વર્લ્ડ કપના ફાઇનલમાં ભારત કે ઓસ્ટ્રેલિયા?

સિડનીઃ ક્રિકેટ વર્લ્ડ કપનો રોમાંચ ચરમસીમાએ પહોંચ્યો છે. મંગળવારે રમાયેલી પહેલી સેમિ-ફાઇનલમાં તીવ્ર રસાકસી બાદ ન્યૂ ઝીલેન્ડે સાઉથ આફ્રિકાને પછાડીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. હવે ક્રિકેટચાહકોની નજર ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ગુરુવારે રમાનારા બીજા સેમિ-ફાઇનલ પર છે. આ મેચના પરિણામ માટે ફાઇનલ મેચ જેવી જ ઉત્સુક્તા પ્રવર્તે છે. આ મેચની વિજેતા ટીમ રવિવારે ફાઇનલમાં ન્યૂ ઝીલેન્ડ સામે ટકરાશે.

સિડનીઃ ક્રિકેટ વર્લ્ડ કપનો રોમાંચ ચરમસીમાએ પહોંચ્યો છે. મંગળવારે રમાયેલી પહેલી સેમિ-ફાઇનલમાં તીવ્ર રસાકસી બાદ ન્યૂ ઝીલેન્ડે સાઉથ આફ્રિકાને પછાડીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. હવે ક્રિકેટચાહકોની નજર ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ગુરુવારે રમાનારા બીજા સેમિ-ફાઇનલ પર છે. આ મેચના પરિણામ માટે ફાઇનલ મેચ જેવી જ ઉત્સુક્તા પ્રવર્તે છે. આ મેચની વિજેતા ટીમ રવિવારે ફાઇનલમાં ન્યૂ ઝીલેન્ડ સામે ટકરાશે.
આઇસીસીના નિયમ અનુસાર, ગુરુવારે વરસાદ નડશે અને મેચ નહીં રમી શકાય તો બીજા દિવસે શુક્રવારે બન્ને ટીમો મેચ રમાશે. જો આ દિવસે પણ વરસાદ વેરી બનશે તો બન્ને ટીમ ફાઇનલમાં સ્થાન મેળવશે અને ત્રણેય ટીમ - ભારત, ઓસ્ટ્રેલિયા અને અગાઉથી જ ફાઇનલમાં પહોંચેલી ન્યૂ ઝીલેન્ડ વચ્ચે ફાઇનલ રમાશે. મતલબ કે ત્રણેય ટીમો નોકઆઉટ રાઉન્ડની જેમ એકબીજા સામે મેચ રમશે અને તેના આધારે વર્લ્ડ કપનો વિજેતા નક્કી થશે.
સ્પિન એટેકથી ઓસ્ટ્રેલિયા ડર્યું?
જેમ જેમ બીજી સેમિ-ફાઇનલ નજીક આવી રહી છે એમ ઓસ્ટ્રેલિયાનો ડર પણ ખુલ્લો પડી રહ્યો છે. યજમાન ટીમનો ગુરુવારે ભારત સામે મુકાબલો છે. આ પૂર્વે સોમવારે ઓસ્ટ્રેલિયાના સ્ટુઅર્ટ ક્લાર્કે કહ્યું કે બન્ને ટીમોમાં માત્ર એક જ અંતર છે અને એ છે સ્પિનર અશ્વિન. ક્લાર્કની કોમેન્ટ પાછળનું કારણ એ છે કે બીજો સેમિ-ફાઇનલ મુકાબલો સિડનીમાં થવાનો છે અને ત્યાં સ્પિન મુખ્ય હથિયાર સાબિત થાય છે. ક્વાર્ટર ફાઇનલમાં સાઉથ આફ્રિકાના સ્પિનરોએ સાત વિકેટ ઝડપીને શ્રીલંકાને રિટર્ન ટિકિટ પકડાવી દીધી હતી. આ સંજોગોમાં ભારતના ત્રણ સ્પિનર અશ્વિન, રવીન્દ્ર જાડેજા અને સુરેશ રૈના સ્પિન ટ્રેક પર બેહદ અસરકારક થઈ શકે છે. ક્લાર્કે કહ્યું હતું કે ધોનીની ટીમે છેલ્લા મહિનામાં દેખાવમાં આશ્ચર્યજનક સુધારો કર્યો છે. મને લાગે છે કે સેમિ-ફાઇનલમાં ભારતનું પલડું ભારે છે કેમ કે તેની પાસે અશ્વિન છે. તે વિશ્વસ્તરીય બોલર છે અને ઓસ્ટ્રેલિયા પાસે વિશ્વસ્તરીય સ્પિનર નથી.
