પત્ની તો નહિ પણ જેલ મળી

લંડનઃ બનાવટી લગ્ન પાછળ £૪,૬૬૦નો ભારે ખર્ચ કરનારા ગેરકાયદે ઈમિગ્રન્ટ બાબર ખાનને સાઉધમ્પટન ક્રાઉન કોર્ટે ૨૦ મહિનાની જેલની સજા કરી હતી. સજા પૂર્ણ થતાં તેને પાકિસ્તાન ડીપોર્ટ કરાશે. રસપ્રદ બાબત એ છે કે સાઉધમ્પટન લગ્ન નોંધણી કચેરીમાં બાબર ખાનને નવવધૂનું નામ પૂછવામાં આવ્યું ત્યારે નામનો બરાબર ઉચ્ચાર ન કરી શકવાથી સ્ટાફને શંકા ગઈ હતી.
પૂછપરછ દરમિયાન બનાવટી યુગલે વિરોધાભાસી જવાબો આપ્યા હતા. યુગલ માત્ર બે મહેમાનની હાજરીમાં લગ્નના શપથ લેવાની તૈયારી કરતા હતા ત્યારે પોલીસ ધસી આવી હતી અને બન્નેની ધરપકડ કરી હતી.
પાકિસ્તાની નાગરિકે ગમે તેમ કરીને બ્રિટનમાં રહેવાના પ્રયાસરૂપે જરા પણ પરિચય ન હોય તેવી યુવતી સાથે લગ્ન કરવા મોટી રકમ ખર્ચી હતી. જોકે, બનાવટી લગ્નમાં જોડાનારી અનામી મહિલાને તો માત્ર ૨૫૦ પાઉન્ડ મળ્યાં હોવાનું મનાય છે. બાબર ખાન ત્રણ વર્ષના એકાઉન્ટ્ન્સી કોર્સના અભ્યાસ માટે સપ્ટેમ્બર ૨૦૧૧માં લંડન આવ્યો હતો. જોકે, ક્લાસીસમાં હાજર રહેવાની નિષ્ફળતાના પગલે ઈમિગ્રેશન સત્તાવાળાઓએ મુદત વધારવાની અરજી કરવા અથવા દેશ છોડી જવાની તાકીદ કરી હતી.
