વર્ષ ૨૦૧૫નું આગમનઃ હું માનવી માનવ થાઉં તો ઘણું!

ઈસુના વર્ષ ૨૦૧૪ની વસમી વિદાય સાથે નવલાં વર્ષ ૨૦૧૫નું આગમન થયું છે. આગમન અને વિદાય જીવનની ઘટમાળ છે, સારાં-નરસાં પ્રસંગોનો ઘટનાક્રમ છે. આ જ રીતે વર્ષ ૨૦૧૪માં આપણાં માનસપટ પર ચિહ્નો અંકિત કરી જનારી અનેક ઘટનાઓ ઘટી છે. આવી ઘટનાઓમાંથી જે પદાર્થપાઠ શીખવો જોઈએ તે આપણે શીખતાં નથી. દર વર્ષના આગમનકાળે આપણે અવનવાં સંકલ્પો કરતા રહીએ છીએ, પરંતુ તેને જીવનમાં ઉતારતાં નથી. અનેક ધાર્મિક વાડા અને સંપ્રદાયો, પ્રદેશવાદ અને વિસ્તારવાદના ઝનૂનમાં જકડાઈને આપણે એકબીજાના લોહીનાં તરસ્યાં બની ગયાં છીએ અને આપણા મૂળ માનવધર્મને વિસારે જ પાડી દીધો છે. આથી જ કદાચ ગુજરાતના મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીના અંતરમાંથી આ બોલ સરી પડ્યાં હશે, ‘વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી : પશુ છે,પંખી છે,પુષ્પો,વનોની છે વનસ્પતિ !

