જમ્મુ-કાશ્મીરમાં સરકાર રચનાની કશ્મકશ જારી

શ્રીનગર,જમ્મુઃ જ્મ્મુ અને કાશ્મીર રાજ્યમાં તત્કાળ નવી સરકાર રચાવાના કોઈ અણસાર સાંપડતા નથી. ૮૭ સંખ્યાબળની વિધાનસભામાં સૌથી મોટા રાજકીય પક્ષ પીડીપી (૨૮ બેઠક) અને ભાજપ (૨૫ બેઠક)ની કવાયતોને હાલ તો કોઈ સફળતા મળી નથી. 

નોંધપાત્ર બાબત એ છે કે પીડીપીને કાશ્મીર ખીણમાં અને ભાજપને જમ્મુ ક્ષેત્રમાંથી બેઠકો મળી છે. નેશનલ કોન્ફરન્સને ૧૫ અને કોંગ્રેસને ૧૨ બેઠક મળેલી છે. રાજ્યપાલ એન.એન. વહોરાએ ચર્ચા માટે આપેલી મહેતલ અનુસાર પીડીપીના પ્રમુખ મહબૂબા મુફ્તીના વડપણ હેઠળનું પ્રતિનિધમંડળ બુધવારે રાજ્યપાલને મળશે, જ્યારે ભાજપ દ્વારા પહેલી જાન્યુઆરીએ તેની દરખાસ્ત આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વર્તમાન વિધાનસભાનો ૧૬ જાન્યુઆરીએ અંત આવે તે પહેલા નવી વિધાનસભાનું ગઠન જરૂરી છે.
રાજ્યપાલ સાથે બેઠક અગાઉ, પીડીપીના પ્રવક્તા નઈમ અખ્તરે જણાવ્યું હતું કે, ‘રાજકીય મડાગાંઠનો અંત લાવવાનું નિરાકરણ હાલ પક્ષ પાસે તૈયાર નથી અને તમામ વિકલ્પો તપાસાઈ રહ્યા છે. આ અતિ મુશ્કેલ પરિસ્થિતિ છે અને અમે તેને રાજ્યના કલ્યાણ, આર્થિક વિકાસ અને રાજકીય અનિશ્ચિતતાનો અંત લાવનારી તકમાં ફેરવવા શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છીએ.’
રાજકીય અનિશ્ચિતતા મધ્યે કાશ્મીર ખીણમાં એવી અફવાઓ ફેલાઈ હતી કે નેશનલ કોન્ફરન્સના ૧૫ સભ્યોના વિધાનસભા દળે પીડીપીને ટેકો આપતો ઠરાવ પસાર કરી દીધો છે.
જોકે, એનસીના જનરલ સેક્રેટરી અલી મોહમ્મદ સાગરે આ બાબતનું ખંડન કર્યું હતું. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, ‘જો પીડીપીને અમારા સમર્થનની જરૂર હોય તો તેણે અમારી નેતાગીરી સાથે વાતચીત કરવી જોઈએ તેમ અમે મૌખિક રીતે કહ્યું છે.’
પીડીપી રાજ્યમાં આગામી સરકાર રચવા કોની સાથે ગઠબંધન રચી શકે તે અંગે આંતરિક ચર્ચા કરી રહેલ છે. પક્ષના વડીલ નેતા મુફ્તી મોહમ્મદ સઈદ અગ્ર નેતાઓ, નવનિર્વાચિત વિધાયકો અને કાર્યકરો સાથે મસલતો કરી રહ્યા છે.
એક સમર્થનવિહોણા અહેવાલ અનુસાર પીડીપીના નેતા મુફ્તી મોહમ્મદ સઈદના મુખ્ય પ્રધાનપદે અને ભાજપને નાયબ મુખ્ય પ્રધાનપદ સાથે. છ વર્ષ માટે નવી સરકાર રચવાની સમજૂતી તરફ પીડીપી અને ભાજપ આગળ વધી રહ્યા છે. સમજૂતીની શરતો હજુ પ્રાથમિક અવસ્થામાં છે. નવી સરકારમાં પીડીપીના છ અને ભાજપના આઠ પ્રધાન હોઈ શકે છે.
જોકે, પીડીપીના સૂત્રો કહે છે કે તેઓ કલમ ૩૭૦ અને લશ્કરી દળોને વિશેષ સત્તા જેવાં રાજ્ય સંબંધિત કેટલાંક મુદ્દાઓ પરત્વે તેમના વલણમાં બાંધછોડ કરશે નહિ.
બીજી તરફ, ૧૨ બેઠક મેળવનારા કોંગ્રેસ પક્ષના નેતા અને પૂર્વ મુખ્ય પ્રધાન ગુલામ નબી આઝાદે પીડીપી, નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસને સમાવતા મહા ગઠબંધનની હિમાયત કરી છે. પક્ષપ્રમુખ સોનિયા ગાંધીએ પણ પીડીપીના નેતા સઈદ સાથે વાતચીત કરી હોવાનું કોંગ્રેસના વર્તુળો જણાવી રહ્યા છે.
રઘુવર દાસે ઝારખંડના દસમા મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા
ભાજપ નેતા રઘુવર દાસે આજે ઝારખંડના ૧૦માં મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતાં. ઝારખંડના ૧૪ વર્ષના ઇતિહાસમાં દાસ રાજ્યના પ્રથમ બિન આદિવાસી મુખ્યપ્રધાન બન્યા છે. રાંચીના બરસી મુંડા ફુટબોલ સ્ટેડિયમમાં આયોજિત શપથગ્રહણ સમારંભમાં ઝારખંડના રાજ્યપાલ સૈયદ અહેમદે ૫૯ વર્ષીય દાસને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતાં.
