ભારત-ચીન સંબંધનો બદલાતો ચહેરો
એશિયાના બે શક્તિશાળી દેશોના વડાઓ મળી રહ્યા હોય ત્યારે વિશ્વભરના રાજનેતાઓની, રાજદ્વારી વિશ્લેષકોની તેના પર બાજનજર હોય એ તો સમજાય તેવું છે, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચીન પ્રવાસ પર તો આમ ભારતીય પણ ચોંપ રાખીને બેઠો હતો.
એશિયાના બે શક્તિશાળી દેશોના વડાઓ મળી રહ્યા હોય ત્યારે વિશ્વભરના રાજનેતાઓની, રાજદ્વારી વિશ્લેષકોની તેના પર બાજનજર હોય એ તો સમજાય તેવું છે, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચીન પ્રવાસ પર તો આમ ભારતીય પણ ચોંપ રાખીને બેઠો હતો. મોદીના ચીન પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ શી જિનપિંગ કેવોક ઉમળકો દાખવે છે, વડા પ્રધાન લી કેકિયાંગ સરહદ વિવાદ સહિતના મુદ્દે કંઇ બોલે છે કે નહીં, બન્ને દેશો વચ્ચે ક્યા ક્ષેત્રે કેવા અને કેટલા કરારો થાય છે, ચીન ભારતમાં કેટલું મૂડીરોકાણ કરશે વગેરે વગેરે... હવે વડા પ્રધાન મોદીનો ત્રણ દિવસનો ચીન પ્રવાસ પૂરો થયો છે ત્યારે ભારત-ચીન સંબંધોના નિષ્ણાતોથી માંડીને ખોબલા જેવડા ગામમાં વસતો આમ આદમી પણ પોતપોતાના દૃષ્ટિકોણથી આ બધા પાસાનું મૂલ્યાંકન કરી રહ્યો છે. તેનું સરેરાશ તારણ કંઇક આવું છેઃ મોદીનું સ્વાગત બહુ જોરશોરથી થયું... રાષ્ટ્રપતિ જિનપિંગ પ્રોટોકોલ તોડી મોદીને આવકારવા પહોંચ્યા. ચીનના વડા પ્રધાને દ્વિપક્ષી સહકારની વાતો કરી, પણ સરહદી વિવાદના મુદ્દે મગનું નામ ન મરી ન પાડ્યું. બન્ને દેશો વચ્ચે સરકારી સ્તરે ૨૪ કોલ-કરારો થયા. ચીન-ભારતની કંપનીઓ વચ્ચે ૨૨ બિલિયન ડોલરના ૨૧ કરારો થયા.
વિશ્વમાં સૌથી વધુ વિદેશી હૂંડિયામણનો જથ્થો ધરાવતા દેશ ચીન પાસેથી ભારતને આટલું બધું મળી રહ્યું હોવા છતાં આમ ભારતીય ચીનના આ મૈત્રીપૂર્ણ વ્યવહારને શંકાની નજરે નિહાળે છે. અલબત્ત, તેની શંકા બેબૂનિયાદ પણ નથી કેમ કે ચીન સાથેના સંબંધોનો ભૂતકાળ ભરોસાપાત્ર નથી. ચીને હંમેશા મુખ મેં રામ બગલ મેં છુરીની નીતિ અપનાવી છે.
મોદીના ચીન પ્રવાસની જ વાત કરીએ. એક તરફ, જિનપિંગ શિયાનમાં મોદીનું શાનદાર સ્વાગત કરી રહ્યા હતા ત્યારે બીજી તરફ, ચીનની સરકારી ટીવી ચેનલ પર દર્શાવાતા ભારતના નક્શામાંથી અરુણાચલ પ્રદેશ અને કાશ્મીરનો હિસ્સો ગાયબ હતો. ચીને મોદીનો વાંસો પસવારતા પસવારતા ચૂંટલો ખણી લીધો. ચીનની આ નીતિ-રીતિ દસકાઓ જૂની છે. જે દેશ કે પ્રદેશ સાથે મતભેદ હોય તે દેશના મહેમાનોને આ રીતે મૂંઝવણમાં મૂકી દેવા માટે ચીન ‘જાણીતું’ છે. પચાસના દસકામાં પણ તે ભારતના નક્શા સાથે આવી જ રમત રમ્યું હતું. ભારતના પ્રદેશને ચીનના પ્રદેશ તરીકે દર્શાવાયો હોવા તરફ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ ધ્યાન દોર્યું ત્યારે ચીનના વડા પ્રધાન ઝોઉં એન્લાઇએ કહ્યું એ તો જૂના નકશા છે.
