ન.મો. સૂટના રૂ. ૪.૩૧ કરોડ ઉપજ્યા!

ન.મો. સૂટના રૂ. ૪.૩૧ કરોડ ઉપજ્યા!

સુરતઃ આ સૂટમાં ન તો કોઇ હીરા-માણેક ટાંકવામાં આવ્યા હતા કે ન તો સોનાના દોરે તેનું સિલાઇકામ થયું હતું. છતાં આ સૂટ ૪.૩૧ કરોડ રૂપિયાની અધધધ કિંમતે વેચાયો છે. 

સુરતઃ આ સૂટમાં ન તો કોઇ હીરા-માણેક ટાંકવામાં આવ્યા હતા કે ન તો સોનાના દોરે તેનું સિલાઇકામ થયું હતું. છતાં આ સૂટ ૪.૩૧ કરોડ રૂપિયાની અધધધ કિંમતે વેચાયો છે. આ કમાલ છે નરેન્દ્ર દામોદરદાસ મોદીના નામની! આ સૂટ વડા પ્રધાન મોદીએ યુએસ પ્રમુખ બરાક ઓબામાની ભારત મુલાકાત વેળા પહેલી (અને છેલ્લી) વખત પહેર્યો હતો અને ત્યારથી સતત સમાચારમાં ચમકતો રહ્યો છે. સૂટની વિશેષતા એ છે કે તેના સમગ્ર કાપડ પર બારીક લાઇનીંગ સ્વરૂપે ‘નરેન્દ્ર દામોદરદાસ મોદી’ નામ દોરા વડે ગૂંથાયેલું છે.
હીરા ઉદ્યોગના અગ્રણી રમેશભાઇ વિરાણીએ આ સૂટ વડા પ્રધાનને ભેટમાં આપ્યો હતો. સુરતના જિલ્લા ક્લેક્ટર દ્વારા યોજાયેલી હરાજી પૂર્વે જ જાહેર થયું હતું તેમ સૂટના વેચાણમાંથી મળેલા નાણાં ગંગા સ્વચ્છતા અભિયાનમાં વાપરવામાં આવશે. આ સૂટ દિલ્હી વિધાનસભાની ચૂંટણી વખતે ચર્ચામાં રહ્યો હતો અને સૂટની બનાવટ વિદેશી હોવાનું જણાવીને નરેન્દ્ર મોદીના ‘મેઇક ઇન ઇંડિયા’ કેમ્પેઇન સામે સવાલ પણ ઉઠાવાયો હતો.
રૂ. પાંચ કરોડની ઓફર
વડા પ્રધાન મોદીને ભેટમાં મળેલો આ સૂટ સુરતના હીરાઉદ્યોગના બીજા એક અગ્રણી લાલજીભાઇ પટેલે ખરીદયો છે. ન.મો. સૂટ ખરીદવા માટે અંતિમ ઘડી સુધી ભારે રસાકસી જામી હતી. સૂટ માટે બોલી લગાવવા ૨૦ ફેબ્રુઆરી, સાંજના પાંચ વાગ્યાનો સમય નક્કી થયો હતો. એક સમયે અમેરિકાની કંપની અવંતી સર્વિસ કોર્પોરેશનના પ્રતિનિધિએ સૂટ માટે રૂ. ૩.૯૧ કરોડની બોલી લગાવી હતી, તો સામે સુરતમાં ધર્મનંદન ડાયમંડ નામે હીરાની પેઢી ધરાવતા લાલજીભાઇ પટેલે ૪.૩૧ કરોડની બોલી લગાવી હતી. થોડીક જ મિનિટમાં શહેરના અગ્રણી બિલ્ડર લવજી બાદશાહ પાંચ કરોડ રૂપિયાની ઓફર સાથે પહોંચ્યા હતા. જોકે આ સમયે પાંચ વાગી ગયા હોવાથી ક્લેક્ટરે તેમની ઓફર નકારી દીધી હતી.

રમેશભાઇએ ભેટ આપી હતી
ડાયમંડ જ્વેલરી અને પોલિશ્ડ ડાયમંડ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના ધરાવતા KARP ગ્રૂપના ડિરેકટર રમેશભાઇ વીરાણીએ વડા પ્રધાન મોદીને આ સૂટ ભેટમાં આપ્યો હતો. અહેવાલોમાં સતત ઉલ્લેખ થતો રહ્યો છે તેમ આ સૂટની કિંમત ૧૦ લાખ રૂપિયા હોવાની વાત નકારતા રમેશભાઇએ કહ્યું હતું કે વાઈબ્રન્ટ સમિટ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળીને પોતાના પુત્ર સ્મિતના લગ્નપ્રસંગે આવવાનું આમંત્રણ આપ્યું ત્યારે આ સૂટ ભેટ આપ્યો હતો. ‘સૂટ ઉપર નરેન્દ્ર મોદીનું નામ લખવાનો આઈડિયા મારા પુત્રનો હતો’ એમ કહીને રમેશભાઇએ ઉમેર્યું હતું કે ‘સૂટ ભેટમાં આપતાં જ વડા પ્રધાને કહ્યું હતું કે હું આ સૂટની હરાજી કરીશ. ત્યારે મારો જવાબ હતો કે તમે બસ એક વાર પહેરી લો... પછી ભલે હરાજી કરી નાખજો.’ રમેશભાઇએ મોદીને આગ્રહ કર્યો હતો કે તમે ભલે દીકરાના લગ્નમાં હાજર ન રહી શકો, પરંતુ આ સૂટ અવશ્ય પહેરજો. તેમની આ વિનંતીને માન આપીને વડા પ્રધાને આ સૂટ પહેર્યો હતો.
ઉલ્લેખનીય છે કે KARP ગ્રૂપ હીરાઉદ્યોગ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના ધરાવે છે. આ ગ્રૂપની ગુજરાતમાં સુરત અને જસદણ ઉપરાંત મુંબઈ તેમ જ જિનીવા, ચીન, દુબઇ અને બેલ્જિયમમાં પણ શાખાઓ છે.
હરાજીનો ઉમદા ઉદ્દેશ
નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્ય પ્રધાન પદે હતા ત્યારથી જ તેમને મળેલી ભેટસોગાદોની હરાજીનું સરકારી સ્તરે આયોજન કરતા રહ્યા છે. જે તે જિલ્લાના ક્લેક્ટર દ્વારા યોજાતી આ હરાજીમાંથી મળતી રકમ તે સમયે કન્યા કેળવણી માટે ઉપયોગમાં લેવાતી હતી. વડા પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન મળેલી ભેટસોગાદોની આ પ્રથમ વખત હરાજી યોજાઇ હતી. આ વખતે હરાજીમાંથી મળેલા નાણા ગંગા સ્વચ્છતા અભિયાન માટે ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સુરતના સિટીલાઇટ સ્થિત સાયન્સ સેન્ટરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલને દેશ-વિદેશમાંથી મળેલી કુલ ૮૧૬ જેટલી ભેટ-સોગાદોના પ્રદર્શન-હરાજી માટે મૂકવામાં આવી હતી. આ ગિફ્ટ્સના વેચાણમાંથી કુલ ૮.૩૩ કરોડ રૂપિયા ઉપજ્યા હતા.

ન.મો. સૂટના રૂ. ૪.૩૧ કરોડ ઉપજ્યા!
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.