કેજરીવાલ કે કિરણ? સર્વેના અલગ અલગ તારણ
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ આમ આદમી પાર્ટી (‘આપ’) અને ભાજપ વચ્ચે તીવ્ર રસાકસી જામી રહી છે. ‘આપ’ ભાજપને જોરદાર ટક્કર આપી રહી હોવાનું એબીપી નેલ્સનના સર્વે પરથી જાણવા મળે છે. તો સી વોટર સંસ્થાના એક અન્ય સર્વે અનુસાર દિલ્હીની જનતા મુખ્ય પ્રધાનપદે કેજરીવાલ કરતાં કિરણ બેદીને વધુ મહત્ત્વ આપે છે. છેલ્લા બે મહિનાના સર્વેમાં બેદી કેજરીવાલ કરતાં આગળ રહ્યાં છે. ડિસેમ્બરના સર્વે મુજબ મુખ્ય પ્રધાનપદ માટે દિલ્હીવાસીઓએ કિરણ બેદીને ૫૩ અને કેજરીવાલને ૪૩ ટકા મત આપ્યા હતા.
આ અગાઉ એબીપી નેલ્સન દ્વારા થયેલા સર્વે અનુસાર, દિલ્હીમાં ફરી એક વાર ત્રિશંકુ વિધાનસભાની રચના થઇ શકે છે. આ સર્વે પ્રમાણે ભાજપને ૩૪, આમ આદમી પાર્ટીને ૨૮ અને કોંગ્રેસને આઠ બેઠકો મળવાની સંભાવના છે.
આ જ એજન્સી દ્વારા નવેમ્બરમાં કરાયેલા સર્વેની સરખામણીમાં ભાજપને ૧૨ સીટોનું નુકસાન થઇ રહ્યું છે. નવેમ્બરના સર્વેમાં ભાજપને ૪૬, ‘આપ’ને ૧૮, કોંગ્રેસને પાંચ અને અન્યને એક બેઠકની સંભાવના વ્યક્ત કરાઇ હતી. આનો અર્થ એ થયો કે છેલ્લા બે મહિનામાં આમ આદમી પાર્ટી વધુ મજબૂત બની છે, છેલ્લા બે મહિનામાં આપને ૧૦ બેઠકોનો ફાયદો થયો છે. સર્વે અનુસાર કેજરીવાલને ૫૪ ટકા લોકો સીએમ તરીકે પસંદ કરે છે.