ચાઇનીઝ ડ્રેગનના ચાવવાના ને દેખાડવાના દાંત જુદા છે. એક દાંત સત્તાવાર સમારોહમાં સ્મિત દર્શાવવા માટે છે તો બીજા દાંત ઝેરીલો દંશ મારવા માટે. ૧૯૫૪માં ચીન યાત્રાએ ગયેલા નેહરુ ચીનની આ ચાલ સમજી શક્યા નહોતા. રસ્તાની બન્ને તરફ ધ્વજ ફરકાવતી મેદનીને નિહાળી તેમણે ‘હિન્દી-ચીની ભાઇ-ભાઇ’નો નારો ગજાવ્યો, પરંતુ આ જ ચીન ૧૯૬૨માં ભારત પર કટ્ટર દુશ્મન જેમ તૂટી પડ્યું હતું.
આથી જ ચીનની ટીવી ચેનલે અરુણાચલ પ્રદેશ અને કાશ્મીરને ભારતના નક્શા બહાર મૂક્યા છે તેની ઉપેક્ષા થઇ શકે તેમ નથી. નક્શો દર્શાવે છે કે ચીનની ભૌગોલિક-રાજકીય મહત્ત્વાકાંક્ષા બદલાઇ છે. અલબત્ત, ૧૯૬૨ના ભારત અને ૨૦૧૫ના ભારતની શક્તિ-ક્ષમતા-સજ્જતામાં આસમાન-જમીનનો ફરક છે. આથી ખંધુ ચીન ભારતને સામી છાતીએ લલકારે તેવી તો શક્યતા નથી, પણ તેના વ્યૂહાત્મક લક્ષ્યાંકનો બદઇરાદો પાર પાડવા તે પાકિસ્તાનને હાથો બનાવી શકે છે. પાકિસ્તાન આમ પણ દસકાઓથી ભારત સામે પ્રોક્સી વોર કરતું રહ્યું છે, ચીન પાકિસ્તાનને આર્થિક સહાય વધારીને આમાં બળતામાં તેલ રેડવાનું કામ કરી શકે છે. ચીને અત્યારે પાકિસ્તાનને ખોળામાં બેસાડ્યું છે તે વાત આખી દુનિયા જાણે છે.
આપણે એ ન ભૂલવું જોઇએ કે ચીન અનેક ક્ષેત્રે ભારત સાથે સહકાર સાધવા સંમત થયું છે, પણ સરહદી વિવાદ ઉકેલવા માટે કોઇ તત્પરતા દાખવી નથી. ચીને કેટલાંક આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં ભારતને સ્થાન અપાવવા વચન આપ્યું છે, પણ યુએનની સિક્યુરિટી કાઉન્સિલમાં કાયમી સ્થાન માટે ભારતને ટેકો જાહેર કર્યો નથી મોદીના ચીન પ્રવાસથી દ્વિપક્ષીય સંબંધોનો પાયો વિસ્તર્યો છે તે ના નહીં, પણ દૂધનું દાઝેલું ભારત દેશ છાશ પણ ફૂંકી ફૂંકીને પીએ તે દેશહિતમાં છે. ચીને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા પ્રતિબદ્ધતા દર્શાવી છે, પણ કેટલું બોલ્યું પાળશે એ તો સમય જ કહેશે. એક ભારતીય તરીકે આપણે આશા રાખીએ કે આર્થિક સહયોગ દ્વારા, ૧૯૭૯ બાદ ચીન અને અમેરિકાએ ઉભય પક્ષના હિતાર્થે પ્રાપ્ત કરેલ સહઅસ્તિત્વની પરિસ્થિતિ ભારત-ચીન વચ્ચે પણ શક્ય બની શકે.
(નોંધઃ ભારત-ચીન સંબંધોના વધુ વિશ્લેષણ માટે Asian Voiceના તા. ૨૩ મે, ૨૦૧૫ના અંકમાં વાંચો તંત્રી સી. બી. પટેલની કોલમ As I see it.)
