‘કાયપો છે...’ એ..લપેટ...’ના નારાથી ગુજરાત ગાજ્યું

‘કાયપો છે...’ એ..લપેટ...’ના નારાથી...

અમદાવાદઃ બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને ઉતરાયણની મજા અમદાવાદમાં માણી હતી. શહેરમાં નારણપુરાસ્થિત એવરબેલા એપાર્ટમેન્ટના ધાબે પતંગ ઉડાડવાનો આનંદ માણ્યો હતો. ઉતરાયણના દિવસે બચ્ચનને પતંગ ઉડાડતા જોવાની ઝલક જોવા શહેરીજનોની ભારે ભીડ ઉમટી પડી હતી.

નારણપુરા વિસ્તારના ધાબાઓ પતંગરસિયાઓ કરતાં બચ્ચનરસિકોથી જાણે ઊભરાયાં હતાં. કલાત્મક કાળાં રંગની મોજડી, સિલ્વર રંગનું જેકેટ અને સફેદ પઠાણી ડ્રેસમાં સજજ અમિતાભ બચ્ચને મુક્તમને પતંગ ઉડાડવાની મજા માણી હતી. તેઓ સ્વૈચ્છિક સંસ્થાના બાળકોને પણ મળ્યાં હતાં અને ધાબા પર પતંગરસિયાઓની ભીડ જોઇને ખુશ થઇ ગયાં હતાં. તેમણે ધાબા પરથી લોકોને મકરસંક્રાતિની શુભકામના પણ પાઠવી હતી.

ગુજરાત મારા ઘર સમાન છે તેમ જણાવીને અમિતાભે કહ્યું કે, આજે ખુશ્બુ ગુજરાત કી દેશવિદેશ સુધી પહોંચી છે જયારે હું ગુજરાતમાં હોઉ છું ત્યારે મને મારાં ઘરમાં હોઉ તેવો અહેસાસ થાય છે. પોતાની નવી ફિલ્મ ‘શમિતાભ’ના પ્રમોશન માટે આવેલાં અમિતાભની સાથે આવેલા સાથી કલાકાર ધનુષ અને અભિનેત્રી અક્ષરા હસને પણ ગુજરાતમાં મકરસંક્રાતિની ઉજવણી કરી હતી.

વાસી ઉત્તરાયણે મજા પડી

ઉત્તરાયણના દિવસે વહેલી સવારથી પતંગ ચગાવવાની આશા પર ધુમ્મસ ફરી વળ્યું હતું અને અનેક પતંગરસિકો નિરાશ થયા હતા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વહેલીસવારથી ગાઢ ધુમ્મસ સર્જાયું હતું અને ઉત્તરાયણની સવારમાં પતંગરસિયાઓ માટે અપસેટ સર્જાયો હતો. સવારમાં ધુમ્મસ વચ્ચે પણ પતંગ ચગ્યા પણ ભીના થઈને નીચે ઉતરી જતા હતા. જો કે સવાર બાદ તડકો નીકળ્યો પણ પવનની વઘઘટ કારણે ઠુમકા મારવા પડ્યા હતા. બીજી તરફ વાસી ઉત્તરાયણે સારો પવન રહેતાં પતંગો જોરદાર ચગ્યા સાથે અનેક લોકોના આંગળા પણ કપાયા હતા. બે દિવસના ઉત્તરાયણ પર્વમાં પતંગોની મજા સાથે સાંજે લોકોએ તુક્કલ અને ચાઇનીઝ બલૂન ચઢાવવાની પણ મજા માણી હતી અને ઝળહળતા ગુબ્બારાઓથી આકાશમાં નજારો છવાયો હતો. આ સાથે લોકોએ ઉંધિયું-જલેબી, બોર, શેરડી, તલના લાડુ, ચીકી જેવા નાસ્તા સાથે તહેવારનો આનંદ માણ્યો હતો.

હાઇટેક કિટે જીવ બચાવ્યા

ઉત્તરાયણના તહેવાર દરમિયાન દોરીથી મોઢા અને ખાસ કરીને ગળાના ભાગે ગંભીર ઈજા થતાં ઇજાગ્રસ્તને વધુ રક્તસ્રાવ થવાથી જીવનું જોખમ ઊભું થતું હોય છે. પરંતુ, આ ઉત્તરાયણમાં મિશન સેફ ઉત્તરાયણ સંસ્થા દ્વારા ૩૦ જેટલાં ટ્રાફિક બુથ સહિત સંસ્થાના ૧૦ જેટલાં વોલેન્ટિયર્સ દ્વારા લોહીને તરત વહેતું રોકતી હાઇટેક કિટ ઉપલબ્ધ કરાવાતા હિમોસ્ટેટિક જેલયુક્ત પેડથી ૧૩ લોકોનાં જીવ બચાવ્યા છે.

૧,૦૦૦થી વધુ પક્ષી ઘાયલ

અમદાવાદમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના બે દિવસમાં પતંગની ચાઇનીઝ દોરીથી આકાશમાં ઊડતાં ૧૦૦૦થી વધુ પક્ષીઓ ઘવાયાં હતાં, જેમાંથી ૭ પક્ષી મૃત્યુ પામ્યાં હતાં. બે દિવસ દરમિયાન સૌથી વધુ કબૂતર અને સમડી ઘાયલ થયાં હતાં.

તુક્કલથી આગના ભડકા

ઉત્તરાયણમાં લોકોએ સાંજ પડતા જ તુક્કલો ચઢાવવાનું શરૂ કરી દીધું હતું. જોતજોતામાં આકાશ તુક્કલોથી છવાઈ ગયું હતું. બીજીતરફ આ તુક્કલોને કારણે આગના બનાવ શરૂ થઈ ગયા હતા. અમદાવાદ શહેરનાં અનેક વિસ્તારમાં તુક્કલને કારણે બે દિવસમાં આગના ર૧ બનાવ નોંધાયા હતા.

‘કાયપો છે...’ એ..લપેટ...’ના નારાથી...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.