રઘુવર દાસની સાથે ભાજપના નિલકંઠસિંહ મુંડા, ચંદ્રેસવર પ્રસાદ સિંહ, લૂઇસ મરાંડી તથા અજસુ પક્ષના ચંદ્રપ્રકાશ ચૌધરીએ પણ કેબિનેટ પ્રધાનો તરીકે શપથ લીધા હતા. મુખ્યપ્રધાન સહિત ઝારખંડમાં મહત્તમ ૧૨ કેબિનેટ પ્રધાનો બનાવી શકાય છે. શપથગ્રહણ સમારંભમાં ભાજપ પ્રમુખ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેવાના હતા પરંતુ નવી દિલ્હીમાં સવારે ભારે ધુમ્મસને કારણે બંને નેતાઓ રાંચી જઇ શક્યા ન હતાં.
૧૪ વર્ષમાં અહીં ૧૧ સરકાર બની છે એ જ આ રાજ્યની રાજકીય અસ્થિરતાનું સૌથી મોટું પ્રમાણ છે. અહીં ભારતીય જનતા પાર્ટી ઉપરાંત ગુરુજી તરીકે ઓળખાતા શિબુ શોરેનની ઝારખંડ મુક્તિ મોરચો રાજકીય રીતે પ્રભાવશાળી છે. ભાજપને અહીં ચાર વખત સરકાર બનાવવાની અથવા સરકારમાં સામેલ કરવાની તક મળી પરંતુ સ્પષ્ટ બહુમતિ સાથે સ્થિર સરકારએ આ પછાત રાજ્યની માગ હતી.
ભાજપ અને વિકાસ જાતિવાદનું સંતુલન ફળ્યું
લોકસભાની ચૂંટણી પછી તરત ભાજપે ઝારખંડમાં આવી રહેલી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા સમિતિઓની રચના કરી દીધી હતી અને દૂરદરાજના ગામો સુધી જનચેતના રચના માધ્યમથી લોકો સુધી પહોંચવાનો વ્યૂહ અપનાવ્યો હતો. ભાજપશાસ્તિ રાજ્યોના વિકાસની ફિલ્મો અને કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારની વિકાસ તરફીલ છબીને વધુ ઉજવણી બતાવવાના આ પ્રચાર યુદ્ધના ભાજપના દરેક પક્ષ કરતાં અગ્રેસર હતી.
વિકાસના મોડેલ ઉપરાંત ભાજપે ટિકિટોની વહેંચણીમાં આદિવાસીઓની પેટાજાતિઓના સંતુલનમાં પણ બરાબર કાળજી રાખી હતી. મુંડા, સંથાલ, મ્હાતો વગેરે મુખ્ય જાતિઓના પોકેટને ધ્યાનમાં રાખીને બેઠકોની વહેંચણી કરી હતી. ભાજપે ખાસ કરીને શહેરી વિસ્તારના યુવાનોને રોજગારીની ખાતરી આપી, મહિલાઓને સુરક્ષા તેમ જ શિક્ષણ, આરોગ્યની તકો ઉપલબ્ધ કરાવવાના વચન આપ્યો. આ દરેક કારણોમાં મોદગી લહેર પણ ભળી. પરિણામે શહેરી વિસ્તારો ભાજપ તરફી હવાના વાહક બન્યા અને ગામડાંઓમાં વ્યક્તિગત પ્રચારના મારા વડે પગપેસારો કરવાનો વ્યૂહ ભાજપને ફળ્યો.
રાહુલે ૮ બેઠકો ઉપર પ્રચાર કર્યો જેમાંથી કોંગ્રેસે ૭ બેઠકો ગુમાવી
ઝારખંડમાં તાજેતરની ચૂંટણીમાં એક માસના ચૂંટણીપ્રચારમાં કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ આઠ બેઠકોના મતવિસ્તારોમાં સભા યોજી હતી. લોકોને મળી પ્રચાર કર્યો હતો પણ તેમાંથી સાત બેઠકો કોંગ્રેસે ગુમાવી હતી. ભાજપ પ્રમુખ અમિત શાહે અગાઉથી જાહેરાત કરી હતી કે રાહુલ ગાંધી જ્યાં પ્રચાર કરશે ત્યાં કોંગ્રેસ હારશે. મંગળવારે જાહેર થયેલાં પરિણામોમાં આ વાત પુરવાર થઈ. પલામુ જિલ્લામાં રાહુલ ગાંધીએ વ્યાપક રેલીઓ યોજી હતી પણ પ્રધાન કે. એન. ત્રિપાઠી દાલ્ટનગંજ સીટ પરથી હારી ગયા હતા. રાહુલે પાંચ તબક્કામાંથી ચારમાં પ્રચાર કર્યો હતો, બીજી બાજુ નરેન્દ્ર મોદીની રેલીઓ પણ યોજાઈ હતી. રાહુલના વફાદારોને રાતદિવસ એક કરી લોકોનાં ટોળાં એકત્ર જરૂર કર્યાં. કાન્કે ખાતે યુપીએ સરકારે બનાવેલા કાયદાકાનૂનાં ગુણગાન ગાયાં, તેમના પ્રશ્નો કોંગ્રેસ કેવી રીતે ઉકલશે તેનાં પણ વચનો આપ્યાં હતાં.

જમ્મુ-કાશ્મીરમાં સરકાર રચનાની કશ્મકશ જારી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.