સંજય શાહની શિકાગોમાં સિદ્ધિ

વોશિંગ્ટનઃ શિકાગોમાં વસતાં મલ્ટિ-મિલિયોનેર સંજય શાહે ખ્યાતનામ ટ્રમ્પ ઇન્ટરનેશનલ હોટેલ એન્ડ ટાવરમાં ૮૯મા માળે ૧૭ મિલિયન ડોલર (અંદાજે ૧૦૪.૭૫ કરોડ રૂપિયા)નું પેન્ટહાઉસ ખરીદીને શિકાગોના રિઅલ એસ્ટેટની સૌથી મોટી ડીલ કરી છે. ૧૪,૨૬૦ સ્કવેર ફૂટમાં ફેલાયેલા આ પેન્ટહાઉસની કિંમત અગાઉ ૩૨ મિલિયન ડોલર મૂકાઇ હતી.
જોકે સંજય શાહે આ ઘર ખરીદવા બે વર્ષ રાહ જોઈ હતી. બે વર્ષ બાદ ઘરની કિંમત લગભગ અડધી થઈ જતાં તેમણે સોદો પાર પાડયો. પેન્ટહાઉસમાંથી શહેરનો ૩૬૦ ડિગ્રીનો પેનારોમિક નજારો દેખાય છે. અગાઉ શિકાગોમાં બિલિયોનેર કેન ગ્રિફીને ૯૨ કરોડ રૂપિયાનો ફ્લેટ ખરીદ્યો હતો. ગુજરાતના વતની, પણ મુંબઈમાં જન્મેલા-ઉછરેલા સંજય શાહ શિકાગોસ્થિત વિસ્ટેક્સ કોર્પોરેશનના સંસ્થાપક-સીઈઓ છે. સંજયભાઇએ સૌથી મોટી રિઅલ એસ્ટેટ ડીલ ભલે કરી, પણ હાલ તેઓ ત્યાં શિફ્ટ નહીં થાય કેમ કે તેમનું હાલનું ઘર ઓફિસથી માત્ર બે મિનિટનાં અંતરે છે. અત્યારે તો તેઓ આ પેન્ટહાઉસનો ઉપયોગ બીજા ઘર અથવા તો ક્લાયન્ટ અને મિત્રો માટે ગેસ્ટહાઉસ તરીકે કરવા વિચારી રહ્યા છે.
