લંડનવાસી યુવક માટે વતનમાં ‘અતિથિ દેવો ભવ’ સૂત્ર સાર્થક થયું
ભૂજઃ લંડનવાસી એક યુવાનને ગત મહિને વતનની મુલાકાત દરમિયાન ‘અતિથિ દેવો ભવઃ’ સૂત્રનો સુખદ અનુભવ થયો. મૂળ માનકૂવાના ગોરાણી પરિવારના ભાણેજ વિરેન પટેલ લંડનથી કચ્છમાં આવીને ધોરડો ફરવા ગયા હતા. કારમાં ધોરડો ફરીને વળતા ભીરંડિયારા પાસે ચા-પાણી પીધા હતા. ત્યાંથી જ્યારે તે માનકૂવા પહોંચ્યા તો ખબર પડી કે પોતાનો વિદેશી મોંઘો મોબાઈલ ત્યાં ભૂલી ગયા હતા.
તેમણે પોતાનો ફોન નંબર લગાડ્યો તો સામેથી ભીરંડિયારાથી, ‘હું દેવા કાના મારવાડા બોલું છું. તમારો મોબાઈલ મારી પાસે છે હું કાલે ભૂજ આવું છું ત્યારે આપી દઈશ.’ બીજા દિવસે નક્કી થયા એ મુજબ એ યુવાને મોબાઈલ પરત કર્યો હતો. વિરેને બદલો આપવાની કોશિશ કરી તો ગ્રામીણ યુવક બોલ્યો કે ‘ભા હી ત અસાંજી ફરજ આય મથે માલિક નેરેતો’ એમ કહીને ચાલ્યો ગયો.
