ચિત્ર-વિચિત્ર સૂચનાઓ!

લાલ-લીલી લાઈટુંમાં ‘વોક - ડોન્ટ વોક’ની સૂચનાઓ વાંચતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં ભલભલી સૂચનાઓને ઘોળીને પી જતા હંધાય દેશીઓના જેશ્રીકૃષ્ણ!

અમારી રેસ્ટોરન્ટોમાં દીવાલ પર લખેલું હોય છે - ‘નોકરોના પગાર સાતમી તારીખે કરવામાં આવે છે. અહીં રાજદુવારી કે સટ્ટાની વાતો કરવી નહીં.’ સિગારેટના ખોખા પર ઝીણા અક્ષરે લખેલું હોય છે - ‘કાનૂની ચેતવણીઃ સિગારેટ પીવી એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.’ પરંતુ હજીયે અસંખ્ય જગ્યાઓ એવી છે જ્યાં આવી સૂચનાઓની જરૂર છે..

પાનમસાલાના પાઉચ પર સૂચનાઃ આ મસાલો ખાધા પછી સૌથી પહેલી પિચકારી તમારા પોતાના ડ્રોઈંગરૂમની દીવાલ પર મારવી.
લોકસભાની પાટલી ઉપર સૂચનાઃ ટીવી કેમેરા ચાલુ છે. ઊંઘતા ઝડપાશો!
ઓપરેશન થિયેટરમાં સૂચનાઃ દર્દીઓને વિનંતી કે ઘેનનું ઈન્જેક્શન લેતાં પહેલાં પોતાનાં ખિસ્સાં-પાકીટ તપાસી લેવાં.
પોલીસ સ્ટેશનમાં સૂચનાઃ ફરિયાદીઓને ખાસ વિનંતી છે કે પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળતાં પહેલાં પોતાનાં ખિસ્સાં-પાકીટ તપાસી લેવા.
ટીવી પર સ્ટિકરઃ આ દૂરદર્શનના સમાચાર છે. સાચા પણ હોય!
વધુ એક ટીવી-સ્ટિકરઃ આ સાબુની જાહેરખબરવાળો તમને રોજ મૂરખ બનાવે છે!
મુંબઈની લોકલ ટ્રેનમાં ડબ્બામાં સૂચનાઃ
૧. બાજુમાં ઊભેલા મુસાફરની બગલમાં પોતાનું નાક ખોસીને પ્રવાસ કરવાની મનાઈ છે.
૨. અન્ય મુસાફરની બગલની વાસથી જો કોઈ મુસાફર બેહોશ થઈ જાય તો તેને માટે રેલવે જવાબદાર નથી.
૩. ટ્રેનમાંથી ઊતરતાં પહેલાં પોતાના શરીરના સ્પેરપાર્ટ્સ તપાસી લેવા.
૪. ટ્રેનમાં ગિરદી ન હોય તો ઘેર પાછા જાવ. આજે ‘મુંબઈ બંધ’ હશે.
ટ્રેનમાં સંકટ સમયની સાંકળ નીચે સૂચનાઃ રોજેરોજ ચેઈન-પુલિંગ કરનારા પ્રવાસીઓ સિવાય કોઈએ આ સાંકળ ખેંચવી નહીં.
બિહારની ટ્રેનના ડબ્બા પર મુસાફરોએ લખેલી સૂચનાઃ આ ડબ્બો ચાર વાર લૂંટાઈ ગયો છે! ડાકુઓએ તસ્દી લેવી નહીં!
એક્સપ્રેસ ટ્રેનના જનરલ ડબ્બા પર સૂચનાઃ કુલી એસોસિએશન દ્વારા આજનો પ્રમાણિત ભાવઃ એક સીટના ૭૦ રૂપિયા.
સિગારેટના ખોખા પર ખાલી જગ્યા પૂરોઃ
મેન્યુફેક્ચરિંગ ડેટઃ ................ (તમારી જન્મતારીખ)
એક્સપાયરી ડેટઃ ................. (તમારી મરણતારીખ અત્યારથી લખી રાખો)
રેસ્ટોરન્ટના મેનુ નીચે સૂચનાઃ
૧. જે ચીજ વાસી હશે તે જ મળશે.
૨. તાજી વાનગી માટે અહીં શા માટે આવો છો? ઘેર બેસીને દાળ-ઢોકળી ખાઓને?
૩. વેઈટરોને ટીપમાં ફાટેલી નોટો આપવી નહીં.
૪. વેઈટરો પાસેથી જુગારની ટીપ લેવી નહીં. (એમની ટીપ્સ સાચી પડતી હોત તો અહીં વેઈટરની નોકરી શું લેવા કરતા હોત?)
બહેરા-મૂંગાની શાળાના બ્લેક-બોર્ડ પર સૂચનાઃ અહીં ઘોંઘાટ કરવો નહીં! વિદ્યાર્થીઓને ખલેલ પડે છે!
અંધશાળાના અંધજનો માટે સૂચનાઃ આ નોટિસ બોર્ડ પર બ્રેઈલ લિપિમાં સૂચનાઓ લખેલી છે. તેને હાથ લગાડવાની મનાઈ છે!
થિયેટરની ટિકિટ પાછળ સૂચનાઃ
