બીજું સૌથી મોટું આશ્ચર્ય હતું.
આઈપીએલ સિઝન-આઠ માટેની હરાજીમાં ૩૪૩ ખેલાડીઓ વેચાણ માટે ઉપલબ્ધ હતા. જેમાંથી ટીમોએ ૮૮ ખેલાડીઓ માટે સરેરાશ ૮૭.૬૦ લાખ રૂપિયા ખર્ચ્યા હતા. ૮૮ ખેલાડીઓમાં ૬૭ ખેલાડીઓ ભારતીય અને ૨૩ વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે.
ખેલાડીઓની હરાજીમાં પંજાબના સહમાલિકો નેસ વાડિયા તથા પ્રીટિ ઝિંટા, મુંબઈ ઇન્ડિયન્સના માલિક નીતા અંબાણી, તેમનો પુત્ર આકાશ અંબાણી, મેન્ટર રિકી પોન્ટિંગ તથા અનિલ કુંબલે, સનરાઇઝર્સ હૈદરાબાદનો મેન્ટર વી. વી. એસ. લક્ષ્મણ, રાજસ્થાન રોયલ્સનો મેન્ટર રાહુલ દ્રવિડ, ચેન્નઈનો કોચ સ્ટિફન ફ્લેમિંગ, બેંગ્લોરના માલિક વિજય માલ્યા ઉપરાંત અન્ય ટીમોના માલિકો અને આઇપીએલના અધિકારીઓ હાજર રહ્યા હતા.
સુપર ફ્લોપનું લેબલ છતાં...
યુવરાજ સિંહને ગઈ સિઝનમાં રૂ. ૧૪ કરોડના વિક્રમજનક ભાવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ખરીદ્યો હતો, પણ તે સુપર ફલોપ રહ્યો હતો. આથી સિઝન પૂરી થતાં જ બેંગ્લોર ટીમના માલિક વિજય માલ્યાએ તેને મુક્ત કર્યો હતો. આ પછી યુવરાજ બે-ત્રણ મેચોને બાદ કરતાં ઘરઆંગણાના ક્રિકેટમાં પણ સાવ નિષ્ફળ રહ્યો હતો. ભારતની ટેસ્ટ ટીમમાં તો તે છેલ્લે હતો જ નહીં, વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં તેને સ્થાન અપાયું નહોતું. ભારતની ટ્વેન્ટી૨૦ની ટીમમાં પણ તે સ્થાન ન મેળવે તેવી તેની રમત રહી છે. આમ નિષ્ફળતાઓ છતાં દિલ્હી ડેરડેવિલ્સે યુવરાજ સિંહમાં રહેલી ઓલરાઉન્ડ પ્રતિભા અને અનુભવમાં ભરપૂર વિશ્વાસ મૂક્યો છે. યુવરાજને આ જંગી રકમ સાથે ખરીદવામાં દિલ્હીના કોચ અને ટીમ મેનેજમેન્ટ વડા સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર ગેરી કર્સ્ટનનો આગ્રહ મહત્વનો પૂરવાર થયો હતો.

તેણે કહ્યું હતું કે ગયા વર્ષે આઈપીએલમાં અમારો દેખાવ સારો નહોતો રહ્યો કેમ કે અમે મેચ-વિનર ખેલાડીઓને ખરીદવામાં કરકસર કરી હતી. આ વખતે અમે વિચાર્યું કે અમે સિદ્ધહસ્ત ખેલાડીઓ માટે કોઈ કસર નહીં છોડીએ. ઉલ્લેખનીય છે કે દિલ્હી ડેરડેવિલ્સ પાસે ખેલાડીઓને ખરીદવા સૌથી વધુ રૂ. ૩૯.૭૫ કરોડનું ભંડોળ હતું. આથી જ તેઓ યુવરાજ ઉપરાંત શ્રીલંકાના મેથ્યુસને રૂ. ૭.૫ કરોડમાં ખરીદી શક્યા હતા.
