• બ્રિટિશ પરિવારો માટે તેજીનો સમય આવ્યો
બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર માર્ક કાર્નીએ આગાહી કરી છે કે ૨૦૦૧ પછી પહેલી વખત પરિવારોની ખર્ચવાલાયક આવકમાં ઝડપી વધારો થશે અને જીવનધોરણમાં છ વર્ષની પડતીનો અંત આવશે.
બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર માર્ક કાર્નીએ આગાહી કરી છે કે ૨૦૦૧ પછી પહેલી વખત પરિવારોની ખર્ચવાલાયક આવકમાં ઝડપી વધારો થશે અને જીવનધોરણમાં છ વર્ષની પડતીનો અંત આવશે.
પરિવારોની ખર્ચશક્તિ વધવાથી તેઓ આ વર્ષે વધુ ધનવાન થયાનું અનુભવશે. આ વર્ષે સરેરાશ વેતનવૃદ્ધિ બમણી થઈ ૩.૫ ટકાએ પહોંચશે અને ઓઈલ સસ્તું રહેવાથી ફૂગાવો શૂન્ય કે તેની નીચે જશે. આમ પરિવારોના ખિસામાં નાણા વધુ પ્રમાણમાં રહેશે.
• માઈગ્રન્ટ વર્કર્સની લેબર માર્કેટ પર અસર
ડોમેસ્ટિક લેબર માર્કેટ પર માઈગ્રન્ટ વર્કર્સના પ્રવાહે વિષમ અસર ઉપજાવી હોવાનું કેટલાંક સાંસદોએ જણાવ્યું છે. માઈગ્રન્ટ કામદારો વેતનો નીચું લાવવાનું દબાણ સર્જતા હોવાની દલીલ કરી તેમણે બેન્ક ઓફ ઈંગ્લેન્ડ અને યુકે સરકારને પુરાવાઓ ચકાસવા જણાવ્યું હતું. લેબર માર્કેટ પર ઈમિગ્રેશનની લાભકારી અસરો માન્ય રાખવાની સાથોસાથ યુરોપીય યુનિયન અને અન્યત્રથી કામદારોના પ્રવાહે દબાણ ઉભું કર્યું હોવાનું ટ્રેઝરી સીલેક્ટ કમિટી સમક્ષ જણાવાયું હતું.
• હોમ ઓફિસની માઈગ્રેશન માર્ગદર્શિકાની સૌથી વધુ માગ
લંડનની લાઈબ્રેરીઓમાં યુકેમાં સ્થળાંતર કરવા વિશે હોમ ઓફિસની માર્ગદર્શિકાની સૌથી વધુ માગ રહે છે. આ માર્ગદર્શક પુસ્તકમાં યુકેની લોકશાહી અને રીતરિવાજો, પ્રણાલીઓની સમજ ઉપરાંત, મધ્ય યુગથી વર્તમાન યુગ સુધીના ઈતિહાસનો ખ્યાલ પણ અપાયો છે. બ્રિટિશ નાગરિકત્વ પરીક્ષા પસાર કરવા વિશે ‘લાઈફ ઈન ધ યુનાઈટેડ કિંગ્ડમઃ અ ગાઈડ ફોર ન્યુ રેસિડન્ટ્સ’ માર્ગદર્શિકાએ લોકપ્રિય લેખકોને પાછળ રાખી દીધાં છે.
• કેમરને કામદારોનો પગાર વધારવા જણાવ્યુઃ
વડા પ્રધાન ડેવિડ કેમરને બિઝનેસીસને તેમના કર્મચારીઓનું વેતન વધારવા જણાવ્યું છે. તેણે કહ્યું હતું કે ખર્ચા ઘટી રહ્યાં હોવાથી વેપાર કરવો સસ્તો થયો છે અને પેઢીઓ પાસે સ્ટાફને બદલો આપવા માટે રોકડમાં વધારો થયો છે. મતદારોને તેમના વેતન, બેન્ક એકાઉન્ટ અને લાઈફ સ્ટાઈલમાં ફાયદો થતો જણાવો જોઈએ. તેમણે બ્રિટિશ ચેમ્બર ઓફ કોમર્સના વાર્ષિક સમારંભમાં અર્થતંત્રમાં સુધારા માટે બિઝનેસીસની પ્રશંસા પણ કરી હતી.
