વર્લ્ડ કપની સાથે સાથે...

સચિન તેંડુલકરની ભવિષ્યવાણી સાચી પડી
નવી દિલ્હી: વર્લ્ડ કપ અગાઉ ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં ભારતને ટેસ્ટ અને વન-ડેની ટ્રાઇ સિરીઝમાં સતત નિષ્ફળતા મળી હતી. આમ છતાં માસ્ટર બ્લાસ્ટર સચિને તે વખતે ભવિષ્યવાણી કરી હતી કે, ભારત સેમિ-ફાઇનલમાં પહોંચશે ત્યારે ક્વાર્ટર ફાઇનલમાં બાંગ્લાદેશને પરાજય આપ્યા બાદ ભારત સેમિ-ફાઇનલમાં પહોંચતાં તેની ભવિષ્યવાણી સાચી પડી છે. સચિને આ ભવિષ્યવાણી ફેબ્રુઆરીમાં ઇંગ્લેન્ડમાં આત્મકથા ‘પ્લેઇંગ ઇટ માય વે’ના લોન્ચિંગ વખતે કરી હતી. આ ઉપરાંત સચિને ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા અંગે કરેલી ભવિષ્યવાણી પણ સચોટ સાબિત થઈ હતી. સચિને ત્રણેય ટીમો સેમિ-ફાઇનલમાં પહોંચશે તેવી આગાહી પણ કરી હતી.