વર્ષ ૨૦૧૪માં આતંકવાદ, ધાર્મિક કટ્ટરતા, ઈબોલા તથા પૂર-વાવાઝોડાં અને હવાઈ દુર્ઘટનાઓના મુદ્દા છવાયેલાં રહ્યાં હતાં. આ વર્ષની સૌથી કાલિમાપૂર્ણ ઘટના તો પાકિસ્તાનના પેશાવરની શાળામાં ૧૬મી ડિસેમ્બરે આતંકવાદીઓ દ્વારા ૧૩૨ નિર્દોષ બાળકો સહિત ૧૪૫ લોકોની નિર્મમ હત્યાની બની રહી. આપણે જે વાત કરી કે આપણે ભૂતકાળમાંથી કશું શીખતાં નથી, તે પાકિસ્તાનના વિશે સંપૂર્ણ અને સર્વથા સત્ય ગણાવી શકાય. દાયકાઓથી પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનમાં ધર્મઝનૂની તાલિબાન અને ભારત સામે કાશ્મીરની પ્રજાના અધિકારના નામે આતંકવાદના ભોરિંગને ઉછેરવામાં આવ્યો છે તે પોતાના જ પાલકને ડસી જાય તેને ન્યાય તો કહી શકાય, પરંતુ નિર્દોષ બાળકો અને નાગરિકો તેનો ભોગ બને તેનું દુઃખ અવશ્ય થાય. ભારતમાં પણ આસામ, છત્તીસગઢ સહિત કેટલાંક સ્થળોએ સ્થાનિક બોડો અને નક્સલવાદી હુમલામાં નિર્દોષ લોકો અને પોલીસમેનોએ અમૂલ્ય જિંદગી ગુમાવી છે.
આ જ રીતે, સીરિયા અને ઈરાકમાં ઈસ્લામિક સ્ટેટ નામના ધાર્મિક કટ્ટરતાવાદી અને આતંકી સંગઠને કાળો કેર વર્તાવ્યો છે. પોતાની ખિલાફત વિચારધારામાં નહિ માનનારા લોકોની હત્યા કરવાની ખુલ્લેઆમ ધમકી તેઓ આપી રહ્યાં છે અને ૫,૦૦૦ જેટલાં લોકોની હત્યા કરાયાના
પણ અહેવાલો છે. બ્રિટનમાંથી પણ ખોટી રીતે કટ્ટરતાથી દોરવાયેલા યુવાનો ઈસ્લામિક સ્ટેટની તરફેણમાં યુદ્ધ કરવા સીરિયા અને ઈરાક જઈ રહ્યા છે તે ચિંતાજનક છે.
માનવજાત માટે નવા પડકાર બની ગયેલાં ઈબોલા વાયરસે આફ્રિકન રાષ્ટ્રોમાં હાહાકાર મચાવી દેતા વિશ્વભરના તબીબીવિજ્ઞાનના સંશોધકો અને માનવતાવાદી ડોક્ટર્સ અને નર્સીસ કામે લાગી ગયાં હતા. આ મહામારીથી સમગ્ર વિશ્વ ચિંતામાં ડૂબી ગયું છે. વર્ષ ૨૦૧૫માં આનું વેક્સીનેશન શોધાય તેવી જ આશા આપણે રાખીએ. આ સિવાય, બે હવાઈ દુર્ઘટનાએ પણ ધ્યાન ખેંચ્યું છે. આઠ માર્ચે મલેશિયાનું ૨૩૯ પ્રવાસી સાથેનું વિમાન લાપતા થયું હતું, જેની ભાળ હજુ સુધી મળી નથી. ડિસેમ્બરમાં પણ ૧૬૨ પ્રવાસી સાથે એરએશિયાના વિમાને જળસમાધિ લીધી હતી, જેનો કાટમાળ મળી આવ્યો છે.
ભારતનો વિચાર કરીએ તો આ વર્ષ મોટી સફળતાનું બની રહ્યું, જ્યારે સમજદાર મતદારોએ લોકશાહીને વધુ મજબૂત બનાવી હતી. અભૂતપૂર્વ બહુમતી સાથે નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પક્ષ સાથેના મોરચાને દેશનું સુકાન સોંપી દીધું અને કોંગ્રેસ સહિત અન્ય પક્ષોનો રકાસ થયો. આ પછી પણ અન્ય રાજયોની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષનો ઘોડો મોટા ભાગે વિનમાં જ રહ્યો છે. ભારતના નાગરિકોને ગુજરાતમાં કુશળ શાસક અને મહાનાયક તરીકે નામનાપ્રાપ્ત નરેન્દ્રભાઈ મોદી પાસે ઘણી આશા અને અપેક્ષાઓ છે, જે ૨૦૧૫માં પરિપૂર્ણ થાય તેવી આપણે આશા રાખી શકીએ. નવા વર્ષ ૨૦૧૫માં રાજકીય પક્ષોને આત્મમંથન કરવાનો પૂરતો સમય મળી રહેશે.
ભારતને આવી જ બીજી મોટી સફળતા અવકાશક્ષેત્રે હાંસલ થઈ છે. ભારતના મિશન મંગળયાન કે મિશન માર્સની અભૂતપૂર્વ સફળતાએ ભારતીય વૈજ્ઞાનિકો અને ટેકનોલોજિસ્ટોની ક્ષમતાને ચાર ચાંદ લગાવી દીધા છે. આ પ્રોજેક્ટની વિશેષતા એ રહી કે હોલીવૂડની ફિલ્મ કરતાં પણ ઓછાં ખર્ચે આ મંગળ મિશન પાર પડ્યું હતું. સ્વાભાવિક રીતે જ ભારતની આ સિદ્ધિથી અમેરિકા, ચીન, રશિયા અને યુરોપીય રાષ્ટ્રોના પેટમાં તેલ રેડાયું તેમ કહી શકાય. આ ઉપરાંત, વંચિત અને ગરીબ બાળકોનાં બચપણને બચાવવાની ખેવના સાથે કાર્યરત કૈલાસ સત્યાર્થીને વર્ષ ૨૦૧૪ માટે નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરાયો તે ભારત માટે ગૌરવની પળ જ ગણાય. આ સાથે પાકિસ્તાનમાં બાળ અધિકાર અને શિક્ષણનો બગાવતી ધ્વજ હાથમાં લેનારી બાળા મલાલા યુસુફઝાઈ પણ નિર્વિવાદપણે આ પુરસ્કારની સંયુક્ત અધિકારી બની રહી હતી.
દિવસેદિવસે માનવીઓ વચ્ચે વિખવાદ અને વેરઝેરનું પ્રમાણ વધી રહ્યું છે. શાંતિ અને સંવાદની આવશ્યકતાની આ પળે ગુજરાતના અન્ય મૂર્ધન્ય કવિ ત્રિભોવનદાસ પુરુષોત્તમદાસ લુહાર ‘સુન્દરમ’ની કાવ્યપંક્તિઓ આપણે યાદ કરી લઈએ કે, ‘હું માનવી માનવ થાઉં તો ઘણું!’

વર્ષ ૨૦૧૫નું આગમનઃ હું માનવી માનવ થાઉં તો ઘણું!
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.