નસીબ આડેથી પાંદડું હટ્યું
ન્યૂ ઝીલેન્ડના ઝડપી બોલર ટ્રેન્ટ બાઉલ્ટની બેઝ પ્રાઈઝ ૫૦ લાખ રૂપિયા જ હતી. હૈદરાબાદે બાઉલ્ટને પોતાની ટીમમાં સામેલ કરવા માટે રૂ. ૩.૮ કરોડ ખર્ચ્યા હતા. આ ઉપરાંત ભારતના મધ્યમ ઝડપી બોલર પ્રવીણ કુમારને હૈદરાબાદે રૂ. ૨.૨૦ કરોડમાં ખરીદ્યો હતો. આ જ રીતે સીન એબોટ કરોડપતિ બન્યો હતો. ગયા વર્ષે આ જ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલરના બાઉન્સરથી ફિલ હ્યુજીસનું નિધન થયું હતું. એબોટની બેઝ પ્રાઈઝ ૫૦ લાખ રૂપિયા હતી અને બેંગ્લોરે તેને એક કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ઓસ્ટ્રેલિયાના યુવાન બોલર ગુરિન્દર સંધૂની બેઝ પ્રાઈઝ ૩૦ લાખ રૂપિયા હતી, પરંતુ દિલ્હીએ તેને ૧.૭૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
પીટરસન-કાર્તિકને નુકસાન
ભારતીય વિકેટકીપર દિનેશ કાર્તિક ભલે ૧૦.૫ કરોડ રૂપિયા સાથે હરાજીનો બીજો સૌથી મોંઘો ખેલાડી રહ્યો હોય, પરંતુ બેંગ્લોરે કાર્તિકને તેની ગત વર્ષની કિંમત કરતા રૂ. ૧.૫ કરોડ કરતાં ઓછી કિંમતે ખરીદ્યો હતો. ઈંગ્લેન્ડના સ્ટાર ઓલ-રાઉન્ડર કેવિન પીટરસનને પણ નુકસાન ઉઠાવવું પડ્યું હતું. પીટરસનને ગત વર્ષે દિલ્હી ડેરડેવિલ્સે રૂ. ૯ કરોડમાં ખરીદ્યો હતો. જ્યારે આ વખતે હૈદરાબાદે પીટરસનને તેની બેઝ પ્રાઈઝ બે કરોડ રૂપિયામાં જ ખરીદ્યો હતો.
હરાજીના પ્રથમ સત્રમાં ભારતના ઝડપી બોલર ઝહિર ખાન અને ઈરફાન પઠાણને કોઈ ટીમે ખરીદવામાં રસ દાખવ્યો ન હતો. જોકે, દિવસના અંતિમ સત્રમાં ઝહિર ખાનને દિલ્હીએ ચાર કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે ચેન્નઈએ ઈરફાનને ૧.૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
દિગ્ગજોના કોઇ લેવાલ નહીં
હરાજીના પૂલમાં ત્રણ વખત રાખવામાં આવ્યો હોવા છતાં શ્રીલંકાના અનુભવી બેટ્સમેન કુમાર સંગાકરાને એક પણ ખરીદદાર મળ્યો ન હતો. આ ઉપરાંત ભારતના સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને પણ કોઈ ફ્રેન્ચાઈઝીએ ખરીદવામાં રસ દાખવ્યો ન હતો. આ ઉપરાંત શ્રીલંકાના મહેલા જયવર્દને અને તિલકરત્ને દિલશાન પણ વેચાયા વગરના રહ્યા હતા.
આ ખેલાડીઓનું કોઇ લેવાલ નથી
માઇકલ કેરબેરી, મેથ્યુ વેડ, લ્યૂક રોંચી, મોર્ને વાન વિક, કુસલ પરેરા, દિનેશ રામદીન, બ્રેન્ડન ટેલર, માર્લોન સેમ્યુઅલ્સ, વેન પાર્નેલ, પંકજ સિંહ, મુનાફ પટેલ, બેન હિલ્ફેનહૌસ, નાથન લાયન, માઇકલ બીયર, અજંતા મેન્ડિસ, અકિલા ધનંજયા, ડીન એલ્ગર, રિચાર્ડ લેવી, વેણુગોપાલ રાવ, ડ્વેઇન બ્રેવો, લાહિરુ થિરિમાને, અભિનવ મુકુંદ, કેલમ ફર્ગ્યુસન, નાથન મેક્કુલમ્, જીવન મેન્ડિસ, સચિત્ર સેનાનાયકે, જોહાન બોથા, અઝહર મહેમૂદ, રોબિન પીટરસન, ડેવિડ હસ્સી, શેલ્ડન કોટ્રેલ, રવિ રામપોલ, ડગ બોલિંજર, બેન લાફલિન, લક્ષ્મીપતિ બાલાજી, આર. પી. સિંહ, સુરજ રણદિવે, ફરવેઝ મહારુફ, ફરહાન બેહાડ્રિયન, શોન ટૈટ, ડિર્ક નૈનેસ, નુવાન કુલશેખરા.

ફ્લોપ યુવરાજને રૂ. ૧૬ કરોડનો જેકપોટ!
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.