ટોસ માટે ઉપયોગમાં લેવાયેલા સિક્કાની હરાજી
વેલિંગ્ટનઃ ક્રિકેટ વર્લ્ડ કપને લઈ લોકોમાં અનોખો ઉત્સાહ પ્રવર્તે ત્યારે આઈસીસી દ્વારા આ વર્લ્ડ કપમાં રમાયેલી મેચોમાં ટોસ ઉછાળવા માટે જે સિક્કાનો ઉપયોગ કરાયો હતો તે તમામ સિક્કાની લિલામી કરવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત પ્રથમ વખત દરેક મેચના સ્કોરબોર્ડની પણ લિલામી કરવામાં આવશે. ૨૦૧૫ના વર્લ્ડ કપમાં વિશેષરૂપે સીમિત સંખ્યામાં સિક્કા બનાવાયા હતા અને દરેક સિક્કા પર જે તે મેચની તારીખ પણ લખેલી છે. આ સિક્કાઓનો સંગ્રહ કરવા માંગતા લોકો માટે આઈસીસી દ્વારા આ સિક્કાઓની હરાજી કરવાનો નિર્ણય કરાયો છે. આઈસીસી દ્વારા વિશ્વભરના તમામ ક્રિકેટપ્રેમીઓ માટે પ્રથમ વખત વર્લ્ડ કપની દરેક મેચના સત્તાવાર ક્રિકેટ સ્કોરબોર્ડની પણ હરાજી થશે.
‘સર’ જાડેજા વર્લ્ડ કપ પછી જ દાઢી કરશે
સિડનીઃ ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપની સેમિ-ફાઈનલમાં પહોંચી છે ત્યારે ટીમમાં નબળો દેખાવ કરનાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા માટે માત્ર રવીન્દ્ર પોતે જ નહીં, તેના ફેમિલી-મેમ્બર્સ પણ પરેશાન છે. ક્વાર્ટર ફાઈનલ જીત્યા પછી રવીન્દ્ર સાથે ફોન પર વાત કરનારા રવીન્દ્રનાં બહેન નયના જાડેજાએ કહ્યું હતું કે, રવીન્દ્ર ફરી એક વખત પર્ફોમ કરતો થઇ જાય એ માટે અમે બધાએ માતાના મઢના દર્શન કરવા જવાની માનતા રાખી છે અને માતાજીને ૧૧ શ્રીફળ ચઢાવવાનાં છીએ. રવીન્દ્રને પણ અમારી આ માનતાની ખબર છે. રવીન્દ્રે પણ માનતા રાખી છે કે તે વર્લ્ડ કપ પછી જ દાઢી કરશે.
મિસ્બાહ, આફ્રિદીની વન-ડેમાંથી વિદાય
એડિલેડઃ ઓસ્ટ્રેલિયા સામેની ક્વાર્ટર ફાઇનલમાં કારમા પરાજય બાદ પાકિસ્તાન ટીમના કેપ્ટન મિસ્બાહ-ઉલ-હક અને સિનિયર ખેલાડી શાહિદ આફ્રિદીની વન-ડે ક્રિકેટમાંથી નિરાશાજનક રીતે વિદાય થઈ છે. બંને જણાએ વર્લ્ડ કપ અગાઉ જાહેરાત કરી હતી કે, તેઓ આ વર્લ્ડ કપ બાદ વન-ડેમાંથી નિવૃત્તિ લેશે. જેમાં મિસ્બાહ ટેસ્ટ ક્રિકેટમાં જ્યારે આફ્રિદીએ ટી-૨૦માં આગળ રમતા રહેવાનું જણાવ્યું હતું. ૧૯૯૬માં કેન્યા સામે રમીને વન-ડે કારકિર્દીની શરૂઆત કરનાર શાહિદ આફ્રિદીએ શ્રીલંકા સામે ૩૭ બોલમાં સદી ફટકારીને પોતાનું નામ ગૂંજતું કર્યું હતું. આફ્રિદીએ ૩૯૮ વન-ડેમાં ૧૧૭ના સ્ટ્રાઇક રેટથી ૮,૦૬૪ રન કર્યા હતા. પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સામેની ક્વાર્ટર ફાઇનલમાં હારી જતાં ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. ૧૬૨ વન-ડે રમનાર મિસ્બાહે ૫,૧૨૨ રન કર્યા છે.
મુર્તઝા પર એક મેચનો પ્રતિબંધ
એડિલેડઃ ભારત સામેની ક્વાર્ટર ફાઇનલ મેચમાં નિર્ધારિત સમયમાં ૫૦ ઓવર પૂર્ણ ન કરી શકતાં બાંગ્લાદેશના કેપ્ટન મશરફ મુર્તઝા પર એક મેચનો પ્રતિબંધ લગાવાયો છે અને તેને મેચ ફીનો ૪૦ ટકા દંડ પણ ફટકાર્યો છે. ટીમના અન્ય ખેલાડીઓને મેચ ફીના ૨૦ ટકા દંડ કરાયો છે. મુર્તઝાને લીગ રાઉન્ડમાં ઇંગ્લેન્ડ સામેની મેચ વખતે પણ સ્લો ઓવર રેટ બદલ દંડ કરાયો હતો અને તેણે પોતાની ભૂલ સ્વીકારી હતી. ભારત સામેના મુકાબલામાં મુર્તઝા સમયમર્યાદામાં ટીમની ૫૦ ઓવર પૂર્ણ કરાવી શક્યો નહોતો. નિર્ધારિત સમય કરતાં બે ઓવર ઓછી ફેંકી હોવાથી આ દંડ ફટકારાયો હતો.
ધોનીએ ફટકારી વિજયની સદી
મેલબોર્નઃ કેપ્ટન ધોનીના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમે ૧૯ માર્ચે એકસોમો વિજય હાંસલ કર્યો હતો. આમ ધોનીએ વિજયની અનોખી સદી નોંધાવી છે. ભારતે ધોનીના નેતૃત્વમાં અત્યાર સુધી ૧૭૭ વન-ડે રમી છે. આ જોતાં ધોનીનો જીતનો રેશિયો ૬૧.૪૪ ગણી શકાય. આ સિદ્ધિમાં ધોની કરતા ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટિંગ તથા એલન બોર્ડર આગળ છે. પોન્ટિંગે ૨૩૦ મેચમાં ૧૬૫ વિજય તથા બોર્ડરે ૧૭૮ મેચોમાં ૧૦૭ વિજય મેળવ્યા છે.
જયવર્દને અને સંગાકારાની વન-ડેને અલવિદા
સિડનીઃ શ્રીલંકાના કુમાર સંગાકારા અને માહેલા જયવર્દનેએ વન-ડે ક્રિકેટને અલવિદા કરી છે. સાઉથ આફ્રિકા સામેની ક્વાર્ટર ફાઇનલમાં પરાજય થતાં સંગાકારા અને જયવર્દનેની નિરાશાજનક વિદાય રહી હતી. જયવર્દનેએ ૧૯૯૭માં ઝિમ્બાબ્વે સામે વન-ડે કરિયર શરૂ કરનાર જયવર્દને અને ૨૦૦૦માં પાકિસ્તાન સામે વન-ડે ક્રિકેટની શરૂઆત કરનાર સંગાકારાએ અગાઉથી જ નિવૃત્તિની જાહેરાત કરી હતી. શ્રીલંકા ૧૯૯૬માં વર્લ્ડ કપ જીત્યું હતું, પરંતુ આ બંને દિગ્ગજોના ભાગ્યમાં ક્યારેય વર્લ્ડ કપ ટ્રોફી ઉઠાવવાની તક આવી નથી.

વર્લ્ડ કપની સાથે સાથે...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.