ઊંઘમાં પણ મગજ કાર્યરત હોય છે
પેરિસઃ વ્યક્તિનું મગજ ઊંઘ દરમિયાન પણ સક્રિય હોય છે. તાજેતરમાં કેમ્બ્રિજ અને પેરિસ ખાતે જાગતી અને ઊંઘતી વ્યક્તિઓ પર સંશોધન કરાયું હતું. જેના પરિણામ મેડિકલ જર્નલ ‘કરન્ટ બાયોલોજી’માં પ્રકાશિત થયા છે.
વૈજ્ઞાનિકોએ સંશોધનમાં ભાગ લેનારા લોકો જાગતાં હતા ત્યારે તેમને એક શબ્દ કહ્યો અને લોકો ઊંઘી ગયા ત્યારે પણ તે શબ્દ અંગે પ્રતિક્રિયા નોંધી હતી. તેમને જાણવા મળ્યું હતું કે ઊંઘતી વખતે પણ મગજે જાગૃત અવસ્થા જેવી જ પ્રતિક્રિયા આપી હતી. તેના આધારે તેમણે સામાન્ય તારણ એવું કાઢ્યું છે કે વ્યક્તિનું મગજ ઊંઘ દરમિયાન પણ મુશ્કેલ કામ કરી શકે છે. સંશોધકોએ જણાવ્યું કે આગામી સમયમાં એવા પ્રયોગ કરાશે જેની મદદથી ઊંઘતા મગજનો પણ લાભ લઇ શકાય.
