ડ્યુક ઓફ યોર્ક જાહેર નિવેદન કરશે

લંડનઃ ડ્યુક ઓફ યોર્ક તરૂણ વયની ‘સેક્સ સ્લેવ’ વર્જિનિયા રોબર્ટ્સ સાથે તેમના જાતીય સંબંધ અંગેના અહેવાલો ધ ટાઈમ્સ સહિતના અખબારોમાં પ્રસિદ્ધ થયા પછી સૌપ્રથમ વખત જાહેરમાં નિવેદન કરવા તૈયાર થયા છે.
બ્રિટનના બે સૌથી મોટાં બિઝનેસગૃહ ડિઆજીઓ અને પ્રોફેશનલ સર્વિસીસ ફર્મ KPMG ડ્યુક ઓફ યોર્ક દ્વારા આયોજિત પાર્ટીને ભંડોળ આપવાના છે. ગુરુવારે સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં તેમના વાર્ષિક સ્વાગત સમારંભમાં પ્રિન્સ એન્ડ્ર્યુ ૩૦૦ બિઝનેસ લીડર્સ અને આંતરરાષ્ટ્રીય રાજકારણીને સંબોધન કરશે. ફ્લોરિડાના કાનૂની કેસમાં બિલિયોનેર જેફ્રી એપ્સટીન સાથે સંપર્કોના કલંકિત દાવાઓ પછી સરકારના ભૂતપૂર્વ બિઝનેસ એમ્બેસેડરને સમર્થન તરીકે આ ભંડોળને જોવામાં આવે છે.
