એરએશિયા વિમાનનો ભંગાર અને ત્રણ મૃતદેહ મળ્યા
જાકાર્તાઃ રવિવારની વહેલી સવારે ૧૬૨ પ્રવાસી સાથે લાપતા ઈન્ડોનેશિયાની એરએશિયાના વિમાનની આખરે ભાળ મળી છે. વિમાનની શોધ ચલાવતા ઈન્ડોનેશિયન બચાવકારોને મંગળવારે બોર્નીયો ટાપુતટથી દૂર સમુદ્રમાં વિમાનનો થોડો ભંગાર અને ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા. અગાઉ, ૪૦ મૃતદેહ મળ્યાની જાહેરાત થઈ હતી. આ વિમાનમાં કોઈ પ્રવાસી બચ્યાની શક્યતા જણાતી નથી.
ઈન્ડોનેશિયાના સુરાબાયાથી સિંગાપોર જઈ રહેલી ફ્લાઈટ QZ8501 નો એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક ખરાબ હવામાનના કારણે તૂટી ગયો હતો. એરલાઈન્સના વડા ટોની ફર્નાન્ડીસે આ દુર્ઘટના સાથે સંકળાયેલા તમામ પરિવારો માટે દુઃખ વ્યક્ત કરી સહાનુભૂતિ દર્શાવી હતી. તેઓ શોધ અભિયાનમાં સામેલ થવા તત્કાળ સુરાબાયા પહોંચી ગયા હતા. ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા, મલેશિયા, સિંગાપોર, સાઉથ કોરિયા અને યુએસએના ૩૦ જહાજ અને ૨૧ એરક્રાફ્ટ શોધખોળમાં સામેલ થયાં છે. આ વિમાનમાં ૧૫૫ ઈન્ડોનેશિયન, ત્રણ સાઉથ કોરિયન તેમ જ બ્રિટન, સિંગાપોર અને મલેશિયાના એક-એક પ્રવાસી હતા.
