ધાર્મિક સ્વતંત્રતાઃ વડા પ્રધાન ભરોસો બેસાડે છે

‘હિન્દુવાદના મશાલચી’ની ઓળખ ધરાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેવટે ધર્મવિષયક બાબતે મગનું નામ મરી પાડ્યું છે. દિલ્હીમાં ખ્રિસ્તી દેવળો પર હુમલાની એક પછી એક ઘટનાઓ બાદ વિરોધ પક્ષોએ મોદીના ‘મૌન’ સામે સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું હતું. 

‘હિન્દુવાદના મશાલચી’ની ઓળખ ધરાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેવટે ધર્મવિષયક બાબતે મગનું નામ મરી પાડ્યું છે. દિલ્હીમાં ખ્રિસ્તી દેવળો પર હુમલાની એક પછી એક ઘટનાઓ બાદ વિરોધ પક્ષોએ મોદીના ‘મૌન’ સામે સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું હતું. વડા પ્રધાનની ‘ચૂપકિદી’ અંગે અખબારોમાં પણ ગણગણાટ શરૂ થયો હતો. જોકે આવા દબાણ સામે ઝૂકી જાય તે નરેન્દ્ર મોદી નહીં. હંમેશા સમય અને સ્થળને નજરમાં રાખીને, પોતાની ઇચ્છા મુજબ અને જેટલું બોલવું હોય તેટલું જ બોલવાની આદત માટે જાણીતા મોદીએ આ વખતે પણ સમય અને સ્થળ જોઇને મોં ખોલ્યું છે. મામલો ગરમ થઇ રહ્યો હતો અને વિપક્ષ ખ્રિસ્તી ધર્મસ્થાનોના મામલે સંસદના બજેટ સત્રમાં સરકારને ભીડવવાનો વ્યૂહ ગોઠવી રહ્યો હતો ત્યારે જ મોદી હુકમનો એક્કો ઉતર્યા છે. ધર્મવિષયક બાબતે મૌન તોડતાં તેમણે દેશમાં ધાર્મિક શ્રદ્ધાની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાનો ભરોસો લોકોને આપ્યો છે. પાટનગર દિલ્હીમાં ખ્રિસ્તી ધર્મગુરુઓના સંમેલનને સંબોધતા તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેમની સરકાર કોઇ પણ ધર્મ પરના હુમલાને સાંખી લેશે નહીં. દરેક વ્યક્તિ, કોઇ પણ જાતના દબાણ કે પ્રભાવને વશ થયા વગર, પોતાનો ધર્મ પાળી શકે તે માટે જરૂરી સ્વતંત્રતા આ સરકાર પૂરી પાડશે તે નિશંક છે.
ભારતનો દરેક પક્ષ અને નેતાઓ પોતપોતાની મતબેન્કને નજરમાં રાખીને નિવેદનો કરતા રહેતા હોય છે ત્યારે નરેન્દ્ર મોદીના નિવેદનને શંકાની નજરે નિહાળવામાં આવે તે સ્વાભાવિક છે. ભલે આપણે વડા પ્રધાનના શબ્દોમાંથી રાજકીય સૂચિતાર્થો ન કાઢીએ, પણ એટલું તો સહુએ સ્વીકારવું જ રહ્યું કે આજે ભારતનો ધાર્મિક માહોલ ધરમૂળથી બદલાયેલો છે. દેશના એક ભાગમાં લવજેહાદના સૂત્રો ગાજે છે તો બીજા ભાગમાં ઘરવાપસીના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ક્યાંક ધર્માંતરણ માટે મુસ્લિમ સમુદાય સામે આંગળી ચીંધાઇ રહી છે તો ક્યાંક હિન્દુ સંગઠનોની વધુ પડતી સક્રિયતા સામે સવાલો ઉઠી રહ્યા છે. મિશનરીઓના સેવાકાર્યો પાછળના ઉદ્દેશો સામે સવાલ ઉઠી રહ્યા છે. આ માહોલ, જુદા જુદા સમુદાયોનો એકબીજા પ્રત્યે વધી રહેલો અવિશ્વાસ ભારતની આગવી ઓળખ સમાન સામાજિક સમરસતાની મીઠાશમાં કડવાશ ઘોળી રહ્યો છે.
બહુવિધ ધર્મ-સંસ્કૃતિનો અનેરો સમન્વય ધરાવતા ભારત દેશમાં જેટલું ધર્મવૈવિધ્ય છે તેટલું ભાગ્યે જ વિશ્વના અન્ય કોઇ દેશમાં જોવા મળશે. સહુ કોઇની અલગ અલગ પરંપરા, માન્યતા અને વિચાસરણી છતાં દરેક કોમ કે સમુદાયનો બહુમતી વર્ગ હળીમળીને, સંપ-ભાઇચારાથી રહેવાનો મતાગ્રહી છે. આજે દેશનો નાનામાં નાનો આદમી પણ જાણે જ છે કે ધર્મ એ દરેકની વ્યક્તિગત પસંદગીનો મુદ્દો છે. પરંતુ ધર્મના ઓઠાં તળે મતબેન્ક મજબૂત કરવાની તાકમાં રહેતાં રાજકીય પક્ષોએ પણ વ્યાપક રાષ્ટ્રહિતમાં આ વાસ્તવિક્તાને સ્વીકારવી રહી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ધાર્મિક સ્વાતંત્રતાને કરેલું સમર્થન આવકાર્ય તો છે, પણ તેનું પાલન થાય તે પણ એટલું જ આવશ્યક છે. રાજકીય વિચારકો કહે છે કે નરેન્દ્ર મોદીએ સંસદના બજેટ સત્રમાં વિપક્ષના આક્રમણથી બચવા ધાર્મિક સ્વતંત્રતાના મુદ્દે નિવેદન કર્યું છે. રાજકીય વિશ્લેષકોનો અભિપ્રાય સાચો કે મોદીના શબ્દો સાચા, તેની ચર્ચામાં આપણે ન પડીએ. આપણે તો બસ એટલું ઇચ્છીએ કે કોમી એખલાસ જળવાય રહે તે માટે શાસકો આવશ્યક પગલાં લે અને દેશમાં ધાર્મિક તનાવ વધારીને સમાજમાં ભાગલા પડાવવા પ્રયત્નશીલ પરિબળોને આકરો સબક શીખવવામાં આવે.

ધાર્મિક સ્વતંત્રતાઃ વડા પ્રધાન ભરોસો બેસાડે છે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.