પ્રથમ સેમિ-ફાઇનલ
મંગળવારે રમાયેલી પ્રથમ સેમિ-ફાઇનલમાં વરસાદના વિઘ્ન વચ્ચે ન્યૂ ઝીલેન્ડે સાઉથ આફ્રિકાને ચાર વિકેટે હરાવ્યું હતું. ઓકલેન્ડમાં રમાયેલી આ મેચ વરસાદના કારણે ટુંકાવી ૪૩-૪૩ ઓવરની કરી નંખાઇ હતી. સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ દાવ લીધો હતો. જેમાં તેણે ૪૩ ઓવરમાં પાંચ વિકેટે ૨૮૧ રન કર્યા હતા. આ પછી દાવમાં ઉતરેલા ન્યૂ ઝીલેન્ડે ડકવર્થ લૂઇસ નિયમ અનુસાર વિજય માટે ૨૯૮ રન કરવાના હતા. તેણે આ લક્ષ્યાંક એક બોલ બાકી હતો ત્યારે હાંસલ કર્યો હતો. છેલ્લી ઓવરના પાંચમા બોલે ગ્રાન્ટ એલિયટે સિક્સર ફટકારી ટીમને વિજય અપાવ્યો હતો. એલિયટે ૭૩ બોલમાં ૮૪ રન કર્યા હતા.
‘ચોકર’નું કલંક
પ્રથમ સેમિ-ફાઇનલમાં ટકરાયેલી બન્ને ટીમ - સાઉથ આફ્રિકા અને ન્યૂ ઝીલેન્ડ ‘ચોકર’નું બિરુદ ધરાવતી હતી. બન્નેમાંથી એક પણ ટીમ ક્યારેય વર્લ્ડ કપની સેમિ-ફાઇનલમાં વિજય મેળવવામાં સફળ રહી નહોતી. જોકે આ સેમિ-ફાઇનલમાં વિજય સાથે ન્યૂ ઝીલેન્ડની ટીમ ‘ચોકર’નું કલંક ધોઇ શકી છે, પણ સાઉથ આફ્રિકાના કપાળે તો કલંક લાગેલું જ રહ્યું છે. ન્યૂ ઝીલેન્ડે પ્રથમ વખત વર્લ્ડ કપના ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.
રોમાંચક ક્વાર્ટર ફાઇનલ
વેલિંગ્ટનમાં રમાયેલી ટૂર્નામેન્ટની અંતિમ ક્વાર્ટર ફાઇનલમાં યજમાન ન્યૂ ઝીલેન્ડે ૧૪૩ રને વેસ્ટ ઇંડિઝને હરાવીને સેમિ-ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું. ન્યૂ ઝીલેન્ડના વિજયમાં ગુપ્ટીલના અણનમ ૨૩૭ રનનું મહત્ત્વનું પ્રદાન હતું. ન્યૂ ઝીલેન્ડે ૫૦ ઓવરમાં છ વિકેટે ૩૯૩ રનનો જુમલો ખડક્યો હતો.
ભારત-બાંગ્લાદેશ વચ્ચે ૧૯ માર્ચે સિડનીમાં રમાયેલા બીજા ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ભારતે રોહિત શર્માની સદી અને રૈનાની અર્ધી સદી બાદ બોલરોના ઉમદા પ્રદર્શનને આધારે બાંગ્લાદેશને ૧૦૯ રને હરાવી સેમિ-ફાઇનલમાં સ્થાન પાક્કું કર્યું છે. ભારતે મેન ઓફ ધ મેચ રોહિતના ૧૩૭ રન અને રૈનાના આક્રમક ૬૫ રનની મદદથી છ વિકેટે ૩૦૨ રન કર્યા હતા.
સાઉથ આફ્રિકા-શ્રીલંકા વચ્ચે ૧૮ માર્ચે સિડનીમાં ક્વાર્ટર ફાઇનલમાં સાઉથ આફ્રિકાએ નોકઆઉટ રાઉન્ડમાં હારી જવાની ૨૩ વર્ષ જૂની પરંપરા તોડી હતી. સાઉથ આફ્રિકાએ શ્રીલંકાને નવ વિકેટે પરાજય આપ્યો હતો. મેન ઓફ ધ મેચ ઇમરાન તાહિર (૪/૨૬) અને હેટ્રિક ઝડપનાર જે. પી. ડ્યુમિની (૩/૨૯) ટીમના વિજયશિલ્પી હતા.

વર્લ્ડ કપના ફાઇનલમાં ભારત કે ઓસ્ટ્રેલિયા?
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.