એન્કાઉન્ટર કેસમાં અમિત શાહ નિર્દોષ

મુંબઇઃ ગુજરાતના બહુચર્ચિત સોહરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિ એમ બંને નકલી એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇ કોર્ટે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ક્લીન ચીટ આપી છે. આમ હવે અમિત શાહ વિરૂદ્ધ કોઈ જ ગુનો બનતો નથી.
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે અમિત શાહને મળેલી ક્લીન ચીટની ટીકા કરી છે અને સીબીઆઈ પર કેસ નબળો બનાવવાનો આરોપ મુક્યો છે. દેશભરમાં બહુ ગાજેલા આ કેસમાં અમિત શાહને ગુજરાતના ગૃહ પ્રધાન પદેથી પણ રાજીનામું આપવું પડ્યું હતું.
ભાજપના જગદંબિકા પાલે વળતો જવાબ આપતા કહ્યું હતું કે દેશની અદાલતો આઝાદ છે. આ પ્રકારના આરોપોનું કોઈ જ મહત્વ નથી. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં અમિત શાહની વર્ષ ૨૦૧૦માં સીબીઆઈ દ્વારા ધરપકડ થઇ હતી. ત્રણ મહિના અમદાવાદની સાબરમતી જેલમાં પસાર કર્યા બાદ શાહ જામીન પર મુક્ત થયા હતાં.