૧. અમારા થિયેટરની દરેક સીટમાં ઓછામાં ઓછા એક ડઝન માંકડનો સ્ટોક હાજર છે, તેથી ઘરેથી માંકડો લાવવાની મનાઈ છે.
૨. થિયેટરની બહાર નીકળતાં પહેલાં તમારા પેન્ટમાં ચઢી ગયેલા તમામ માંકડોને સીટમાં પાછા મૂકવા વિનંતી. (તમારા પછીના શોના પ્રેક્ષકોની સુખસગવડ માટે આટલું જરૂર કરો.)
૩. હોલમાં બહારના ખાદ્ય પદાર્થો લાવવાની મનાઈ છે. પોપ-કોર્ન કે સેન્ડવિચ ખાવી હોય તો થિયેટરની અંદરના સ્ટોલ પરથી દોઢા ભાવ ચૂકવીને ખરીદવાની છૂટ છે.
૪. થિયેટરમાં ઘોંઘાટ કરીને ત્રાસ વર્તાવવાની મનાઈ છે, કારણ કે એ કામ ફિલ્મો પોતે જ કરી રહી છે.
૫. એરકંડિશનિંગ પ્લાન્ટ યાંત્રિક ખરાબીને કારણે બંધ નથી. અમે જાણીજોઈને બંધ રાખીએ છીએ!
દારૂના પીઠા પર સૂચનાઃ અહીં એક જ દરવાજો છે, જ્યારે તે બે થઈ જાય ત્યારે સમજવું કે હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે.
આંખના દવાખાને સૂચનાઃ અહીં એક જ દરવાજો છે. જો બે દેખાતા હોય તો તાત્કાલિક ડોક્ટરને મળો.
જો ડોક્ટર પણ બે દેખાય તો ડાબી બાજુવાળા ડોક્ટરને મળો!
મેન્ટલ હોસ્પિટલમાં સૂચનાઃ
૧. ડોક્ટરનો ડ્રેસ પહેરેલો માણસ ડોક્ટર જ હોય તે જરૂરી નથી.
૨. હોસ્પિટલમાં કોઈ પણ વ્યક્તિને પ્રવેશવાની છૂટ છે, પરંતુ બહાર જતાં પહેલાં તે પોતે ‘ડાહ્યો’ છે તે સાબિત કરવું પડશે!
૩. પાગલોની સારવાર કરતાં કરતાં પાગલ થઈ ગયેલા ડોક્ટરો માટે અલાયદો વોર્ડ જમણી તરફ છે.
૪. જમણી તરફ જવું નહીં. તે હોસ્પિટલનો સૌથી જોખમી વિસ્તાર છે.
આંખના દવાખાને વધુ એક સૂચનાઃ રતાંધળાપણાના દર્દીઓએ રાત્રે ૮થી ૧૦માં આવવું.
ચંદ્ર પર સૂચનાઃ હિંદી ફિલ્મના ગીતકારોએ દૂર જ રહેવું. નજીક આવવામાં ધંધાનું જોખમ છે.
મંગળ પર સૂચનાઃ મંગળવાળી કન્યાઓ માટે પ્રવેશ બંધ છે!
દારૂની બોટલ પર સૂચનાઃ જો તમે ગુજરાતમાં હો તો સૌથી પહેલાં ગુજરાત પોલીસનો આભાર માનો!
જો તમે રાજસ્થાનમાં હો અને તમને આ બોટલની કિંમત વાજબી લાગતી હોય તો ગુજરાતીઓનો આભાર માનો!
માંકડ મારવાની દવાની બાટલી પર સૂચનાઃ
૧. આટલી દવાથી લગભગ ૨૪ માંકડ અથવા ૧/૪ માણસ જ મરી શકે છે.
૨. આપઘાત કરતાં પહેલાં અમારા વકીલની સલાહ જરૂર લેવી. પાછળથી કોઈ તકરાર ચાલશે નહીં.
૩. સબ્જેક્ટ ટુ કન્યાકુમારી જ્યુરિડિક્શન. (એટલે એમ કે આપઘાતને લગતા તમામ દાવાઓ કન્યાકુમારી કોર્ટમાં કરવાના રહેશે.)
બગીચાના બાંકડા પર સૂચનાઃ આ બાંકડાનો રંગ પીળો છે, પણ જો તમારાં કપડાં પર ચોંટે તો સમજવું કે લીલો છે.
આધુનિક વાર્તાની પહેલાં સૂચનાઃ આ વાર્તામાં ખરેખર શું બને છે તે શોધી કાઢનારને ૫૦૧ રૂપિયાનું રોકડ ઈનામ મળશે.
હાસ્યલેખના છેડે સૂચનાઃ ‘આ હાસ્યલેખ વાંચીને મને ૫૧ વાર હસવું આવ્યું હતું.’ એવી કડવી કબૂલાત ૫૧ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર લખી આપનારને લલિત લાડ ૫૧ રૂપિયાનું ઈનામ આપશે!
•••
લ્યો હાલો હવે, ખિખિયાટા કરવાના બંધ કરો અને ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઈટ છે!

આંયા બધા ઓલરાઇટ છે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.