‘યુવરાજ’નું આત્મમંથન કોંગ્રેસનો પુનરોદ્ધાર કરશે?

ભારતના સૌથી જૂના પક્ષ કોંગ્રેસની હાલત આમ પણ સાવ કથળી હતી, અને હવે તેમના ‘યુવરાજ’ રાહુલ ગાંધી પણ પોબારા ગણી ગયા છે. પક્ષની સત્તાવાર જાહેરાત અનુસાર રાહુલ ગાંધીએ આત્મનિરીક્ષણ માટે થોડોક સમય માગ્યો હોવાથી તેમને કેટલાક અઠવાડિયાની રજા આપવામાં આવી છે. 

ભારતના સૌથી જૂના પક્ષ કોંગ્રેસની હાલત આમ પણ સાવ કથળી હતી, અને હવે તેમના ‘યુવરાજ’ રાહુલ ગાંધી પણ પોબારા ગણી ગયા છે. પક્ષની સત્તાવાર જાહેરાત અનુસાર રાહુલ ગાંધીએ આત્મનિરીક્ષણ માટે થોડોક સમય માગ્યો હોવાથી તેમને કેટલાક અઠવાડિયાની રજા આપવામાં આવી છે. કોઈ નેતાએ આત્મમંથન માટે પોતાના પક્ષમાંથી રજા લીધી હોય એવું કમસે કમ ભારતમાં તો પહેલી વખત સાંભળવા મળ્યું છે. આમ જુઓ તો કોંગ્રેસના નેતૃત્વ માટે (અહીં તમે રાહુલ ગાંધી વાંચી શકો) માટે આ જરૂરી નહીં, અનિવાર્ય પણ થઇ ગયું હતું. વેકેશન માણવાનું નહીં, પક્ષની વર્તમાન અવદશા માટે આત્મમંથન કરવાનું.
લોકસભાની છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસનો જોરદાર રકાસ થયો, આ પછી બીજા રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓમાં પણ કારમો પરાજય થયો અને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં તો હદ જ થઇ ગઇ. જે રાજ્યમાં કોંગ્રેસે પૂરા પંદર વર્ષ રાજ કર્યું હતું તે દિલ્હીમાં પક્ષ એક પણ બેઠક જીતી શક્યો નહીં! પક્ષમાંથી અવાજ ઉઠવા લાગ્યો કે કોંગ્રેસના અસ્તિત્વ પર ખતરો તોળાઇ રહ્યો છે. એવું પણ કહેવાયું કે પક્ષમાં મૂળ સાથે જોડાયેલાં નેતાઓનો અભાવ છે. તેમની સંસ્કૃતિ વિદેશી થઈ ગઈ છે. નીતિ અને કાર્યક્રમોના મામલે પક્ષ વેરવિખેર થઇ ગયો છે. રાહુલની નેતૃત્વક્ષમતા સામે સવાલ ઉઠવા લાગ્યા અને ‘પ્રિયંકા લાઓ, કોંગ્રેસ બચાઓ’નો નારો પણ ગાજતો થયો. રાહુલને ય કદાચ હવે સમજાયું છે કે પોતે વ્યક્તિગત લાયકાતના આધારે નહીં, પણ ગાંધીપરિવારના વારસદાર હોવાના નાતે જ પક્ષમાં મોભાનું સ્થાન પામ્યા છે. પોતે જો ગાંધી પરિવારનું ફરજંદ ન હોત તો પોતાની કદમબોસી કરતાં આ જ કોંગ્રેસીઓએ ક્યારના તેમને ઘરે બેસાડી દીધા હોત.
લોકસભાનું સૌથી મહત્ત્વનું બજેટસત્ર શરૂ થયું છે ત્યારે ગૃહમાં ઉપસ્થિત રહીને જવાબદાર વિરોધ પક્ષની ભૂમિકા નિભાવવાના બદલે રજા પર જવાના રાહુલના નિર્ણયને રાજકીય વર્તુળો અપરિપકવ ગણાવે છે. કોંગ્રેસના સિનિયર નેતાઓનો એક વર્ગ પણ ઇચ્છતો હતો કે ગાંધીવાદી અણ્ણા હઝારેએ કિસાનોના ભૂમિ અધિગ્રહણ ખરડા અંગે મોદી સરકાર સામે મોરચો માંડ્યો છે ત્યારે રાહુલે લોકસભામાં વિપક્ષને એક તાંતણે બાંધી સરકારને ભીડવવાની રણનીતિ તૈયાર કરવાની જરૂર હતી.
જોકે કોંગ્રેસનો બીજો વર્ગ રાહુલ ગાંધીના આત્મમંથનના નિર્ણયને આગામી એપ્રિલમાં યોજાનારી ઓલ ઇંડિયા કોંગ્રેસ કમિટી (એઆઇસીસી)ની પૂર્વતૈયારી રૂપે નિહાળે છે. તેમના મતે રાહુલ ગાંધી પક્ષના વરિષ્ઠ નેતાઓની કાર્યપદ્ધતિથી નારાજ છે, અને કમિટીની પુનઃરચનામાં ધરમૂળથી પરિવર્તન જોવા મળી શકે છે. આવું કંઇ થાય છે કે કેમ એ તો એઆઇસીસીની બેઠક બાદ ખબર પડશે, પણ અહીં સવાલ એ છે કે ખુદ રાહુલની નેતૃત્વક્ષમતા સામે સવાલ ઉઠી રહ્યા છે તેનું શું? કોંગ્રેસનો એક પછી એક ચૂંટણીમાં સતત પરાજય થઇ રહ્યો છે ત્યારે તેઓ પક્ષમાં ચેતનાનો સંચાર કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે તેનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકે તેમ છે. આખરે રાહુલ મતદારોનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ કેમ રહ્યા છે? તેમના માટે સહાનુભૂતિ ધરાવતા વર્ગનું પણ માનવું છે કે રાહુલમાં ફાઇટીંગ સ્પીરીટ નથી. તેમનામાં સત્તા હાંસલ કરવા માટે જરૂરી સંઘર્ષની ભાવનાનો અભાવ વર્તાય છે. લોકશાહીમાં માત્ર સારા ઇરાદા કે ઇચ્છાથી ચૂંટણી જીતી શકાતી નથી, આ માટે અસરકારક વ્યૂહ પણ જરૂરી હોય છે અને તેનો આક્રમક અમલ પણ એટલો જ આવશ્યક હોય છે.
જો કોંગ્રેસ ઉપાધ્યક્ષે પક્ષને ફરી ચેતનવંતો કરવો હશે તો આવા એક નહીં, અનેક પાસાંઓ વિશે વિચારવું પડશે, અને એઆઇસીસીની આગામી બેઠકમાં તેની રૂપરેખા પણ રજૂ કરવી પડશે. જો તેઓ આમ કરવામાં સફળ રહ્યા તો કોંગ્રેસના ઇતિહાસમાં તેમનું નામ સોનેરી અક્ષરે લખાઇ જશે, નહીં તો...

‘યુવરાજ’નું આત્મમંથન કોંગ્રેસનો પુનરોદ્ધાર કરશે?
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.