યુએસમાં વસતા ગુજરાતી બિઝનેસમેન પર ગોળીબાર

યુએસમાં વસતા ગુજરાતી બિઝનેસમેન પર ગોળીબાર

વડોદરા, આણંદઃ યુએસના નોર્થ કેરોલિના ખાતે રહેતા અને ચરોતરના વતની બિઝનેસમેન આશિષ પટેલને કોઇ અજાણ્યા શખસે માથામાં ગોળી મારતાં તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. સવારે મંદિર દર્શન કરીને ઘરે પરત ફરેલા આશિષભાઇ કાર પાર્ક કરીને ઘરમાં જઇ રહ્યા હતા ત્યારે ધસી આવેલો અજાણ્યો હુમલાખોર ગોળી મારીને પલાયન થઈ ગયો હતો.

નોર્થ કેરોલિનામાં જ મોટેલ બિઝનેસ અને સ્ટોર ધરાવતા આશિષભાઇ આણંદ જિલ્લાના સામરખા ગામના વતની છે.
હુમલાની આ ઘટનાથી ભારતીય સમુદાયમાં આઘાત સાથે ભયની લાગણી ફેલાઇ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે મહિનામાં ભારતીય પર હુમલાની આ ચોથી ઘટના છે. આ ચારમાંથી ત્રણ ઘટનામાં ગુજરાતીઓ હુમલાનો ભોગ બન્યા છે. આ ઉપરાંત બે મહિનામાં બે હિન્દુ મંદિરો પર પણ હુમલા કરાયા છે.
અહેવાલ અનુસાર, ૪૫ વર્ષના આશિષ કાંતિભાઇ પટેલ શનિવાર, ૨૧ માર્ચના રોજ સવારે પુત્ર ક્રિશ સાથે નોર્થ કેરોલિનામાં આવેલા સ્વામીનારાયણ મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યાંથી પરત ફર્યા બાદ તેઓ કાર પાર્ક કરીને પોતાના ઘરમાં પ્રવેશવા આગળ વધી રહ્યા હતા ત્યારે જ અચાનક ધસી આવેલો એક અજાણ્યો શખસ તેમને માથામાં ગોળી મારીને નાસી ગયો હતો.
આશિષભાઇ પર ગોળીબાર થયાનું જાણતાં જ પરિવારના સભ્યો બહાર દોડી આવ્યા હતા અને તાત્કાલિક તેમને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
આણંદ જિલ્લામાં આવેલા સામરખા ગામના વતની આશિષભાઇ ૧૯૮૭માં અમેરિકા આવ્યા હતા. ૧૯૯૫માં તેમના લગ્ન વસો ગામના વતની મનીષાબેન સાથે થયા હતા. મનીષાબહેન વસો ગામના ઉપસરપંચ ભાનુભાઇ મગનભાઇ પટેલ (રાજા)ના દીકરી છે. આશિષભાઇ અને મનીષાબહેનને સંતાનોમાં ૧૫ વર્ષનો એક પુત્ર કૃષ અને ૧૩ વર્ષની એક પુત્રી ટ્વિંકલ છે.
જમાઇ પર હુમલો થયાનું જાણવા મળતાં જ ભાનુભાઇ પટેલ (રાજા) અમેરિકા જવા રવાના થયા છે.
નોંધનીય છે કે મનીષાબેનના ભાઈ રાકેશ પટેલની પણ અમેરિકામાં હત્યા કરાઇ હતી. નોર્થ કેરોલિનામાં રહેતા રાકેશભાઇ ડિસેમ્બર ૨૦૦૦માં એક સ્ટોરમાં ફરજ બજાવી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

યુએસમાં વસતા ગુજરાતી બિઝનેસમેન પર ગોળીબાર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.